સંપ્રતિ મહારાજ

સંપ્રતિ મહારાજ

સંપ્રતિ મહારાજ

સંપ્રતિ મહારાજ

આચાર્યશ્રી સુહસ્તિસૂરિ એક વિશિષ્ટ કોટિના જ્ઞાાનીપુરુષ હતા. એકવાર બપોરે એમના શિષ્ય-સાધુ ગોચરી લેવા નીકળ્યા હતા. ઘેર ઘેર ફરીને નિર્દોષ ગોચરી લઈને તેઓ પાછા ફરી રહ્યા હતા. એવામાં રસ્તામાં એક ભિખારી મળ્યો. એ ભિખારી અત્યંત દરિદ્ર અવસ્થામાં હતો. એના વસ્ત્રો મેલાઘેલાં હતા એના ચહેરા પર ભૂખનું દુઃખ દેખાઈ આવતું હતું. એણે જોયું તો સાધુ-મહાત્મા ગોચરી વહોરીને આવી રહ્યા છે એમના હાથમાં ભિક્ષાપાત્ર છે, એટલે સ્વાભાવિક રીતે જ ભિખારીએ સાધુ-મહાત્માને કહ્યું.

”મુનિરાજ, હું કેટલાય દિવસથી ભૂખ્યો છું. અન્ન વિના ટળવળું છું. આપની પાસે ભિક્ષા છે, તો મને એમાંથી થોડુંક ભોજન આપો ને! ભૂખનું દુઃખ દોહ્યલું છે એમ લાગે છે કે જો ભોજન નહીં મળે, તો મારા પ્રાણ છૂટી જશે.”

સાધુએ કરુણાભરી દૃષ્ટિથી ભિંખારી સામે જોયું. એની દુર્દશા પ્રત્યે દુઃખ પ્રગટ કરતા કહ્યું, ”ભાઈ, તું ભૂખ્યો છે તે વાત સાચી, પરંતુ હું તને ભિક્ષા આપી શકું તેમ નથી. અમારી ગોચરી પર ગુરુદેવનો અધિકાર હોય છે. એમની આજ્ઞાા વિના હું તને આપી શકું નહીં. ”

ભિખારીએ કહ્યું : ”તો મારે શું કરવું જોઈએ ?”

”ચાલ, મારી સાથે ગુરુદેવની પાસે. એમને તું વિનંતી કરજે અને એ જરૃર તારી ભૂખ મિટાવશે.”

સાધુના વચનો પર વિશ્વાસ રાખીને ભિખારી એમની પાછળ ચાલવા લાગ્યો. સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ્યા અને ગોચરીના પાત્ર આચાર્ય સુહસ્તિસૂરિજી મહારાજ પાસે મૂક્યા અને પછી ભિખારીની દુર્દશાની વાત કરી.

આચાર્ય દેવે એ ગરીબ ભિખારી તરફ કરુણાભરી નજર કરી. એણે ભાવથી આચાર્યદેવને વંદન કર્યા, ત્યારે આચાર્યશ્રીએ એના મેલાઘેલા લિબાશમાં અને નિરાશ મુખની રેખાઓમાં કોઈ પ્રતાપી પુરુષના ચિન્હો જોયા. એમણે ભિખારીને કહ્યું,

”બોલ, તારે માત્ર ભોજન જોઈએ છે કે પછી અમારા જેવા સાધુ બનવું છે. જો અમારા જેવો સાધુ બનીશ તો માત્ર તારી ભૂખ જ નહીં ટળે, પરતુ તને જીવન જીવવાનું ખરું ભોજન મળશે.”

ભૂખનો માર્યો માણસ શું ન કરે ! અતિ વ્યાકુળ એવો ભિખારી પોતાના પેટને ખાતર સઘળું કરવા તૈયાર હતો. એને તો ભોજન મેળવીને ભૂખ ભાંગવાની ચિંતા હતી. વળી સાધુ થતા આ મેલાંઘેલાં કપડામાંથી પણ મુક્તિ મળશે એમ માન્યું. આથી એણે આચાર્ય મહારાજને વંદન કર્યા, એમની વાતનો સ્વીકાર કર્યો અને દયાભાવથી સાધુઓએ તેને વેશપરિવર્તન કરાવીને દીક્ષા આપી તથા ગોચરી વાપરવા બેસાડી દીધો.

ભિખારીની તો દિવસોની ભૂખ ટળી ગઈ, પણ બન્યું એવું કે એ ભોજન જોઈને ભાન ભૂલ્યો. ઘણા વખતે આવું સારું ભોજન મેળવ્યું હતું. આથી ઠાંસી ઠાંસીને ખાધું પરિણામે રાત્રે પેટમાં ભારે પીડા ઉપડી. ન રહેવાય, ન સહેવાય કરવું શું ? પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બધા સાધુઓ આ નવા સાધુની આસપાસ બેસી ગયા. પ્રતિક્રમણ કરવા આવેલા શ્રાવકો આ નવા સાધુની સેવા-સુશ્રુષા કરવા લાગ્યા. સાધુ- મહાત્માઓ પણ એની શાંતિ માટે નવકાર મહામંત્ર સંભળાવવા લાગ્યા.

નવદિક્ષિત સાધુની આવી સ્થિતિ જાણીને સ્વયં આચાર્ય આર્ય સુહસ્તિસૂરિ પણ એની પાસે આવ્યા. એને સાંત્વનાભેર ઉપદેશ આપવા લાગ્યા. આસપાસનું વાતાવરણ જોઈને નવા સાધુના ચિત્તમાં ભારે મનોમંથન જાગ્યું. વિચારવા લાગ્યો કે માત્ર પેટની આગ ઠારવા માટે સાધુ બન્યો, પણ સાધુતા કેવી અનેરી છે ! ગઈકાલ સુધી કોઈ મારી કશી દરકાર કરતું નહોતું અને આજે સાધુતા ગ્રહણ કર્યા પછી સહુ કોઈ મારી ચિંતા કરે છે. શ્રાવકો સેવા કરે છે, કોઈ પગ દબાવે છે તો કોઈ બીજા ઉપાય કરેે છે. અરે, સ્વયં આચાર્યશ્રી પણ ઉપસ્તિત થાય છે. મને સાંત્વના આપવા

માટે તેઓ કેવો હૃદયસ્પર્શી ઉપદેશ આપી રહ્યા છે. શું તેમનુ વાત્સલ્ય ! કેવી એમની કરુણા ! એને કેવો આ જૈન દીક્ષાનો પ્રબળ પ્રભાવ !

નવો સાધુ પોતાની જાત પર હસવા લાગ્યો. ઓહ, મેં તો ભૂખના દુઃખને ટાળવા દીક્ષા લીધી હતી. પણ સાચા ભાવથી દીક્ષા લીધી હોત તો ! હું કેવો તરી જાત.

આ રીતે સાધુ ધર્મની અનુમોદના કરતા કરતા અને શ્રીનમસ્કાર મહામંત્રનું રટણ કરતા કરતાં એનું મૃત્યુ થયું પણ એની આવી પવિત્ર ભાવનાને કારણે એ પછી મહાન સમ્રાટ અશોકના પૌત્ર મહારાજ સંપ્રતિ તરીકે જન્મ્યો, જેમણે પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યા અને સવા કરોડ જિનમૂર્તિઓ ભરાવી હતી.

Related Articles