મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન! મનડું કિમહિ ન બાજે;
જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાંજે. હો૦ ।। ૧ ।।
રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય;
સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય.||૨||
મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;
વૈરિડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે.||૩||
આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકુ;
કિહાં કને જો હઠ કરી અટકું, તો વ્યાલતણી પરે વાંકું.||૪||
જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ;
સર્વમાંહેને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ.||૫||
જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો;
સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો. હો૦।।૬।।
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે;
બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો૦।|૭।|
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી;
એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી.||૮||