કરુણાસાગર જીવજીવન પ્રભુ વીરજી,
અનંતગુણના ધારક પ્રાણ આધાર જો;
મુજને મૂકી ભવ અટવીમાં એકલો,
આપ સિધાવ્યા મુક્તિપુરીમાં નાથ જો.||૧||
સિદ્ધ બુદ્ધ અવિનાશી પદના ભોગી છે,
હું છું પામર મોહજાળમાં મગ્ન જ;
નાથ નિહાળી આવ્યો શરણે આપના,
તાર તાર હો તારક દેવ દયાળ જો.||૨||
સમવસરણમાં બેસી અમીરસ વાણીથી,
જ્યારે કરતાં પ્રભુજી ભવિ ઉપકાર જો;
તે વેળા હું ભાગ્ય વિહુણો કઈ ગતિ,
ન પામ્યો ભવસાગરનો અંત જો.||૩||
જ્ઞાન અનંતું સુખ અનંતું તાહરું,
ક્ષાયિક ભાવે વર્તે છે તુજ ગુણ જો;
પણ હું પાપી રમણ કરું પરભાવમાં,
તો કેમ પામું સ્વરુપ રમણનું સુખ જે.||૪||
સિદ્ધારથ કુલ ચરમ પ્રભુ મહાવીરજી,
ત્રિશલા નંદન ત્રિજગવંદન નાથ જો;
મનમંદિરમાં આવો પ્યારા વીરજી,
વિણ સૂનો છે આ દરબાર જો.||૫||