Meru Parvat And Gatishil Jyotish Chakra

Meru Parvat And Gatishil Jyotish Chakra

Meru Parvat

 

મેરુ પર્વત અને ફરતું જ્યોતિષચક્ર

જંબૂદ્વીપની મધ્યમાં જે મેરુ પર્વત છે તે મલસ્થંભના આકારે ગોળ છે.

નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો જાય છે.

મૂળમાંથી ઉપર સુધી ૧ લાખ યોજન છે. જેમાં મૂળથી ૧૦૦૦

યોજન રત્નપ્રભા પૃથ્વીમાં દટાયેલો છે. ૯૯,૦૦૦ યોજન બહાર છે.

મૂળમાં ૧૦,૦૯૦ ૧૦/૧૧ યોજન પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦,૦૦૦ યોજન પહોળો છે. અને અનુક્રમે ઘટતાં ઘટતાં ઉપર

૧૦૦૦ યોજન પહોળો છે.પર્વતના ચૂલિકા સિવાય ૩ વિભાગ છે.

(૧)પૃથ્વીની અંદર ૧૦૦૦ યોજનનો પહેલો કાંડ છે.

(૨)પૃથ્વી ઉપર ૬૩,૦૦૦ યોજનનો બીજો કાંડ છે.

(૩) તેની ઉપર ૩૬,૦૦૦ યોજનનો ત્રીજો કાંડ છે.

 

મેરૂ પર્વત ઉપર ચાર વનખંડો છે.:-

(૧) જમીન ઉપર તળેટીમાં ભદ્રશાલવન

(૨) ૫૦૦ યોજન ઉપર નંદનવન

(૩) નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉપર સોમનસવન

 (૪) સોમનસવનથી ૩૬૦૦૦ યોજન ઉપર પંડક્વન છે.

 

એ પંડક્વનમાં ચારે બાજુ શિલા છે.

જ્યાં જિનેશ્વર ભગવંતોના જન્મ મહોત્સવ થાય છે.

આ વનની મધ્યમાં એક શિખાસમાન રત્નમય ટેકરી છે, જે ચૂલિકા કહેવાય છે.

મેરૂપર્વતના મૂળભાગમાં જે આઠ રૂચક પ્રદેશો છે તે સમભૂતલા પૃથ્વી કહેવાય છે.

સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઉપર જતાં જ્યોતિષચક્રની શરૂઆત થાય છે.

જે ઉપર ૧૧૦ યોજન સુધીમાં પથરાયેલું છે. સૌથી પ્રથમ ૭૯૦ યોજને 

તારામંડળ છે, તેનાથી ૧૦ યોજન ઊંચે સૂર્ય છે.

તેની ઉપર ૮૦ યોજને ચંદ્ર છે.

ત્યારબાદ ૪ યોજન ઊંચે ૨૮ નક્ષત્રો છે, 

જેમાં ભરણી નક્ષત્ર સૌથી નીચે,

સ્વાતિ નક્ષત્ર સૌથી ઉપર, મૂળનક્ષત્ર સૌથી બહારના મંડળમાં અને

અભિજિત નક્ષત્ર સૌથી અંદરના મંડળમાં ચાલે છે.

ત્યારપછી ૪ યોજન ઊંચે બુધનો ગ્રહ છે.

 પછી ૩ યોજન ઊંચે શુક છે. પછી ૩ યોજન ઊંચે બૃહસ્પતિ (ગુરૂ) નો ગ્રહ છે.

પછી ૩ યોજને મંગળ છે. પછી ૩ યોજને શનિનો ગ્રહ છે.

 

મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રો અને ૧૩૨ સૂર્યો પ્રકાશ કરતા સતત ભ્રમણ કરી રહ્યા છે.

તે આ રીતેઃ- ૨ ચંદ્ર – ૨ સૂર્ય જંબૂતીપમાં, ૪-૪ લવણસમુદ્રમાં,

 ૧૨-૧૨ ઘાતકીખંડમાં, ૪૨- ૪૨ કાળોદધિમાં, ૭૨-૭૨ પુષ્કરવરાર્ધમાં છે.

 

 આ રીતે ૭૯૦ થી ૯૦૦ સુધીના ૧૧૦ યોજનના ગાળામાં સમગ્ર

ચર જ્યોતિષચક્ર મેરૂપર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહીને

મનુષ્ય-ક્ષેત્રમાં (અઢી દ્વીપમાં) ગતિ કરે છે.

ત્યાર પછી સ્થિર જ્યોતિષચક્ર લોકના છેડાથી ૧૧૧૧ યોજન

 અંદર ચારે દિશાની કોરે લોકની અબાધાએ સ્થિર છે.

 

આ બધાં જ્યોતિપ દેવોનાં વિમાનો છે.

અર્ધા કોંઠાના ફળના આકારવાળા સ્ફટિક રત્નમય રમણીય,

તેજથી ઝળઝળતાં છે. વ્યંતરના નગરો થકી સંખ્યાતગુણાં મોટાં છે.

લવણસમુદ્રમાં રહેલા જ્યોતિષ વિમાનો ઉદક-સ્ફટિકમય છે,

જે લવણ સમુદ્રની ૧૬,૦૦૦ યોજન ઊંચી અને ૧૦,૦૦૦ યોજન

પહોળી પાણીની શિખામાંથી આરપાર ચાલે છે.

 સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી ફાટીને માર્ગ કરી આપે છે

વિમાનોને બાધા થતી નથી ને વિમાનોમાં પાણી ભરાતું નથી.

 તથા તેજ કાંતિની પણ હાનિ થતી નથી. વિશેષ હકીકત

બૃહત્સંગ્રહણી તથા ક્ષેત્રસમાસ ગ્રન્થાદિથી જાણવી.

Related Articles