નરસંડામાં જૈન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે કોમી એકતાના દ્રશ્યો સર્જાયા
જૈનોની શોભાયાત્રાનું મસ્જીદ ચોકમાં મુસ્લિમોએ સ્વાગત કર્યું…
નડિયાદ તાલુકાના નરસંડામાં જૈન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા આજે સવારે નીકળી હતી. આ શોભાયાત્રા નરસંડા મસ્જીદ પાસે આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી હતી, ત્યાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નરસંડામાં ચબૂતરી નજીક ભવ્ય જૈન મંદિર બનાવવામાં આવ્યું છે. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય મધ્યે પરમાત્માના પ્રભુ પ્રતિષ્ઠા સંલગ્ન પાવનકારી પ્રભુજીનો વરઘોડો (શોભાાયાત્રા) આજે નરસંડા ખાતે સવારે ૮.૩૦ કલાકે નીકળીને સાડા દસ કલાકે નરસંડા મસ્જીદ ચોકમાં આવી પહોંચતા મુસ્લિમ અગ્રણીઓ મહેબુબમીયાં મલેક, સિરાજમીયાં મલેક, હાજી મહમદઅલી વોરા, અબ્બાસમીયાં મલેક, ઈમ્તીયાઝમીયાં શેખ, અબ્દુલખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજર રહી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. વિવિધ બેન્ડ કંપનીઓ સાથેની શોભાયાત્રા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ રહતી. કાર્યક્રમને સફળ બનાવવા નરસંડા જૈન દેેરાસર અને ઉપાશ્રય ટ્રસ્ટના સુભાષભાઈ, અશ્વિનભાઈ, ભૂપેન્દ્રભાઈ, પ્રજ્ઞેશભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આવતીકાલે તા. ૯-૧૨-૧૬ના રોજ સવારે ૬.૩૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન શ્રી જિનબિંબોનો જિનાલય પ્રવેશ, પ્રભુ પ્રતિષ્ઠા મંદિર ખાતે થશે.