આ કપલે લગ્નની પ્રથમ રાત્રિ ઉપાશ્રયમાં જઇને સાધુ જીવનમાં વિતાવી
– અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા
– લગ્નના દિવસે બંનેએ ચટાકેદાર સ્વાદિષ્ટ ભોજનના બદલે મીઠા વગરનું બાફેલું ભોજન લીધું
જૈન ધર્મમાં ચટાકેદાર ભોજનનો ત્યાગ કરીને માત્ર બાફેલા ભોજન વડે થતા વ્રતને આયંબિલ વ્રત જયારે એક રાત્રિ ઉપાશ્રયમાં સાધુ જીવન ગાળવાને પોષો કહેવામાં આવે છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં ૨૬ વર્ષનો યુવાન રોશન શાહ અને ૨૪ વર્ષની આયુષી વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે.રોશન અને આયુષીના હમણા જ એક પાર્ટી પ્લોટમાં સામાજિક રીત રિવાજ મુજબ સગા સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા હતા.જો કે તેમના લગ્નની પ્રથમરાત્રિ કોઇ વિચારી ન શકે એ રીતે જુદી હતી જે તેમણે ઉપાશ્રયમાં સાધુ જીવન જીવીને વિતાવી હતી.એટલું જ નહી પોતાના લગ્નના ચટાકેદાર ભોજનનો સ્વાદ માણવાના સ્થાને મીઠા વગરનું બાફેલું ભોજન લઇને આ કપલે પ્રભુતામાં પગલા માંડયા હતા.
પૂર્વ જીવનના સંબંધે બહેન થતા સાધ્વીજીને લગ્નની અનોખી ગિફ્ટ આપી
રોશન અને આયુષી સંયમમાર્ગે જીવન વિતાવતા સાધ્વીજીના આર્શિવાદ મેળવવા ઉપાશ્રયમાં ગયા હતા.આ અંગે વાત કરતા રોશન કહે છે પૂર્વ જીવનના સંબંધે આ સાધ્વીજી મારા બહેન થતા હોવાથી લગ્ન પ્રસંગે શું ગિફટ આપું એવી સામે ચાલીને મેં વાત કરી હતી.આમ તો સંસારની મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવનારા સાધુ સાધ્વીઓ માટે સંસારના પ્રસંગો અને ભૌતિક ગિફટનું કોઇ જ મહત્વ હોતું નથી.આથી સાધ્વીજીએ લગ્નના દિવસે તેલ,ઘી,ગોળ અને તીખા મસાલેદાર ખોરાકના બદલે માત્ર બાફેલું સ્વાદ વગરનું ભોજન આરોગવાનું વ્રત લેવાની તથા લગ્નની પહેલી રાત્રિ ઉપાશ્રયમાં સાધુ જીવનમાં વિતાવવાની ગિફટ માંગી હતી.
નવ પરણીત કપલને લગ્નજીવન આ રીતે શરુ થવાનો આનંદ છે
સામાન્ય રીતે સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન જીવતા સંયમમાર્ગી કઠોર વ્રત અને નિયમોથી બંધાયેલું પોષાર્ધિ જીવન જીવે છે.જે સંસારના માનવીઓ માટે ખૂૂબજ અઘરું હોય છે.આમ અઘરી ગણાતી ગિફટ રોશન અને આયુષીએ પૂવાર્ધ સંબંધમાં બહેન થતા સાધ્વીજીને આપી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર અનેક ભાવિકો પર્યૂષણ અને ચાર્તુમાસ દરમિયાન ઉપાશ્રયમાં સાધુ જીવનનો અનુભવ લઇ આર્શિવાદ મેળવવા પોષો વ્રત લેતા હોય છે પરંતુ કપલનું માનવું છે કે અમારા લગ્નજીવનની આ રીતે શરુઆત થઇ તેનો અમોને ખૂબજ આનંદ છે. આ ધર્મકાર્યની પ્રેરણા મૂળ તો યશોવિજયસૂરી મ.સા અને હંસકિર્તીસૂરી મ.સાએ આપી હતી. પંકજ સંઘના દહેરાસરમાં સાધુ સાધ્વીજીનો આર્શિવાદ મેળવીને આ રીતે ધર્મના સંસ્કારો આગળ ધપાવનારા નવ પરણીત કપલને બધાએ બિરદાવ્યા હતા.
અમે મેરેજ લાઇફની પહેલી રાત્રિ ઉપાશ્રયમાં આ રીતે વિતાવી
રોશન કહે છે મે વિચાર્યુ કે મારા બહેન કાયમને માટે સંસાર છોડીને સંયમના માર્ગે કઠોર જીવન જીવે છે,તો પછી કમસેકમ દામ્પત્યજીવનના એક દિવસના સુખનો ભોગ કેમ ના આપી શકું ?આ અંગે મંગેતર આયુષીને વાત કરતા તે પણ સંમત થઇ હતી.આ રીતે અમે અમારા મેરેજ લાઇફની પ્રથમ રાત્રિ અંગે જુદું જ વિચારી રાખ્યું હતું.બધાના મેરેજમાં ચટાકેદાર ખાણી પીણીનો ભભકો હોય તેવો ભભકો અમારા મેરેજમાં પણ હતો.જો કે અમારે સાધ્વીજીને ગિફ્ટ આપવાનું વચન આપ્યું હતું તેનું પાલન પણ કરવાનું હતું.આથી હસ્તમેળાપના દિવસે માત્ર બાફેલો મીઠા વગરનો ખોરાક જ લીધો હતો.આ રીતે અમે સાધ્વીજીને ગિફટ આપવાનો અમને ખૂબજ આનંદ છે.જો કે અમારે મેરેજ લાઇફની પહેલી રાત્રિ ઉપાશ્રયમાં વિતાવવાની હોવાની જાણ બે ચાર સંબંધીઓ સિવાય કોઇને ન હતી.અમે ઉપાશ્રયમાં સાધુ જીવન જીવવા માટે માનસિક રીત સંપૂર્ણ તૈયાર હતા.આયુષીએ સાધ્વીજી મહારાજના કક્ષમાં જયારે મેં સાધુ ભગવંતોના કક્ષમાં સૂવા માટે ભોંય પથારી કરી હતી.સંયમમાર્ગીઓ કાયમને માટે આ રીતે રહેતા હોય છે…