પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવ! કાં એવડી વાર લાગે;
કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માંગે. ।।૧ ।।
પ્રગટ થા પાસજી મેલી પડદો પર, મોડ અસુરાણને આપ છોડો;
મુજ મહીરાણ મંજૂષમાં પેસીને, ખલકના નાથજી બંધ ખોલો. ।। ૨ ।।
જગતમાં દેવ! જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ! ઊંઘે?
મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાનદે જેહ જગકાલ મોંઘે. ॥૩॥
ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રિકમે તુજ સંભાર્યો;
પ્રગટ પાતાલથી પલકમાં તે પ્રભુ,ભક્તજન તેહનો ભય નિવાર્યો. ।૪।।