રૃડા રાજમહેલના ત્યાગી રે…
ચાલ્યા રે વૈરાગી રે…
ઉમંગભાઈ શાહ અને તેમના પત્ની છાયલબહેન બંને પોતાની ૨૨મી લગ્નતિથિના બીજા દિવસે દીક્ષા લેશે
વાસણા ખાતે રહેતા ઉમંગભાઈ શાહ અને તેમના પત્ની છાયલબહેન બંને પોતાની ૨૨મી લગ્નતિથિના બીજા દિવસે સંસારીજીવનનો ત્યાગ કરીને નરરત્નસૂરિશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં દીક્ષા લેશે. આ દંપતિના બંને પુત્ર પણ દીક્ષા લઈ ચૂક્યા છે. તેમના મોટા પુત્ર મીતે ૧૨ વર્ષની ઉંમરે ૨૦૦૮માં દીક્ષા લીધી હતી. જ્યારે નાનો પુત્ર રૃષભે ૨૦૧૨માં ૧૨ વર્ષની ઉંમરે સંયમજીવનના માર્ગે ચાલી નીકળેલો.
પત્નીએ લગ્નજીવનની શરૃઆતમાં મને જ પૂછેલું કે, ‘તમે મને દીક્ષા અપાવશો ને?’
અમારા ઘરમાં ધર્મનું વાતાવરણ વધારે છે. મારી મમ્મી અત્યારે વર્ધમાનતપની ૯૯મી ઓળી કરી રહ્યા છે. મારી પત્નીને પણ પહેલાથી જ દીક્ષા લેવાની ઈચ્છા હતી. તેની સાથે રહ્યા બાદ અને ખાસ તો અમારા બાળકોએ દીક્ષા લીધી તે પછી ધર્મ પ્રત્યે આલંબન વધ્યું અને જીવવું તો આ સંયમમાર્ગે જીવવું એવી લાગણી થઈ.
પત્નીએ લગ્ન પહેલા દીક્ષા લઈ લીધી હોત તો એક જ જણ ધર્મમાર્ગે વળ્યું હોત. આ તો એકને જગ્યાએ ચાર જણને ધર્મમાર્ગે જીવન જીવવાનો લાભ મળ્યો. સામાન્ય રીતે બધા મારા સાહેબો બાળપણમાં જ દીક્ષા ગ્રહણ કરી લેતા હોય છે, હું પરણેલો દીક્ષાગ્રહણ કરીને એક રીતે નવો ચીલો ચાતરીશ કે લગ્ન બાદ પણ દીક્ષા લઈ શકાય છે.
– ઉમંગભાઈ શાહ
પ્રેગ્નેન્સી વખતે જ વિચારેલું કે બાળકોને દીક્ષા લેવી હશે તો ના નહીં કહું
મારા માતા-પિતા સામે મેં દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ત્યારે તેમણે મને ના પાડી અને લગ્ન કરાવી દીધા. જો કે ધાર્મિક પરિવારમાં લગ્ન થયા તે મારું સદભાગ્ય, હું દીક્ષા ગ્રહણ નહોતી કરી શકે એટલે મારા સંતાનો જ્યારે આવવાના હતા તે વખતે જ મેં નક્કી કરી લીધું હતું કે જો તેમને ધર્મમાર્ગે જવું હશે તો હું તેમને નહી રોકું.
અમારા બંને સંતાનો તપોવનમાં ભણતા હતા અને તેમણે દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી તે અમે માન્ય રાખી. અમે પણ હમણાં એક વર્ષ પહેલા જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. મારા માતા અને સાસુ બંનેએ અમારા નિર્ણયને માન્ય રાખ્યો છે અને તે રીતે અમને ધર્મમાર્ગે ચાલી નીકળવાની સગવડ કરી આપી છે.