④ पूજા ત્રિક
पूજા
↑
અંગપૂજા અગ્રપૂજા ભાવપૂજા
(1) અંગપૂજા :
પરમાત્માની પ્રતિમાજી ઉપર
જે પૂજા કરવામાં
આવે તેને અંગપૂજા કહેવાય છે.
દા.ત. જલપૂજા,
ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપ પૂજા,
અંગરચના,વિલેપનપૂજા, આભૂપણપૂજા
ઈત્યાદિનો સમાવેશ પણ
અંગપૂજામાં થાય છે.)
આ પૂજાને વિઘ્નોપશામિની કહેવાય છે.
જે જીવનમાં આવતાં વિઘ્નોનો
નાશ કરનારી અને
મહાફળને આપનારી છે.
વૈરાગ્યકલ્પલતા ગ્રંથમાં આ
પૂજાને સમન્તભદ્રા નામથી
સંબોધીને અદ્ભુત ચિત્તપ્રસન્નતા
આપનારી જણાવેલ છે.
2 અગ્રપૂજા :
પરમાત્માની આગળ ઉભા
રહીને જે પૂજા
કરવામાં આવે છે તેને
અગ્રપૂજા કહેવાય છે. દા.ત.
ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા,
નૈવેધપૂજા અને ફળપૂજા.
આ પૂજાને અભ્યુદયકારિણી કહેવાય છે,
પૂજકના જીવનમાં આવતાં
વિઘ્નોનો વિનાશ કરી,
મોક્ષમાર્ગની સાધનામાં સહાયક
એવો ભૌતિક અભ્યુદય આ
પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે.
આ પૂજાને વૈરાગ્ય-કલ્પલતામાં
સર્વભદ્રા નામથી સંબોધવામાં આવી છે.
3 ભાવપૂજા :
પરમાત્મા સામે કરાતાં સ્તુતિ,
સ્તોત્ર, સ્તવન, ચૈત્યવંદન, ગીત,
ગાન-નૃત્ય આદિને ભાવપૂજા
કહેવાય છે.
આ પૂજાને નિવૃત્તિકારિણી કહેવાય છે.
ઉપરની બે પૂજાઓ દ્વારા વિઘ્નનો વિનાશ તેમ જ ભવપરંપરામાં સદા માટે અભ્યુદયની પ્રાપ્તિ થાય છે.
અને અંતે આ પૂજા વડે
મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.
માટે તેને નિવૃત્તિકારિણી કહેવાય છે.
વૈરાગ્ય- કલ્પલતામાં આ પૂજાને
સર્વસિદ્ધિફલા નામથી સંભોધી છે.
જેમાં દેવતાઓએ કરેલા જન્માભિષેકને
માનવોએ મન વડે
કરવાનું સૂચન કરેલ છે.
આ ત્રણેય પૂજાઓ
સમ્યગદષ્ટિ આત્માને તો
એકછત્રી પુણ્ય પ્રભુત્વ આપનારી છે.
એટલું જ નહિ
પણ સદ્ધર્મની પ્રાપ્તિ કરી
આપનારા ગ્રંથીપ્રદેશના
સામીપ્યમાં આવી ગયેલા
મિથ્યાદષ્ટિ આત્માઓના
જીવનનાં વિઘ્નોનો પણ
નાશ કરનારી છે.
પૂજા :
પૂજાનો મતલબ છે સમર્પણ.
પ્રભુ મારું બધું જ
તને સમર્પણ, જયાં પ્રેમ
હોય ત્યાં સમર્પણ આવ્યા
વિના રહેતું નથી.
પત્ની પર પતિને પ્રેમ હશે તો
બજારમાંથી જે સારી વસ્તુ લાવશે
તે પહેલાં પત્નીને આપશે.
પત્નીને જો પતિ પર
પ્રેમ હશે તો રસોડામાં
જે કંઈ સારી વેરાઇટીઝ બનાવશે
એ પહેલાં પતિને ચખાડશે.
પ્રેમથી જમાડશે. દીકરાને માતા
પર પ્રેમ હશે તો સારી ચીજ
એ માતાને વાપરવા આપશે.
એમ જે ભકતને પ્રભુની ઉપર
પ્રેમ હશે એ દુનિયામાં પૂજા
યોગ્ય જે સારી સારી
ચીજો હશે એ શકિત પ્રમાણે
લાવીને પ્રભુને સમર્પિત કર્યા
વિના નહિ રહી શકે.
પ્રેમ એક એવી વસ્તુ છે
કે એ કોઇપણ દ્રવ્ય
(ચીજ)નો મીડીયા બનાવીને પ્રગટ
થયા વિના રહેતો નથી.
પોતાના પ્રેમની અભિવ્યકિત ચીજના
મીડીયા વિના કરી શકાતી નથી.
કોઈ યુવાનને કોઈ યુવતિ સાથે
પ્રેમ હશે તો એ રંગબેરંગી રૂમાલો,
સેંટ-અત્તરની બૉટલો, ગુલાબના ફલો,
આઇસ્ક્રીમની ડીશો, પાઉભાજીની પ્લેટો
પેલી યુવતિને ધરતો જ રહેશે.
એને કહેવું નથી પડતું કે
તું આ લાવજે કે પેલું
લાવજે, સહજ રીતે એના
અંતરમાં ઉલટ જાગે છે,
અને એ પોતાની પ્રેમિકાને
સમર્પણ કરતો રહે છે.
અને તે દ્વારા પોતાના પ્રેમને
પ્રદર્શિત કરતો રહે છે.
સાસુને જો જમાઈ વહાલો હશે
તો કશુંય કીધા વિના
કંસારના આંધણ મૂકાશે,
વિવિધ પકવાન્ત અને ફરસાણ રંધાશે.
જમાઈ જમવા બેસશે
ત્યારે બધું પ્રેમથી પીરસાશે.
જે સાસુ આંગણે આવેલા
જમાઈને સોફા પર બેસાડે
અને પોતે સામે બેસીને
માત્ર મીઠી મીઠી વાતો જ
કરે રાખે અને વારંવાર
બબડયા કરે પણ ચાર
કલાક સુધી ન પાણીનું પવાલું
પાય કે ન જમવાની વાત
કરે તો એની વેવલી
વાતોથી પ્રેમ માની લેવાશે ખરો ?
જો પ્રેમ હોય તો
આવતાંની સાથે જ તેની સામે
ચા-પાણી, નાસ્તા
પાણી, ફળફુટ, મેવા, ફરસાણ
ધરવા શરૂ થઇ જ જાય.
જે વ્યકિતને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તે
પ્રભુને અષ્ટદ્રવ્ય ધર્યા
વિના રહી જ ન શકે.
મંદિરે જાય, સ્તુતિ ગાય,
અને પ્રભુની સમક્ષ કશું
જ ન ઘરે તો
એનો કહેવાતો પ્રેમ
પેલી સાસુની વેવલી
વાતો જેવો છે.
જગતનો વ્યવહાર દર્શાવે
છે કે પ્રેમી કદાપિ
સમર્પણ વિના રહી
શકતો જ નથી.
કેટલાક લોકો એમ કે છે કે અમે રોજ દર્શન
કરીએ છીએ, પણ પૂજા કરતા નથી.
આમ માત્ર દર્શનથી સંતોષ
માની લેવો તે યોગ્ય નથી.
પરમાત્મા માત્ર દર્શનીય નથી
પ્રભુ તો પૂજનીય પણ છે.
પૂજનીય પરમાત્માના માત્ર દર્શન
કરીને સંતોષ માનવો એ
પણ એક આશાતના છે.
યોગ્યનું યોગ્ય
બહુમાન થવું જ જોઈએ.
મ્યુનિસિપલ કોર્પોરેટર ઘરે
આવે અને વડાપ્રધાન ઘરે આવે,
એ બન્ને વચ્ચે સરખો
વ્યવહાર ચાલી શકે ખરો ?
વેપાર ધંધાના સંબંધવાળા કોક
નાથાભાઈ ઘેર આવે તો ચા-પાણી
કરાવીને વિદાય કરો તે રીતે
જમાઈ ઘરે આવે અને
ચા-પાણી કરાવીને વિદાય
કરો તો ફરી તમારે
આંગણે આવે ખરા ?
વેપારી સાથેનો વ્યવહાર અને જમાઈ
સાથેના વ્યવહારમાં જેમ
ફરક છે એમ દર્શન અને
પૂજનના વ્યવહારમાં ફરક છે.
પરમાત્મા પૂજય છે,
પરમ પૂજય છે,
ત્રિલોક પૂજય છે,
ઈન્દ્રો, નરેન્દ્રો, દેવેન્દ્રો,
સુરેન્દ્રો અને અસુરેન્દ્રોને માટે
પણ પ્રભુ પૂજય છે.
બળદેવો, વાસુદેવો અને ચક્રવર્તીઓ
માટે પણ પ્રભુ પૂજય છે.
કેવલીઓ, ગણધરો, ચૌદ
પૂર્વધરો, દશ પૂર્વધરો, શ્રુતઘરો,
આચાર્યો, ઉપાધ્યાયો, શ્રમણો અને
શ્રમણીઓ માટે પણ
પરમાત્મા પૂજય છે.
દેવાંગનાઓ, રંભાઓ, અપ્સરાઓ,
ઉર્વશીઓ,મહારાણીઓ, મહત્તરાઓ
અને સાધ્વીજીઓ માટે
પણ પરમાત્મા પૂજય છે.
આવા સકલલોક પૂજિત
પરમાત્માની સામે
સાવ ઠાલા હાથે ઉભા રહેવું
અને માત્ર દર્શન કરીને
સંતોષ માનવો એ
નરી આત્મવંચના છે.
જગતને નહિ પણ જાતને
છેતરવાનો એક માત્ર નુસ્ખો છે.
જેના અંતરમાં પ્રભુના પ્રેમનો પારાવાર
ઉછળ્યો હશે એ ઝાલ્યો રહી નહિ શકે.
ગાયના શુદ્ દૂધ મંગાવશે.
કાશ્મીરના કેશર મંગાવશે.
મધમધતા ફૂલો મંગાવશે.
દશાંગના ધૂપ મંગાવશે,
ગાયનું શુદ્ધ થી મંગાવશે.
બાસમતિ ચોખા મંગાવશે.
વિવિધ પકવાન્ત અને
ફળફુટના થાળ ભરાવશે.
એ ઉંચામાં ઉંચી ચીજો
લાવીને પરમાત્માને ધર્યા વિના
રહી જ નહિ શકે.
એના ચિત્તમાં સદૈવ પ્રભુ રમવાના.
સારી ચીજ જયારે નજરમાં
આવશે ત્યારે ત્યારે તેને
પરમાત્મા જ યાદ આવવાના.
દિવસ-રાત એ પ્રભુના
વિચારમાં જ રમ્યા કરશે.
એના શ્વાસેશ્વાસે પ્રભુનું
નામ ઘૂંટાયા કરશે.
એના હૃદયના ધબકાર પ્રભુનું
નામ ગુંજયા કરશે.
પ્રભુના બિંબના દર્શને
એ નાચવા લાગશે.
પ્રભુની પૂજાના અવસરે
એ ગાંડોતૂર બની જશે.
અને પ્રભુના વિરહમાં એ
માથું પટકીને રોયા કરશે.
માટે જ કહેવાયું ને કે
પ્રીત ન કરજો કોય.
પ્રીત કીયે દુઃખ હોય.
પરમાત્માની સાથે જો પ્રીત
બંધાઈ જાય તો પછી
દુઃખનો કોઈ પાર રહેતો નથી.
પણ સબૂર એ દુઃખમાં મજા છે.
એ દર્દમાં પણ આનંદ છે.
એ વિરહવ્યથામાં કર્મની નિર્જરા છે.
એકવાર સાચી રીતે,
સ્વાર્થ વગર પ્રભુનો
પ્રેમ પામવાની જરૂર છે,
જે પ્રભુના પ્રેમમાં પડશે
એ ન્યાલ થઈ જશે.
જે પ્રેમમાં પડશે,
ભવપાર પામી જશે.
પ્રભુના પ્રેમમાં પડયા
પછી કેવી મજા આવે છે
એ શબ્દોથી સમજાવી શકાતું નથી.
એ અનુભવથી સમજાય છે.
એકવાર મન મૂકીને પ્રેમમાં પડો
પછી આપોઆપ સમજાઈ જશે.
કહેવાયું છે કે.
જિનહી પાયા તિનહી છિપાયા,
ન કહે કોઉ કે કાનમેં
તાલી લાગી જબ અનુભવકી,
તબ સમજે સહુ સાનમેં
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં.
કવિવર શ્રી ચિદાનંદજી સ્તવનમાં
ઈશારો આપતા કહે છે કે,
પ્રભુના પ્રેમમાં પડીને શું મળ્યું
એ કોઈ કોઈના કાનમાં કહેતું
નથી પણ જયારે જાત
અનુભવની તાલી લાગી જાય છે
ત્યારે સહુ એક જ
સેંકડમાં સાનમાં સમજી જાય છે.
પછી કશું કહેવાની
જરૂર પડતી નથી.
દુનિયાની સ્વાર્થી વ્યકિતઓના અને વિનાશી
પદાર્થોના પ્રેમમાં પડીને જીંદગી ધૂળ કરવાને બદલે
પ્રભુના પ્રેમમાં પડી જવાની જરૂર છે.
જે પ્રેમમાં પડશે તે પૂજા વિના રહી જ નહિ
શકે. જેને પ્રેમ હશે તે ગમે તેમ કરીને પણ પૂજાના
દ્રવ્યની જોગવાઈ કરશે જ અને પ્રભુને ઘરશે જ.
પ્રભુના પ્રેમીને કદાપિ ઉપદેશ નહિ આપવો પડે કે,
ભાઈ! તું પૂજા શરૂ કર! એનો પ્રેમ એની પાસે
દ્રવ્યો તૈયાર કરાવશે અને એનો પ્રેમ જ પરમાત્માની પૂજા કરાવશે.
ઓલો ભરવાડ નામે દેવપાલ, એને જયારે
પ્રેમ પ્રગટયો ત્યારે ઘરેથી ભાત (ભાથું)માં આવતો
રોટલો એણે ભગવાનને ધરવાનો શરૂ કીધો હતો.
આગળ જતાં જેણે તીર્થંકર નામકર્મ ઉપાજર્યું હતું
ઓલા પોપટ અને મેનાને જયારે પ્રેમ પ્રગટયો ત્યારે
એમણે ચાંચમાં ચોખાના કણ લાવીને પ્રભુના ભંડાર
પર ધરવાના શરૂ કરી દીધા હતા. ઓલા હાથીને
જયારે પ્રેમ પ્રગટયો ત્યારે એણે તળાવમાંથી કમળ
તોડીને સુંઢમાં ભરાવીને પ્રભુના મસ્તકે ચડાવ્યાં હતાં.
ભાઈ ! પ્રેમી તો કદાપિ ઝાલ્યો રહી શંકતો જ નથી.
એ ગમે તેમ કરશે પણ પ્રભુને પૂજયા વિના રહી નહિ શકે. પ્રભુને કશુંક સમર્પણ કર્યા વિના નહિ રહી શકે.
જેને પ્રેમ પ્રગટ થશે એ માત્ર દર્શનથી પતાવટ
નહિ કરે. એ કોઈપણ રીતે પ્રભુને પૂજશે અને
પોતાના મનની પ્રીતિના ભાવો અભિવ્યકત કરશે જ
. પછી ભલેને દુનિયા એને ભગત કહે કે ઠગ કહે
પણ એ પૂજા વિના નહિ રહે તે હકિકત છે.
આજે ઘણો મોટો વર્ગ પ્રભુની પૂજા વગરનો
છે. ખાલી હાથે માત્ર દર્શન કરીને ચાલ્યો જનારો વર્ગ
પણ છે. એ સહુને ફરી ફરી ભલામણ છે કે અંતરના
દ્વાર ખોલી નાખો. પરમાત્માને અંદર બિરાજમાન
કરો. પ્રભુ સાથે પ્રેમ કરવાનું ચાલુ કરો. તમારા
ચાર્મ બદલાઈ જશે. તમે ઓર મૂડમાં આવી જશો.
તમારા રૂપ, રંગ અને દેદાર ફરી જશે. ચાલો થોડું
લખ્યું ઘણું ફરી માનજો અને વહેલી તકે પરમાત્માની
પૂજાનો પ્રારંભ કરજો અને પૂજાનો પ્રારંભ કરતાં પૂર્વે
પ્રભુની પૂજાના પ્રકારો અને પ્રભાવો જરીક સમજી
લેશો.
અષ્ટપ્રકારી પૂજાનાં સ્થળ
ત્રણ પૂજા
જિનબિંબ ઉપર
1. જલપૂજા
2. ચંદનપૂજા
3. પુષ્પપૂજા
બે પૂજા
જિનબિંબ આગળ
ગર્ભગૃહ બહાર
4. ધૂપપૂજા
5 . દીપક પૂજા
ત્રણ પૂજા
રંગ મડપમાં
પાટલા ઉપર
6. અક્ષતપૂજા
7. નૈવેધપૂજા
8. ફળપૂજા
અષ્ટપ્રકારી પૂજાનાં રહસ્યો :
1 જલપૂજા
જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ,
જલપૂજા ફલ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ ॥
જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર,
શ્રી જિનને નવરાવતાં, કર્મ હોય ચકચૂર ॥૧॥
હે નિર્મલ દેવાધિદેવ! આપના તો દ્રવ્યમેલ
અને ભાવમેલ ઉભય ધોવાઈ ગયા છે. આપને
અભિષેકની કોઇ જરૂર નથી, પણ મારા નાથ ! તને
નવરાવીને, હું મારા કર્મમેલ ઘોઈને નિર્મલ થાઉં છું.
જલપૂજા સમયની ભાવના :
હે પરમાત્મા ! તે ક્ષણ મને યાદ આવે છે, જે
ક્ષણે આપ મેરૂના શિખર પર ઇન્દ્ર મહારાજાના
ખોળામાં બેઠા હતા. હે પ્રભુ! તે ક્ષણે હું પણ
દેવલોકનો દેવાત્મા હતો. સહુની સાથે હું પણ મેરૂના
શિખર પર આપના જન્માભિષેકમાં હાજર રહ્યો
હતો. હે પરમેશ્વર ! તે ક્ષણે હું ગંગા, જમના, સીતા,
સીતોદા, માગઘ, વરદામ, પદ્મદ્રહ અને ક્ષીરોદધિના
જલ લઇ આવ્યો હતો. હે પ્રભુ! રત્નજડિત કળશમાં
તે તીર્થજલ મેં ભર્યું હતું. અને હૃદય પાસે કળશને
ધારણ કર્યો હતો. હે પ્રભુ! હું ભવજળ તરી જવાની
ભાવનાથી આપની સમક્ષ કળશ પકડીને ઉભો હતો.
હે પરમકરૂણાસાગર! જયારે વાજીંત્રોના નાદ થયા, જયજયકાર શબ્દો બોલાવા લાગ્યા, રત્નજડિત
ચામરો વીંઝાવા લાગ્યા. રત્નમણી મોતીથી મઢેલા
પંખાઓ ઝૂલવા લાગ્યા અને જયારે અચ્યુતપતિએ
અભિષેક કરવાની આજ્ઞા કરી ત્યારે અસંખ્ય દેવોની
વચ્ચે ઉભેલા મેં પણ આપના અંગ પર જલધારા કરી
અને અભિષેકનો લાભ મેળવ્યો. હે પરમ તારક ! તે
ક્ષણ યાદ આવે છે અને મારા શરીરનાં સાડા ત્રણ ક્રોડ
રોમ ખડા થઈ જાય છે. હે પરમદયાસાગર ! એ
ધન્યપળ તો આજે મારા હાથમાં રહી નથી તેનું
માત્ર સ્મરણ જ રહ્યું છે. પણ આ માનવગતિમાં મારાથી
શકય બન્યું તે તીર્થંજલ લઈને આપનો
અભિષેક કરવા ઉભો છું. હે પરમકૃપાના સાગર !
મારા હાથમાં રહેલા દ્રવ્યને ન જોતાં આપ મારા
હૃદયમાં રહેલા ભાવને નિહાળશો.
મારા અંતરમાં એવી ભાવનાઓ આજે પણ
ઉલ્લસી રહી છે કે જો મારી પીઠ પરપાંખ હોતતોહું
ઉડીને ક્ષીરસાગર, પદ્મસરોવર અને ગંગા નદીના
નીર લઈ આવત. હે પ્રભુ! હું લાચાર છું, કે દેવોની
જેમ ત્યાં ઉડીને જઈ શકતો નથી. પરંતુ હે પરમાત્મા!
આ ધરતી પર અમૃત તુલ્ય ગણાતા પાંચ પદાર્થોનું
મિશ્રણ કરીને હું પંચામૃતનો કળશ ભરીને આપની
સમક્ષ ઉભો છું તારકનાથ ! મારી આપને અંતરથી
એક જ વિનંતિ છે કે હું આપને પંચામૃત ઘરી રહ્યો
છું તેના પ્રભાવે મને અમૃત તુલ્ય પંચમહાવ્રતો
સંપ્રાપ્ત થાઓ. આ પાપથી ભરેલો સંસાર સર્વથા
છૂટી જાઓ. આપના આ અભિષેકના પુણ્યપ્રભાવે
મારા ચારિત્રમોહનીય કર્મનો વિનાશ થાઓ. મારા
અંતરમાં સંયમધર્મના પરિણામ પ્રગટો. સચિત્તજલથી
માંડીને છએ છકાયની વિરાધનામાંથી મારો શીઘ્રતયા
છૂટકારો થાઓ અને આપે ચીંધેલા સંયમ માર્ગે હું
વહેલી તકે સંચરું એવી કૃપા કરો.
હે પ્રભો ! આપના અંગ પરથી પસાર થતી
આ જલધારાઓ જોઈને મને મનમાં થાય છે કે મારા
આત્મામાં શાનરૂપી કલશમાંથી સમતારસની ધારાઓ
રેલાઈ રહી છે અને મારો આતમ પણ સમતારસની
ધારાઓમાં સ્નાન કરી રહ્યો હોય એવો અનુભવ મને
થાય છે.
કેટલાક કથાપ્રસંગો :
A. ચે યુવાન તેરાપંથી હતો.
સમ્મેતશિખરજી તીર્થની યાત્રાએ ગયો હતો. તેને
માત્ર પ્રભુદર્શન જ કરવાના ભાવ હતા. પૂજા-સેવામાં
તે માનતો ન હતો. ખાલી હાથે એણે સમ્મેતશૈલ પર
આરોહણ શરૂ કર્યું. સીતાનાલા સુધીની અડધી મંજીલ
પાર કર્યા બાદ થોડો શ્વાસ ખાવા તે એક ખરબચડી
શીલા પર બેઠો હતો. એટલામાં એની પાછળ પાછળ
ચડી રહેલું એક મુંબઈનું ફેમીલી તેને ક્રોસ થયું. સારો
સથવારો જોઈ યુવાન પણ સાથોસાથ આગળ વધવા
લાગ્યો. મુંબઈગરાના ખભે લટકતા થેલાઓને જોઈને
પેલા યુવાને પૂછયું “શું અહિં પણ નાસ્તો ભેગો
ઉંચકીને આવ્યા છો ? મુંબઈગરાએ જણાવ્યું, ના
ભાઈ ના, આ તો પ્રભુપૂજા માટેની સામગ્રી અને
પૂજાનાં કપડાં છે. રે! પૂજાનો એવો તે શો મહિમા છે
તે તમે આટલી મુશ્કેલી વેઠી આ બધું ઉપાડીને છેક
અહિં સુધી આવો છો ? પ્રભુપૂજાનો અપરંપાર
મહિમા સમજાવતાં સમજાવતાં ચઢાણ પૂરું થઈ ગયું. ગિરિવરની ટોચ પર સહુ આવી પહોંચ્યાં.
જિનપૂજાના મહિમાની વાતને સમેટી લેતાં પેલા
ફેમીલીનાં તમામ સભ્યો એકી અવાજે બોલી ઉઠયાં
બસ, હવે તો આજે અમે તમને પૂજા કરાવીને જ
જંપશું. તમે તમારી જાતે જ અનુભવો કે પ્રભુપૂજાની
મસ્તી કેવી અનેરી હોય છે ?
પેલા યુવાને પણ મનોમન નક્કી કર્યું કે,
આજે તો મારે પણ પૂજા કરવી જ છે. એ નાહ્યો-ધોયો
અને પૂજાનાં વસ્ત્રો પહેર્યાં. ફૂલનો થાળ હાથમાં લીધો
અને એ મંદિરમાં પહોંચ્યો. પેલા મુંબઈગરાઓએ
જલપૂજા માટે સુગંધીદાર અભિપેકજલ તૈયાર કરી
પેલા યુવાનના હાથમાં મધમધતો સુગંધીદાર કળશ
આપ્યો અને કહ્યું આવો, પહેલી જલપૂજા તમે કરો.
એણે બે હાથે કળશ પકડીને પ્રભુના મસ્તકે જલધારા
શરૂ કરી અને એકાએક તેના તન-મનમાં અપૂર્વ
આનંદ, રોમાંચ અને પ્રસન્નતાનો અનુભવ થવા
લાગ્યો. એ આફરીન પૂકારી ઉઠયો અને જયારે
અષ્ટપ્રકારી પૂજા પૂર્ણ કરી ત્યારે તે બોલી ઉઠયો
જીંદગીમાં આવો આનંદ પ્રથમવાર મેં અનુભવ્યો છે.
બસ આજથી જ સંકલ્પ કરું છું કે દર મહિને એક
વાર દાદાનો અભિષેક કરવા જરૂર શિખરજી આવીશ
અને ઘેર જઈને આજથી જ રોજ જિનપૂજા ચાલુ
કરીશ ! પ્રભુ! તું કેવી કમાલ કરે છે. પ્રભુ! ખરેખર
કહેવું પડશે હોં! એકવાર જાય ભવ તરી જાય, પ્રભુ
પાર્શ્વનું મુખડું જોઈ હરખાય.
B. કલકત્તા મહાનગરીમાં વસતા એ
યુવાનને પ્રતિમાજીમાં સાક્ષાત્ પ્રભુનાં દર્શન થતાં
અને તેથી જ એ શિયાળે, ઉનાળે, ચોમાસે જેમ જેમ
મોસમ બદલાય તેમ તેમ તે ભક્તિના પ્રકાર બદલતો.
જયારે શિયાળો શરૂ થતો ત્યારે પ્રભુને ઠંડી ન લાગે
માટે ઊનની (વૂલનની) આંગી બનાવતો અને ભર
ઉનાળો શરૂ થતો ત્યારે એ પ્રભુજીને પ્યોર
ગુલાબજલથી નવરાવતો. ગુલાબજળની એશી
રૂપિયાની આખી એક બૉટલ એ કળશમાં ઠલવી દેતો
અને પછી પ્રભુનો અભિષેક કરતો, ત્યારે સમગ્ર
જિનાલય રોઝ ગાર્ડનની જેમ મહેકી ઉઠતું. પ્રભુ તો
અચિંત્ય શક્તિના સ્વામી છે. પણ ભક્તનું હૃદય
કયારેક આવી પ્રીતિ પણ કરી બેસે છે.
C. એ શ્રાવકને અભિષેક પૂજાની લગની
લાગી હતી. પ્રભુના જન્મકલ્યાણકનો દિવસ આવે
ત્યારે એ ભવ્ય સ્નાત્રપૂજાનું આયોજન કરતા.
મોટમોટા શ્રીમંત શ્રાવકોને આમંત્રણ આપીને
તેડાવતા, સુંદર જમણવારનું આયોજન કરતા, અચ્છા
અચ્છા સિતારવાદકો, વાયોલીન વાદકો અને ભક્તિ-
મંડળોને તેઓ તેડાવતા, ભક્તિની રમઝટ બોલાવતા
અને રજવાડી ઠાઠ સાથે પ્રભુનો સ્નાત્રમહોત્સવ તેઓ ઉજવતા. એમાં જયારે પ્રભુનાં અભિષેકની પળ
આવતી ત્યારે શ્રાવક બેય હાથમાં ચામર લઈને પ્રભુની
સામે નાચવા લાગતા. ધન્ય છે તે ભક્તહૃદય શ્રાવકને !
પ્રભાતે કરેલી જિનપૂજા રાત્રીનાં પાપોને હણે છે. મધ્યાહને કરેલી જિનપૂજા આજન્મનાં પાપોને હણે છે. સંધ્યાએ
કરેલી જિનપૂજા સાત ભવોનાં પાપોને હણે છે.
2 ચંદનપૂજા
શીતળ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ,
આત્મશીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ ||૨||
હે પરમાત્માનૂ ! મોહનો નાશ કરીને આપે
આપના આત્મામાં શીતલતા પ્રસરાવી દીધી છે. પરંતુ
હૈ મારા નાથ ! મારો આત્મા તો વિષય કપાયની અગનજવાળાઓથી સળગી રહ્યો છે તે માટે આ
ચંદનની શીતલતા અર્પિત કરીને હું આત્મિક
શીતલતા અને સૌરભતાની યાચના કરું છું.
પ્રભુ! હું આપને ચંદનની શીતળતા આપું છું
આપ મને સમતારસની શીતળતા અર્પો.
ચંદનપૂજા સમયની ભાવના :
હે વિશ્વાનંદમય ! આખી જીવસૃષ્ટિ ભડકે
બળી રહી છે. સહુના આત્મામાં એક શેકણી ચાલી
રહી છે. બધા જ લ્હાય લ્હાય થઈ રહ્યા છે.
હે સુધારસમય ! અંતરની આ લ્હાયોને
ઠારવા લોકો ઠંડા પીણાં પીએ છે. એરકંડીશ્નર
રૂમોમાં સંતાય છે. પણ ભીતરની હુતાશની ઠરતી
નથી.
હે ચન્દ્રકિરણ ! કેટલાક માણસો પાણીના
હોજમાં જઈને પડયા રહે છે તો કેટલાક સુખડ
ઘસીઘસીને પોતાની કાયા પર ચોપડે છે. પણ
ભીતરની આગ ઠારીઠરતી નથી.
હે લાવણ્યમય ! ભીતરની આગને ઠારવાનું
કામ તારી ચંદનપૂજા જ પાર પાડી શકે તેમ છે.
હે મહામણિમય ! હું પણ વિષય અને
કપાયની જવાલાઓથી જલી રહ્યો છું, બળી રહ્યો છું.
ઠરવા માટેના મેં ઘણા ગાંડા અખતરા કર્યા છે પણ
મને અખતરા ખતરારૂપે પૂરવાર થયા છે.
હે શોભામય ! હવે થાકીને છેલ્લો છતાં
સફળ. પ્રયોગ મેં તારી ચંદનપૂજાનો કર્યો છે.
આપની આ ચંદનપૂજાના પ્રભાવે મારા અંતરાત્મામાં વિષયકષાયો ઉપશાંત થઈ જાઓ. વિનાશ પામવા
લાગો. ધડમૂળથી સાફ થઈ જાઓ અને મારા
અંતરાત્મામાં ચંદનના જેવી સમતારસની શીતલતા
પ્રસરવા મંડો.
હે ચિન્મય! આ વિશ્વના પદાર્થોમાં સૌથી
શીતલ ચંદન કહેવાય છે એમ આત્માના
સર્વગુણોમાં સૌથી ઉત્કૃષ્ટ ગુણ સમતા કહેવાય છે.
હે મહોદયમય ! આ ચંદનપૂજાના પ્રભાવે
મને સર્વોત્કૃષ્ટ સમતાગુણ સંપ્રાપ્ત થાઓ.
હે શુકલધ્યાનમય! આજે હું ગોશીર્ષચંદન
અને નંદનવનના કેશર તો લાવી નથી શક્યો પણ
મલયાચલ ચંદન અને કાશ્મીરના કેશર ઘોળીને
આપના ચરણે સમર્પિત કરી રહ્યો છું. જેના પ્રભાવે
મને જ્ઞાનની સુવાસથી મહેંકતો સમતારસ સંપ્રાપ્ત થજો !
કેટલાક કથાપ્રસંગો :
A. એ યુવાન મુંબઈથી પાલીતાણા આવ્યો
હતો. વહેલી સવારે એણે ગિરિરાજ પર આરોહણ
શરૂ કર્યું હતું. જોતજોતામાં તો તે દાદાના દરબારમાં
આવી પહોંચ્યો. જેમ જેમ સમય પસાર થતો ગયો
તેમ તેમ જિનાલય જિનપૂજકોથી ઉભરાવા લાગ્યું.
પેલા યુવાને પહેલેથી જ પાકો નિર્ણય કર્યો હતો કે
આજે જેટલા પણ ભાવિકો પ્રભુપૂજા કરે તે બધાની
કટોરીમાં કેશર તો મારું જ હોવું જોઈએ.
પૂજારીઓ જયાં જયાં કેશરચંદન લસોટવાનું
કામ કરતા હતા ત્યાં પહોંચી જઈને એણે પ્રત્યેક
પૂજારીને સો-સો રૂપિયાની નોટ બક્ષિસ રૂપે આપી
અને થેલીમાં સાથે લાવેલું બે હજાર રૂપિયાનું કેશર પૂજારીઓના હાથમાં મૂકતાં જણાવ્યું કે, પેઢી તરફથી
તમને જે કેશર મળ્યું હોય તેની સાથોસાથ મારું આ
કેશર પણ ભેગું લસોટી નાખજો. થોડાક સમય બાદ
દાદાની કેશરપૂજાની ઉછામણી શરૂ થઈ. જિનપૂજફો..
લાંબીલચ લાઈનમાં ગોઠવાઈ ગયા. સહુના હાથમાં
એકેક ફૂલની થાળી અને લાલચટક કેશર દેખાયું
ત્યારે પેલા યુવાનનું અંતર આનંદથી નાચી ઉઠયું. તે
દિવસે આદીશ્વર દાદાનો દેદાર તો જાણે સાક્ષાત્
કેશરીયા દાદા જેવો દેખાતો હતો.
B. એ જાતે તો મુસલમાન જીવ હતો. પણ
સમ્મેતશિખરજીના છ’રી પાલિત યાત્રાસંઘમાં
મેટાડોરના ડ્રાઈવર તરીકે એ જોડાયો હતો. ગાડી
હંકારતો અને મુનિશ્રીનાં પ્રવચનોનું અમૃતપાન
કરતો. ગામડાંઓના પ્રવચનમાં રોજે રોજ અપાતો
માંસાહાર ત્યાગનો ઉપદેશ એના અંતરને પણ અડી
ગયો અને એણે માંસ ત્યાગ્યું. ધીરે ધીરે લાયકાત
વધતી ચાલી અને ગુણોનો આવિર્ભાવ થવા લાગ્યો.
રાત્રે એ મુનિશ્રી સાથે જ્ઞાનગોષ્ઠી કરવા લાગ્યો.
ચરણસેવા કરવા લાગ્યો. અંતે એક દિવસ સહુ
શિખરજી તીર્થમાં પહોંચી ગયા. પેલો મુસ્લિમ ડ્રાઈવર
પણ ગિરિરાજની યાત્રાએ ઉપર ચડયો. અને એને
પ્રભુપૂજા કરવાના ભાવ પ્રગટયા એણે મુનિશ્રીને
પૂછયું કે કયા હમલોગ પૂજા કર સકતે હૈં ?
મુનિશ્રીને કહા કી કયર્યો નહિ કર સકતે ? જરૂર.
આજ સે હી પ્રારંભ કરેં ! અને એ મુસલમાન જીવે
પૂજાનાં વસ્ત્રો પહેરીને સમ્મેતશિખરજીના પરમ
પવિત્ર પહાડ પર સૌ પ્રથમવાર સર્વ જિનબિંબોની
કેશરપૂજા કરી.
કેટલીક સાવધાની :
A. ચંદનપૂજા કરતાં ચંદનની કટોરીમાં
આંગળી બોળતાં નખ ન અડે તેનું ધ્યાન રાખવું.
B. પૂજા પૂર્ણ કર્યા બાદ ચંદનાદિ નખમાં
ભરાઈ ન રહે તેનું લક્ષ્ય રાખવું, કેમ કે તે જો નખમાં
રહી જાય તો ભોજન કરતાં તે કેશર પીગળીને પેટમાં
જાય તો દેવદ્રવ્યાદિ ભક્ષણનો દોષ લાગે.
C. ભગવાનના જમણા અંગૂઠે વારંવાર
ચાંલ્લા કરવાની કોઈ વિધિ નથી.
D. કેશર ઘસતાં પહેલાં તેમાં કોઈ સૂક્ષ્મ જંતુ
નથી તે જોઈ લેવું.
E. ચોમાસાના ભેજવાળા દિવસોમાં કેશરની
ડબ્બી પેક રાખવી તેમજ ભીના હાથે લે-મૂક ન
કરવી.
F. સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા
કરવી. આંગી મોડી ઉતારવાની હોય અને પહેલાં
બીજા ભગવાનની પૂજા કરવી પડે તો તેમાં દોષ નથી.
G. પંચધાતુના પ્રતિમાજીને તથા
સિદ્ધચક્રજીના ગઠ્ઠાજીને પૂજયા પછી તે કેશરથી
આરસના મોટા પ્રતિમાજીને પૂજવામાં કોઈ દોષ
નથી. તેમ જ પ્રક્ષાલના પાણીના છાંટા એક બીજા
ઉપર ઉડી જાય તો તેમાં પણ દોષ નથી. કેમકે
પરમાત્મા બધા સરખા છે. એમાં સ્વામી-સેવક ભાવ
નથી.
H. પુરુષોએ દ્વારની જમણી બાજુએથી પ્રવેશ
કરવો. અને સ્ત્રીઓએ ડાબી બાજુએથી પ્રવેશ કરવો.
પ્રવેશ કરતી વેળાએ સૌ પ્રથમ જમણો પગ ગભારામાં
મૂકવો અને ડાબી નાસીકા ચાલે ત્યારે મૌનપણે
દેવાધિદેવનું પૂજન કરવું.
I. કેટલાક માણસો ટાઈપીસ્ટની જેમ ટાઈપ
મશીન પર આંગળા ફેરવતા હોય તેવી રીતે સ્પીડથી
પૂજાના તિલક કરે છે તે વ્યાજબી નથી. એમાં
પરમાત્માનો ધોર અવિનય કર્યાનો દોષ લાગે છે.
તમારા કપાળમાં ચાંલ્લો કોઈ ગમે તે રીતે કરી નાખે
તો તમારો મિજાજ કેવો જાય છે ?
J. પરમાત્માની પૂજા કરવામાં કેશર, બરાસ
વગેરે ઉત્તમ દ્રવ્યો વાપરવાં શીયાળામાં કેશરનું પ્રમાણ
વધુ રાખવું અને બરાસનું પ્રમાણ ઓછું રાખવું.
ઉનાળામાં બરાસનું પ્રમાણ વધુ રાખવું અને કેસરનું
પ્રમાણ ઓછું રાખવું. જયારે ચોમાસામાં બધાં દ્રવ્યો
સપ્રમાણ વાપરવાં. કેશરથી પ્રતિમાજીને નુકશાન થાય
છે માટે એકલા ચંદનથી પૂજા કરવાની જે વાતો થાય
છે તે જરાયે ઉચિત જણાતી નથી. તેમ છતાં પણ
કયારેક જિનબિંબ પર ઝીણા ઝીણા છિદ્ર પડી જતાં
જણાય તો કેશર વાપરવામાં વિવેક રાખવો જરૂરી
માનવો.
K. નવઅંગ સિવાય હથેલીમાં કે લાંછન પર
પૂજા કરવી નહિ.
L. પરમાત્માના હસ્તકમળમાં સોનાનું
બીજોરું, શ્રીફળ, સોપારી, નાગરવેલનું પાન તથા
રૂપાનાણું અવશ્ય મૂકવું. પ્રભુનું હસ્તકમળ કયારેય
ખાલી ન રાખવું.
M. અધિષ્ઠાયક દેવોને તિલક કર્યા બાદ તે
ચંદન વડે પ્રભુપૂજા ન થાય. અધિષ્ઠાયક દેવોનાં
ગોખલામાં પહેલેથી જ બે કટોરી ભરીને ચંદન મૂકી
દેવું જોઈએ. જેથી અલગ અલગ ચંદન લઈને કોઈને
ત્યાં જવું ન પડે. અને પ્રભુપૂજા કરતાં જે કેસર વધે
તે અન્યને પૂજા માટે આપી શકાય.
N. પૂજા કરતાં શરીર ખંજવાળવું નહિ,
છીંક, બગાસુ, ઉધરસ કે ખોંખારો ખાવો નહિ. વાછૂટ
કરવી નહિ. કોઈપણ જાતની હાજત થાય તો તરત જ
બહાર નીકળી જવું.
અષ્ટમંગલ :
અષ્ટમંગલની પાટલીની પૂજા કર્યા પછી તે
કેશરથી ભગવાનની પૂજા થાય કે નહિ ? આવો
સવાલ વિહારમાં ગામોગામ લગભગ પૂછાતો હોય
છે અને ગામોગામ અષ્ટમંગલની પાટલીની પૂજા
પણ થતી હોય છે.
ખરેખર તો અષ્ટમંગલ પૂજવાના નથી પણ
આલેખવાના છે. જે રીતે ચોખાથી સ્વસ્તિક
આલેખીએ છીએ તે રીતે અષ્ટમંગલ પણ ચોખાથી
આલેખવાના હોય છે.
આવી રીતે આલેખવામાં સમય વધુ ન લાગે
તે માટે અષ્ટમંગલની કોતરેલી પાટલી રાખવાની
વિધિ પૂર્વે પ્રચલિત બનેલી. જેમાં ચોખા પૂરી દેવાથી
અષ્ટમંગલ આલેખાઈ જતા. આવી લાકડામાં
કોતરેલી પાટલી કાર્કદિ/ક્ષત્રિયકુંડ તીર્થ (બિહાર)માં
આજે પણ વિદ્યમાન છે. સમય જતાં લાકડાની
પાટલીનું સ્થાન આજે ધાતુની પાટલીએ ગ્રહણ કર્યું
છે. આ પાટલી પૂજા માટે નથી પણ પરમાત્મા સામે
સ્થાપવા માટે છે. મૂળનાયક ભગવાનની સામે
પબાસણ પર આ પાટલી રાખવાને બદલે એને કયાંક
ખૂણામાં જ રાખી દેવામાં આવે છે. અષ્ટમંગલની
પૂજાને બદલે આલેખવાની વિધિ આચરવી જરૂરી
ગણાય. છેવટે પાટલી પર હાથની આંગળીના ટેરવા
વડે આપણે તેવો આકાર આલેખી રહ્યા હોઈએ તે
રીતે ચંદનથી વિલેપન કરવું.
પરમાત્મા જયારે વિચરતા હોય છે. ત્યારે
અષ્ટમંગલ આગળ ચાલતા હોય છે, એટલે જયારે
પણ દેવાધિદેવને વરઘોડા આદિમાં જિનાલયમાંથી
બહાર લઈ જવાના હોય ત્યારે આગળ અષ્ટ મંગલની
પાટલી અવશ્ય સામે રાખવી જોઈએ.
શ્રાદ્ધદિનકૃત્યમાં જણાવ્યું છે કે પહેલા
અક્ષતથી અષ્ટમંગલ આલેખવા પછી પાટલાનાં
ઉપરનાં બે ખૂણે ચંદનનાં થાપા દેવા અને ફૂલોથી
અષ્ટમંગલને વધાવવા.
તીર્થંકરની માતાને આવતાં ચૌદ સ્વપ્નોની
જેમ આ અષ્ટમંગલ પણ મહામંગલકારી છે.
અષ્ટમંગલનાં નામ
1. દર્પણ
2. ભદ્રાસન
3. વર્ધમાન
4. શ્રીવત્સ
5. મીનયુગલ
6. કળશ
7. સ્વસ્તિક
8. નંદાવર્ત
3 પુષ્પપૂજા
સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ,
સુમ જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. ।।૩।।
હે પરમાત્મન્ ! આપને સુમનસ એટલે પુષ્પ
અર્પિત કરી હું આપની પાસે સુમનસ એટલે સુંદર
મન માંગી રહ્યો છું. આપના અંગે ચડતાં પુષ્પને જેમ
ભવ્યત્વની છાપ મળે છે તેમ મને પણ સમ્યક્ત્વની
છાપ મળો.
પુષ્પપૂજા સમયની ભાવના :
હે આનંદદાતા ! આપના આત્માના પ્રદેશે.
સુગંધના મહાસાગરો ઉમટી રહ્યા છે. આપના એકેકા
પ્રદેશે અનંત અનંત ગુણોનો નિવાસ છે. હે
જ્ઞાનદાતા ! આપના તો શ્વાસોશ્વાસમાં પણ મેદાન
અને પારિજાતની સૌરભ વહી રહી હતી.
હે ગુણદાતા ! પુષ્પોના હાર કે સોનાના
અલંકાર વિના પણ આપ તો અપૂર્વ શોભાને દારણ
કરો છો. તેમ છતાં હે મોક્ષદાતા ! હું આપની પાસે
પુષ્પ લઈને એટલા માટે આવ્યો છું કે મારો આત્મા
દુર્ગુણોની દુર્ગંધથી ઉભરાઈ રહ્યો છે.
હે પુણ્યદાતા! આ પુષ્પને આપ સ્વીકારો
અને તેના બદલામાં આપ મને ગુણોની સુવાસ પ્રદાન
કરો. મારે મારા આત્માની દુર્ગંધી દૂર કરવી છે. અને
ગુણોની સુવાસ પામવી છે.
હે સુખદાતા ! મારી અરજ આપ ધ્યાનમાં લો
અને આ પુષ્પપૂજાને પ્રભાવે મને ગુણોની સૌરભ
પ્રદાન કરો.
હે અભયદાતા ! નંદનવનના ઉધાનમાં તો હું
જઈ શકયો નથી, ત્યાંથી કેતકી, જાઈ, પારિજાતને
લાવી શકયો નથી. પણ હે માર્ગદાતા! આ ધરતી પર
ઉગેલા મને જે સંપ્રાપ્ત થયા એવા સુગંધી પુષ્પો
આપના ચરણે સમર્પિત કરી રહ્યો છું.
હે શરણદાતા ! કુમારપાલ મહારાજાને
પૂર્વભવમાં પુષ્પ પૂજા કરતાં જેવા ભાવો પ્રગટયા હતા
તેવા ભાવો મારા અંતરમાં પણ આપના પ્રભાવે પ્રગટો
અને રાજા કુમારપાળની જેમ મને પણ આ
પૂણ્યપુજાના પુણ્યપ્રભાવે ગણઘર પદની સંપ્રાપ્તિ
થાયો.
હે બોધિદાતા ! ભાવસુવાસની પ્રાપ્તિ કાજે
આજે હું આપને દ્રવ્યસુવાસ અર્પી રહ્યો છું.
કેટલાક કથાપ્રસંગો :
A. કુસુમપુર નગરમાં ધનસાર શ્રાવકને,
વિહાર કરીને પધારેલા ગુરુવર્યે પૂછ્યું, કેમ સુખમાં છે
ને? ધનસારે કહ્યું ગુરુદેવે ! સંતોષરૂપી સુખ છે પણ
દરિદ્રતારૂપી મોટું દુઃખ છે. રે! તમે તો ઘણાં મોટા
શ્રીમંત હતા ને દરિદ્ર શી રીતે થઈ ગયા ? ગુરુદેવ !
કર્મનાં ઉદયે! કર્મ સિવાય કોઈનો દોષ નથી. લક્ષ્મી
ચંચળ છે. એવું આપની કૃપાથી જાણીને મેં મારી
ન્યાયોપાર્જિત લક્ષ્મી વડે જિનેશ્વરદેવનું જિનાલય
બંધાવ્યું. પણ પુત્રોને મારું તે કાર્ય ન ગમ્યું એટલે
તેમણે મને કહ્યું કે, આ મંદિર બાંધ્યું માટે આપણે
નિર્ધન થઈ ગયા. ગુરુદેવ! મેં પુત્રોને ઘણા
સમજાવ્યા કે ભાઈ! ચંદ્રમાંથી આગ ઝરે નહિ.
પાણીથી દીવો બળે નહિ. અમૃતથી મૃત્યુ થાય નહિ
દીવાથી અંધકાર ફેલાય નહિ. તેમ કલ્પાન્તે પણ
ધર્મકૃત્યથી કયારેય નિર્ધનતા, દરિદ્રતા, વિષમતા,
રોગશોકાદિ દોષો સંભવતા નથી. દુનિયાના કોઈપણ
માણસને આળ આપવી એ પાપ છે. પણ
ત્રૈલોકયસાર ધર્મને આળ આપવી એ તો મહાપાપ
છે. ધર્મદ્વેપી, ધર્મની નિંદા કરનારા માણસો બીજાના બોધિબીજને પણ બાળી નાખે છે અને પોતે અનંત
સંસારી બને છે. આ ભવ કે પરભવમાં તેઓ કયારેય
સુખી થતા નથી.
ગુરુદેવ! આવી અનેક વાતો સમજાવા છતાં
મારા પુત્રો સમજયા નથી. છતાં પણ હું તો યથાશક્તિ
ધર્મકાર્ય કરી રહ્યો છું. હવે આપ કંઈક ઉપાય દર્શાવો.
મારી દરિદ્રતા દૂર કરો અને ધર્મની નિંદા અટકાવો.
ત્યારે ગુરુદેવે તેને મંત્રાધિરાજ નામનો શ્રી પાર્શ્વનાથ
ભગવાનનો મંત્ર આપ્યો. તેની સાધનાવિધિ પણ કહી સંભળાવી. ધનસાર શેઠે સારા દિવસે પોતાના જ
જિનાલયમાં મૂળનાયક ભગવાનના બિંબ સામે
બેસી સો પાંખડીના કમળોની માળાથી પુષ્પપૂજા
કરવા સાથે તે મંત્રનો જાપ કર્યો. જાપ પૂર્ણ
થતાં નાગાધિરાજ શ્રી ધરણેન્દ્ર પ્રગટ થયા અને કહ્યું કે, ધનસાર ! માગ માગ, માગે તે આપું. હું
પાર્શ્વનાથ ભગવાનનો સેવક ધરણેન્દ્ર છું. તને વરદાન છે. જોઈએ તે માગી લે.
દેવરાજ ધરણેન્દ્ર! પ્રણામ છે આપને!
આપના દર્શને હું પણ ધન્ય બન્યો છું. આપે મને
વરદાન આપ્યું છે. તો હું વધુ નહિ પણ માત્ર એટલું
જ માગું છું કે, આજે મેં ચઢાવેલી પુષ્પમાલાનું જેટલું
પુણ્ય થતું હોય તેટલું ધન મને આપો. આટલું બોલીને
શેઠ અટકે તે પૂર્વે તો ઘરણેન્દ્ર બોલી ઉઠયા. સબૂર
! સબૂર ! માફ કરજે મારે તને કહેવું પડશે કે, આજની
તારી પૂજાનું ફળ ચોસઠ ઈન્દ્રો ભેગા મળીને પણ ન
આપી શકે તેટલું અમાય છે. કેવલિભગવંતો પણ તે ફળનું વર્ણન સમર્થ નથી.
ઓ ધનસાર ! વધુ શું કહું?
જો કદાચ વ્યાધિ વિનાનું સાગરોપમ સુધીનું
આયુષ્ય હોય, સર્વ પદાર્થોના વિષયનું વિજ્ઞાન હોય
અને મુખમાં એક કરોડ જીભ હોય તો પણ તારી
જિનેશ્વરદેવની પૂજાનું ફળ વર્ણવી શકવા હું સમર્થ
નથી.
ત્યારે શેઠે કહ્યું કે, દેવરાજ ! જો આખી
પુષ્પમાળાનું ફળ ન આપી શકતા હો તો કમસેકમ
માળાનાં એક ફૂલનું પુણ્ય આપો. ધરણેન્દ્રે મસ્તક
નમાવી દીધું. અને ધીમેથી બોલ્યા, ભાઈ! હું એક
ફૂલનું પુણ્ય આપવા પણ અસમર્થ છું. શેઠે કહ્યું,
દેવેન્દ્ર ! તો પછી ફૂલની એક પાંખડીનું ફળ આપો.
ભાઈ! મહેરબાની કર! હું એક પાંખડીનું ફળ
આપવા માટે પણ સાવ અસમર્થ છું. શેઠે કહ્યું, તો
પછી આપ આપના સ્થાને પધારો, મારે કશું જ નથી
જોઈતું. અરે! પુણ્યવંત! દેવનું દર્શન કયારેય પણ
નિષ્ફળ જતું નથી. હું કંઈક તો આપીને જ જઈશ.
તારા ઘરે જઈને ઘરના ચાર ખૂણા તું તપાસજે,
એટલું બોલીને ધરણેન્દ્ર એકાએક અદશ્ય થઈ ગયા.
શેઠે પણ ઘરે જઈને પારણું કર્યું. પછી પુત્રોને ભેગા
કર્યા અને કહ્યું કે, તમે ધર્મની આજ સુધી નિંદા
કરતા આવ્યા છો. ધર્મનો કેવો અચિંત્ય પ્રભાવ છે
તેનો સાક્ષાત્ પ્રભાવ ચાલો આપણા ઘરમાં જ તમને
દેખાડું એમ કહીને શેઠે ઘરના ચાર ખૂણા બતાડયા.
દરેક ખૂણામાં સુવર્ણનો એકેક ચરુ ઝળહળી રહ્યો
હતો. સાગર જેવું મોટું દૈત પેટ ધરાવતા પ્રત્યેક ચરુમાં
ઠાંસી ઠાંસીને મૂલ્યવાન રત્નો ભરેલાં હતાં.
પુત્રોનાં નયન પુલકિત બન્યાં. હૃદય
આનંદવિભોર બની ગયા, અને મુખમાંથી શબ્દો સરી
પડયા. ઓ પ્રભુ! તું આટલો બધો દયાળુ છે! તારી
અમે નિંદા કરીએ તો ય અમારા ઘરના ચારે ખૂણે
રત્નો ઉભરાય ! મારા નાથ ! માફ કર ! તારા ધર્મની
કરેલી નિંદા માફ કર ! સોગંદ ખાઈને કહીએ છીએ
કે, હવે પછી તારા ધર્મ માટે કયારેય પણ આડી જીભ
ચલાવશું નહિ. આપ જ અમારું શરણ! આપનો જ
ધર્મ અમારો આધાર !
B. કાકંદી નગરીમાં દુંદુભીના નાદ
ગડગડવા લાગ્યા. ભગવાન મહાવીરદેવ પધાર્યાની
જાહેરાત થઈ. રાજા જિતારિ વિરાટ સામૈયાસહ
પ્રભુની દેશના સાંભળવા માટે ચાલી નીકળ્યા. એક
વૃધ્ધ અને સાવ દરિદ્ર ગણાતી ડોસીને પણ આ
સમાચાર મળ્યા. એના અંતરમાં સળવળાટ થયો. રે!
મેં પૂર્વજન્મે પ્રભુને નથી પૂજયા માટે જ દુઃખદશાને
પામી છું. આ જન્મે સાક્ષાત મહાવીરનો મેળો થઈ
રહ્યો છે તો લાવ તેમના ચરણે ફૂલ ચડાવી આવું.
જંગલમાંથી ફૂલો લીધાં અને માથેથી લાકડાનો ભારો
બાજુ પર મૂકી ભગવાન મહાવીરદેવની પૂજા કરવા
ચાલી નીકળી. પણ વૃદ્ધાવસ્થાને કારણે આંખે ઝાંખપ
આવી જવાથી રસ્તે પડેલા પથ્થરની ઠેસ વાગી અને
ડોસી એકાએક ઢળી પડી. પડતાંની સાથે જ માથામાં
લાકડાનો ખીલો વાગતાં ખોપરી ફાટી ગઈ અને ત્યાં
ને ત્યાં મૃત્યુ પામી. પુષ્પપૂજાની ભાવનાના પ્રભાવે
ડોસી દેવલોકમાં દેવ બની. અવધિજ્ઞાનથી પોતાનું
સ્વરૂપ જાણી દેવસ્વરૂપે સમોવસરણમાં હાજરી
પૂરાવી. રાજા જિતારિએ આવા દીપ્તિમાન દેવને
જોઈને પૂછયું, ભગવન્! આ કોણ ? પ્રભુએ કહ્યું
જિતારિ ! હમણાં રસ્તામાં જ તેં જે ડોસીનું કલેવર જોયું
તે જ ડોસીનો આ આત્મા દેવ બન્યો છે.
C. એ યુવાન મુંબઈમાં વસે છે. પ્રભુપૂજા એ
એના જીવનનો શ્વાસપ્રાણ કાર્યક્રમ છે. વહેલી સવારે
ઉઠી, આવશ્યકક્રિયા પૂર્ણ કરીને એ ફૂલગલીમાં ફૂલ
શોધવા નીકળી પડે છે. ‘સતાર’, ‘બહાર’, ‘ફુલ
બહાર’, ‘મોગરો’ એવાં નામો ધરાવતાં બધાં ફૂલના
ગલ્લાઓ તે ફેંદી વળે છે. જે ગલ્લા પર સારામાં
સારી કવોલિટીનાં ખીલેલાં જે ફૂલો મળે તે બધાં પોતે
પરચેસ કરી લે છે. નાનકડી ટોપલી ભરાય તેટલાં
ફૂલો વીણવામાં તેને રોજ એક કલાકનો સમય લાગી
જાય છે. આવાં મઘમઘતાં સુંદર ફૂલોને ગ્રહણ કરીને
બપોરે તે સકલ પરિવાર સાથે મુંબઈના કેન્દ્ર સ્થાને
રહેલા એક જિનાલયમાં જિનપૂજા કરવા જાય છે.
એ યુવાનની પુષ્પપૂજા (અંગરચના) પૂર્ણ થયા બાદ
જો મંદિરે દર્શન કરવા ગયા હોઈએ તો ભગવાનને
જોઈને પેલી સ્તુતિ ગાવાનું મન થઈ જાય. ‘ફૂલડાં
કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાય, જિમ તારામાં
ચન્દ્રમા,તિમ શોભે મહારાય !’
D. એ યુવાન સિદ્ધાચલ તીર્થાધિરાજ
ભગવાન શ્રી આદીશ્વર દાદા પર ગજબ શ્રદ્ધાને
ધારણ કરે છે. ખીલતી યુવાનીમાં એણે નવ્વાણુ યાત્રા એકાસણાના તપ સાથે કરી. દાદાના દરબારમાં
જિનપૂજા, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, ‘ખમાસમણ,
કાઉસ્સગ્ગ આદિ તમામ વિધિ પૂર્ણ કરીને એ યુવાન
ચાર વાગ્યે તળેટીએ આવતો અને પછી એકાસણું
કરતો. દાદા સાથે પ્રીતના તાર એવા બંધાઈ ગયા છે.
કે, વારે ને તહેવારે ગાડી લઈને દાદાને ભેટવા દોડી
જાય છે. ઉપર પહોંચે ત્યારે તેનું હૈયું એવા ભાવથી
ઉભરાય જાય છે કે જેટલા માળીઓ ફૂલ લઈને બેઠા
હોય તે બધાને એકી ધડાકે ઓર્ડર આપીને બધાં ફૂલો
તે પરમાત્માની પુષ્યપૂજા માટે ખરીદી લે છે. નાહી/ધોઈ/
પૂજાનાં વસ્ત્રો પહેરીને જયારે એ પ્રભુની પુષ્પપૂજા
કરે છે ત્યારે તેનાં રૂંવાડાં કાંટાની જેમ ખડાં થઈ જાય
છે. રે! ગંધાતા દેહને તો દુનિયા આખી શણગારે છે.
પણ દેવાધિદેવને તો આવા કોક દીલદાર જ શણગારી
શકે છે.
E. એ યુવાન હૉસ્ટેલમાં ભણતો હતો. પણ
પાણી વચ્ચે કમળની જેમ તે નિર્લેપ હતો. હૉસ્ટેલમાં
ચાલતી યુવામસ્તીઓથી એ અલિપ્ત હતો. કેમકે પરમાત્મભક્તિ એ એના જીવનનો આદર્શ હતો.
હૉસ્ટેલના ગાર્ડનમાં ખીલતાં ફુલોને એ સવારે ઉઠીને
ઉતારતો પછી જાતે જ ફૂલના હાર બનાવતો અને
પછી ત્રણે જિનબિંબોને ફૂલોથી એવી રીતે શણગારતો
કે સાંજ પડે ફૂલોની અંગરચનાની સ્ટાઈલ જોવા
વિધાર્થીઓનાં ટોળાં તૂટી પડતાં.
કેટલીક સાવધાની :
A. જિનપૂજામાં પુષ્પ કેવાં વાપરવાં ?
પ્રભુજીની પૂજામાં પુષ્પો, સુંદર રંગવાળાં, સારી
સુગંધવાળાં, તાજાં, જમીન પર નહિ પડેલાં, પૂર્ણ રીતે
વિકસિત થયેલાં એવાં અખંડ પુષ્પો વાપરવાં.
B. સૂકાં, જમીન પર પડી ગયેલાં, તૂટી
ગયેલી પાંખડીવાળાં, સુગંધ વિનાનાં, નહિ ખીલેલાં
એવાં પુષ્પોથી જિનપૂજા કરવી નહિ. વધુ વરસાદથી
જેમાં કીડા પેદા થયા હોય, જે ચીમળાઈ ગયાં હોય,
આગળના દિવસે ચૂંટવાથી જે કાળાં પડી ગયાં હોય,
જેના પર કરોળિયાનાં જાળાં બાઝયાં હોય, દેખાવમાં
જે બેડોળ જણાતાં હોય, ખરાબ જગ્યામાં ઉગેલાં હોય
તથા M.C. વાળી સ્ત્રી દ્વારા લાવવામાં આવ્યાં હોય
એવાં પુષ્પો જિનપૂજામાં ન વાપરવાં. પુષ્પો લાવનારી
માલણ M.C. પાળે છે કે નહિ તેની પાકી તપાસ
કર્યા પછી જ તેની પાસેથી પુષ્પો લેવાં. તેમ જ
દેરાસરે ઓટલે બેસવાની રજા પણ આ બાબતની
ચોકસાઈ કર્યા પછી જ આપવી.
C. કેટલાક ફૂલોની જાત જ એવી હોય છે કે
તેને છોડ પરથી ઉતાર્યા પછી બે-ચાર કલાક બાદ જ
ખીલતાં હોય છે. તો તેમાં વાસીનો દોષ લાગતો નથી.
D. પૂર્વ કાળમાં શ્રાવકો સાંજના સમયે
બગીચામાં ફુલઝાડ નીચે ચાદર પાથરી આવતા.
પ્રભાતે જે પુષ્પો ચાદર પર ખરે તેને લઈ આવતા.
કયારેક ન ખરે તો આંગળીઓમાં ચાંદીના નખીયાં
પહેરીને નખનો મેલ ફૂલને ન અડે તે રીતે પુષ્પને
જયણાપૂર્વક ઉતારતા હતા.
E. આજે મોટા શહેરમાં ફૂલો આસપાસનાં
ગામડાંઓના બગીચામાંથી આવતાં હોય છે. જેને
લાવવામાં જો સાવધાની ન રાખી હોય તો
માછલીઓના ટોપલા, શૂદ્ર માનવો તથા M.C. વાળી
સ્ત્રીઓ વગેરેના સ્પર્શથી તે પુષ્પો દૂષિત થવાનો
પ્રસંગ આવે છે.
F. કેટલાક ગામોમાં શ્રીસંધના અથવા
વ્યક્તિગત બગીચાઓની વ્યવસ્થા રાખવામાં આવેલી
હોય છે. નિયુક્ત કરેલા માળી વિધિપૂર્વક ફૂલોને લઈ
આવે છે અને તે દ્વારા આખોય સંઘ પુષ્પપૂજાનો લાભ
મેળવે છે. હા, તે ફૂલોને સાવ મફતમાં તો ન જ
વાપરવાં જોઈએ. યથાશક્તિ તેનું મૂલ્ય તેના ભંડારમાં
નાખવું જ જોઈએ
G. કેટલાક શ્રાવકો પોતાના મકાનની
અગાસીમાં માટીના કુંડાઓમાં ફૂલઝાડ ઉછેરીને શુદ્ધ
રીતે પુષ્પપૂજાનો લાભ મેળવે છે.
H. ફૂલોને પાણીથી ધોવાં નહિ. એમ
કરવાથી જીવ વિરાધનાનો તેમજ લીલફૂગ, કુંથુવા
વગેરે જંતુઓ પેદા થવાનો સંભવ છે.
I. પરમાત્માનું મુખારવિંદ ઢંકાઈ જાય તે રીતે
ફૂલો ચઢાવવાં નહિ. ભગવાનને ચડાવવાનાં ફૂલો
માથા ઉપર ઊંચકીને લવાય નહિ. (પોતાના માથે
મૂકેલાં ફૂલો પછી ભગવાનને મસ્તકે ચડાવાય નહિ.)
J. શતપત્ર, સહસપત્ર, કમળ, ગુલાબ, જાઈ, જઈ, મોગરો, કેતકી, જાસુદ વગેરે તે તે દેશોમાં
પ્રસિદ્ધ, આગળ જણાવ્યાં તેવા લક્ષણવાળાં પુષ્પો જ જિનપૂજામાં વાપરવાં.
K. પુષ્પોની પાંખડીઓ છૂટી કરવી નહિ,
તથા પુષ્પોને વીંધવાં નહિ.
4 ધૂપપૂજા
ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ,
મિચ્છત્ત દુર્ગન્ધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ॥૪ ।।
હે પરમાત્મન્ ! આ ધૂપની ઘટાઓ જેમ ઉંચે
ઉંચે જઈ રહી છે તેમ મારે પણ ઉર્ધ્વગતિ પામી
સિદ્ધશિલાને પ્રાપ્ત કરવી છે, માટે આપની ધૂપપૂજા
કરી રહ્યો છું. હે તારક ! આપ મારા આત્માની
મિથ્યાત્વરૂપી દુર્ગંધ દૂર કરીને શુદ્ધ આત્મસ્વરૂપને
પ્રગટ કરનારા થાઓ.
ધૂપપૂજા સમયની ભાવના :
હે પરમાત્મા આ અંગારા ઉપર ધૂપ બળી
રહ્યો છે અને સુગંધી ધૂમઘટાઓ ઉપર જઈ રહી છે.
હે પરાત્મન્ ! આપની ધૂપ પૂજા કરતાં પણ
મારા હૃદયમાં જાણે મિથ્યાત્વ બળીને ખાખ થઈ રહ્યું
છે. અને સમ્યક્ત્વની સુગંધી ધૂમઘટાઓ મારા મસ્તકે
ફેલાઈ રહી છે, એવો અનુભવ થાય છે.
હે સ્થિરાત્મન્ ! આપની ધૂપપૂજા કરતાં મારા
અંતરમાં રહેલા અષ્ટકર્મનાં સમિધો ધ્યાનરૂપી
અનલથી બળીને ભસ્મીભૂત થઈ રહ્યહ્યા છે અને
આત્માનો પ્રદેશે પ્રદેશ સુગંધથી ઉભરાઈ રહ્યો છે.
હે ચિદાત્મન્ ! અનંતકાળ સુધી તારાથી મને
દૂર રાખવાનું કામ મિથ્યાત્વ મોહનીય કર્મે કર્યું છે.
અનંતકાળ સુધી એ કર્મે મને એવો કેદ કરી રાખ્યો
હતો કે હું તારું મુખારવિંદ જોઈ ન શકયો.
હે શિવાત્મન્ ! તારી પુણ્ય કૃપાના પ્રભાવે
મારું એ ગાઢ મિથ્યાત્વ મોળું પડયું અને મને તારો
પાવન દર્શન સંપ્રાપ્ત થયો. હવે હે પરમાત્મન્ ! મારી
અંતરની એક જ પ્રાર્થના છે કે આપ થોડીક વધુ કૃપા
કરો અને મારા આત્મામાં શેષ રહેલા મિથ્યાત્વને
સાવ નામશેષ કરી નાખો.
હે વિશુદ્ધાત્મન્ ! આ ધૂપપૂજાના પ્રભાવે મારે
કશું જ જોઈતું નથી, મારે જોઈએ છે માત્ર મિથ્યાત્વનો
સદંતર સર્વથા વિનાશ.
હૈ પવિત્રાત્મન્ ! આપના પ્રભાવે મારી ઈચ્છા
પરિપૂર્ણ થઈને જ રહેશે એવો મને ચોક્કસ
વિશ્વાસ છે.
કેટલાક કથાપ્રસંગો :
A. એ બાળકનું નામ હતું વિનયંઘર. કુંડલી
જોઈને રાજજયોતિપીએ ફળાદેશ કરેલો કે, આ
બાળક રાજકુલનો નાશક થશે. તેથી રાજાએ જન્મના
બારમા દિવસે જ એ બાળકને જંગલમાં ફેંકી
દેવડાવ્યો. કોક સાર્થવાહે તેને મોટો કર્યો. એકવાર
કોક મુનિવરનું પ્રવચન સાંભળીને એણે રોજ ધૂપપૂજા
કરવાનો નિયમ ગ્રહણ કર્યો. રોજ નાહી/ધોઈ સ્વચ્છ
થઈ ધૂપધાણું થાળીમાં ગ્રહણ કરી એ પ્રભુની ધૂપપૂજા
કરવા લાગ્યો.
એક દિવસ ધૂપપૂજા કરતાં કરતાં એણે એવો
સંકલ્પ કર્યો કે જયાં લગી આ ધૂપઘટાઓ ચાલુ રહે
ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં જ ઉભા રહેવું. એણે
કાઉસ્સગ્ગ ચાલુ કર્યો તે જ સમયે એક દેવ/દેવી પણ
પ્રભુનાં દર્શને આવ્યાં. વિનયંઘરની આવી પ્રતિજ્ઞા
જોઈને તેની અનુમોદનાર્થે દેવીએ દેવને ત્યાં જ ઉભા
રહેવાની પ્રેરણા કરી પણ દેવની ધીરતા ન રહી. એણે
ઉપસર્ગ કરીને વિનયંઘરને ચલિત કરવા પ્રયત્ન કર્યો
પણ વિનયંધર ચલિત થયો નહિ. પ્રતિજ્ઞા પૂર્ણ થતાં
એણે કાઉસ્સગ્ગ પાળ્યો. પ્રસન્ન થયેલા દેવે તેને
વિષહર મણિ ભેટ આપ્યો.. એકવાર સર્પદંશથી
બેભાન બનેલી રાજપુત્રીને મરેલી સમજીને લોકો
સ્મશાનમાં લઈ ગયેલા. વિનયંઘરે વિષહરમણિના
પ્રયોગથી એ કુમારીકાને સભાન કરી. તેથી
રાજા તેની પર અત્યંત પ્રસન્ન થયો. રાજકુમારીને તેની સાથે જ પરણાવી અને અડધું રાજય તેને ભેટ આપ્યું,
પિતાશ્રીનાં રાજય ઉપર ચડાઈ કરી અને અંતે
આકાશવાણી દ્વારા પિતા-પુત્રના સંબંધો દેવે જાહેર
કર્યા. વિરાગ પામી પિતા/પુત્રે પ્રવજયા સ્વીકારી.
સુંદર આરાધના કરી સદ્ગતિ પામ્યા અને એક બવ
બાદ બન્ને જણ મોક્ષપદને પણ સંપ્રાપ્ત કરશે.
B. એ શ્રાવકને પ્રભુપૂજામાં જરાયે ઉતરતી
ચીજ ગમતી નહિ. ધૂપપૂજા માટે તેઓ કન્દુપ/ સેલારસ/થનસાર/અગર/તગર/બરાસ/ અંબર/કસ્તૂરી અને સાકર જેવાં ઉત્તમ દ્રવ્યો મંગાવતા અને માટીનાં કૂંડામાં અંગારા ભરી તેની પર આ ઉત્તમોત્તમ પદાર્થોનું ચૂર્ણ ભભરાવતા.
એવી મીઠી મધુરી સુગંધ મંદિરમાં પ્રસરતી કે
ભાવિકોનાં ચિત્ત પ્રસન્ન થયા વિના ન રહે.
કેટલીક સાવધાની :
A. ધૂપપૂજા ગભારામાં ન કરતાં રંગમંડપમાં
પ્રભુની ડાબી બાજુ ઉભા રહીને કરવી.
B. ધૂપસળીને કેટલાક માણસો છેક ભગવાનના
નાક પાસે લઈ જવાની ચેષ્ટા કરે છે, એ બરાબર નથી.
C. લાકડાની સળીવાળી અગરબત્તી ધૂપપૂજામાં
વાપરવી યોગ્ય નથી. સળી પર ધૂપ ચોંટાડવા માટે પ્રાણીજ પદાર્થોનો વપરાશ થતો હોય છે. તેમ જ ધૂપની સાથે
અશુદ્ધ કાષ્ટસળીનો ધૂમાડો પણ ભેગો ભળતો હોય છે.
D. પીળાશ કાઢવા એકતીર્થમાં આરસને છોલાવી
નાખ્યો જેના પરિણામે આરસ પર જે લેસ્ટર-લાઈટ હતું તે પણ ખલાસ થઈ ગયું.
E. ધૂપપૂજા આદિ સઘળી દ્રવ્યપૂજા સ્વદ્રવ્યથી જ
કરવી જોઈએ. મંદિરમાં રાખેલો ધૂપ સળગાવેલો ચાલુ હોય
તો નવી ધૂપબત્તી સળગાવવી જરૂરી નથી.
F. ધૂપની ધૂમઘટાઓને કારણે દેરાસરની બાર-
શાખ, ઘુમ્મટ વગેરેમાં કાળાશ જામી જતી હોય છે. આ
અંગે દરરોજ એકવાર ભીના કપડાથી તે તે જગ્યાઓ પર
શુદ્ધિ કરી લેવામાં આવે તો થોડી મહેનતે કામ પતી જશે. અન્યથા વર્ષે-બે વર્ષે એ પાપાણ કાયમ માટે પીળો પડી જશે.
5 દીપકપૂજા:
દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક,
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. |પા
હે પરમાત્મન્ ! આ દ્રવ્ય-દીપકનો પ્રકાશ
ઘરીને હું તારી પાસે મારા અંતરમાં કૈવલ્ય જ્ઞાનરૂપી
ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ
જાય એવી યાચના કરું છું.
દીપકપૂજા સમયની ભાવના :
હૈ જ્ઞાનદીપક ! દીવો એ અજવાળાનું, ઉદ્યોતનું
પ્રતીક છે.
હે ભાવદીપક ! આપે એવો તો દીવડો
પ્રગટાવ્યો કે જેના પ્રકાશમાં લોકાલોક દેખાવા
લાગ્યો.
હે પ્રેમદીપક ! હું તો તારી સામે સાવ નાનકડો
દ્રવ્ય દીપક લઈને ઉભો છું.
હે સ્નેહદીપક ! આ નાનકડો દીવડો જેમ
આસપાસને અજવાળે છે તેમ આપ એવી કૃપા કરો
અને મારા અંતરના કોડીયામાં કૈવલ્યજ્ઞાન રૂપી
દીવડો પ્રગટાવો, જેના પ્રભાવે આખા લોકાલોકમાં
પ્રકાશ ફેલાય !
હે આત્મદીપક ! આ દ્રવ્યદીપક તો ચંચળ છે.
પવનના ઝપાટે એની જયોત હાલંડોલં થઈ જાય છે.
આ દ્રવ્ય દીપકમાં તો થોડી થોડી વારે તેલ પૂરતા રહેવું
પડે છે. આ દ્રવ્યદીપક જેમ જેમ બળતો જાય તેમ તેમ
મેંશ પેદા કરતો રહે છે. આ દ્રવ્યદીપક તો પોતે તપે
છે અને એના પાત્રને પણ તપાવે છે.
હે હ્રદયદીપક ! કૈવલ્યજ્ઞાનનો દીપક તો એવો
અનુપમ છે કે તે ચલાયમાન થતો નથી. થી પૂરવું
પડતું નથી. મેંશ પેદા કરતો નથી. સ્વયં તપતો નથી,
બીજાને તપાવતો નથી. પણ સ્વ પર ઉભયને
ઠારનારો છે.
હે દિલદીપક ! મારી તને એક જ પ્રાર્થના છે.
કે મેં તારી સમક્ષ આ દ્રવ્યદીપક પ્રગટાવ્યો છે, પણ
તું હવે જલ્દીથી મારા અંતરમાં ભાવદીપક પ્રગટાવ!
હે નેત્રદીપક ! દીવડાની જયોતમાં પડીને
પતંગીયા જેમ ખાખ થાય છે તેમ તારી સમક્ષ
પ્રગટેલા આ દીપકમાં મારા પાપો રૂપી પતંગીયાં
પડીપડીને ખાખ થઈ રહ્યા છે.
કેટલાક કથા પ્રસંગો :
A. મણિયારપુરમાં સૂર્યમંદિરમાં એક પૂજારી
વસતો હતો. એકવાર સંધ્યાના સમયે ઘાંચીના ઘરેથી
તેલ લઈને તે આવી રહ્યો હતો. રસ્તામાં
જિનેશ્વરદેવનું જિનાલય જોતાં તેના મનમાં ભાવ
જાગ્યો કે આજે તાજું તેલ લઈને ઘરે જઈ રહ્યો છું તો
લાવ આ તેલમાંથી પ્રથમ પરમાત્મા જિનેશ્વરદેવની
સમક્ષમાં દીવડો ઘરું, પ્રભુની દીપકપૂજા કરું. એ
મંદિરમાં ગયો, દીપક પ્રગટાવ્યો અને પ્રભુની સામે
ધર્યો. તે જ દિવસે કોક પુણ્યશાળીએ પ્રભુની એવી
સુંદર અંગરચના કરેલી કે પેલા દીવડાના પ્રકાશમાં
પ્રતિમાજી ખૂબ જ દૈદિપ્યમાન ભાસવા લાગ્યા.
મનોહર મુખાકૃતિ ! અદ્ભુત આંગી ! અને તાજા
તેલનો દીવડો! પૂજારીનું દિલ હલી ઉઠયું અને મન
ડોલી ઉઠયું. તે જ ક્ષણે તેને આયુષ્યનો બંધ પડયો.
કાળ કરીને તે વીતશોકા નગરીમાં તેજસાર નામે
રાજા થયો. જન્મતાં જ અફાટ તેજ તેના મુખ પર
તરવરી ઉઠયું. પણ ભોગસુખોમાં લેપાયા વિના
તેજસારે પોતાના પુત્ર મણિરથનો રાજયાભિષેક
કરીને કેવલજ્ઞાની ભગવાન પાસે પ્રવ્રજયા સ્વીકારી,
કાળ કરીને વિજય નામના વિમાનમાં તે દેવ થયો.
તેજસારનો આત્મા ત્યાંથી અવી, મનુષ્ય જન્મ પામી,
કેવલજ્ઞાન પામી મોક્ષે પધારશે.
B. તે દિવસના મુંબઈ મલાડમાં સામૂહિક
અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો. પાંચ હજાર
જિનપૂજકો વિશાળ પૂજામંડપમાં ઉભરાઈ રહ્યા હતા. પ્રવચનોની પ્રેરણાને ગ્રહણ કરીને એ સહુ ઘરેથી
માટીના કોડીયામાં દીવો પૂરીને લઈ આવ્યા હતા.
જયારે સહુએ દીપકપૂજા રૂપે એ દીવડાઓ પ્રગટાવ્યા
ત્યારે આખો મંડપ પાંચ હજાર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠયો. જાણે ટમટમતા તારલીયાવાળું
આકાશ જ નીચે ન આવી ગયું હોય!
C. એ ભાઈ રાજસ્થાની હતા. ઘરે ગાયો
રાખતા હતા. જયારે આદીશ્વર દાદાની યાત્રાએ
પાલીતાણા જતા ત્યારે શુદ્ધ ગાયના ઘીની એક
બરણી ભરીને સાથે લઈ જતા. જયારે દાદાનાં
દરબારમાં પહોંચતા ત્યારે અખંડ દીપકનાં કોડીયામાં
પેલી શુદ્ધ ઘીની બરણી ખાલી કરી દેતા અને
જીવનને સાર્થક કરતા. પ્રભુ! હું તારા મંદિરમાં
અજવાળું કરું છું. તું મારા હૃદયમંદિરમાં અજવાળું
કરજે.
કેટલીક સાવધાની :
A. દીપકપુજા કરતાં દીવીને થાળીમાં રાખી,
થાળી બે હાથે પકડવી. પછી પ્રભુની જમણી બાજુએ
ઉભા રહીને દીપકપૂજા કરવી.
B. દીવેટ પવિત્ર રૂમાંથી બનાવી શુદ્ધ ઘી,
ગોળ, કપૂર વગેરે ઉત્તમ દ્રવ્યો મેળવવાં, દીવાની
જયોત સાથે એને પણ પ્રગટાવવા.
C. દીવાને એવી જગ્યાએ રાખો કે કોઈના
કપડાં ન સળગે.
D. દીપક પર, ચીમની વગેરે ઢાંકણ રાખવું
જરૂરી છે.
E. અખંડ દીપકનાં કોડીયાં વગેરે
ઉપયોગપૂર્વક યોગ્ય સ્થળે સ્થાપવાં. તેની સ્થાપના
કર્યા બાદ દીપક બુઝાઈ ન જાય તેનું બરાબર ધ્યાન
રાખવું. ઘી ખૂટી જવાના કારણે કયારેક રાત્રીના
સમયે અંદરની લાંબી દીવેટ, મીંઢળ, પંચરત્નની
પોટલી આદિ બધું સળગી ઉઠે છે. અને આખા
ગભારો કાળોધબ્બ બની જાય છે. પ્રતિમાજી ઉપર
પણ કાળાશ જામે છે. ફાનસના કાચ ફૂટીને ટુકડા
થઈ જાય છે, પ્રભાતે મંદિર ખૂલતાં આ ભયંકર દશ્ય
જણાતાં લોકો જાતજાતના વિકલ્પો કરે છે અને અધિષ્ઠાયકોએ પરચો બતાડયાની વાતો વહેતી મૂકે
છે. હકીકતમાં સાંજે ઘી નહિ પૂરવાની બેદરકારી જ
કારણભૂત હોય છે.
F. અખંડ દીપક ચાલુ રાખવા માટે
દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. અખંડ દીવો
રાખવો કંઈ ફરજીયાત નથી. (સંધની ભાવના અને
ઉલ્લાસ હોય તો સંઘના સાધારણ દ્રવ્યથી જરૂર એ
લાભ લઈ શકાય.)
G. જિનાલયોમાં ઈલેકટ્રીક લાઈટો નુકશાન
કરનારી છે. વહેલી તકે તેનાં કનેકશન કપાવી
નાખવાં જરૂરી છે. આકર્યોલોજીકલ ડીપાર્ટમેન્ટ
અજન્ટા/ઈલોરાની ગુફાઓમાં ઈલેકટ્રીક લાઈટોનો
પ્રવેશ થવા દીધો નથી. કેમકે લાઈટનાં કિરણો
કલાકૃતિઓને નુકશાન પહોંચાડે છે.
H. શુદ્ધ ઘીનાં દીવામાંથી જે સુવાસ ઉત્પન્ન
થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે.
6 અક્ષતપૂજા
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ,
ઘરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. ॥૬॥
હે પરમાત્મન્ ! આપની સન્મુખ શુદ્ધ અખંડ –
અક્ષતનો નંદાવર્ત સ્વસ્તિક આલેખીને અક્ષત-કયારેય
નાશ ન પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત
થાય એવી પ્રાર્થના કરું છું. આ અક્ષત જેમ વાવ્યા
છતાં ફરી ઉગતા નથી તેમ મારે પણ આ સંસારમાં
પુનઃ જન્મ પામવો નથી.
અક્ષતપૂજા સમયની ભાવના :
હે અક્ષય ! ચાર ગતિના આ સંસારમાં હું ૮૪ લાખ જીવાયોનિમાં સર્વત્ર અનંત અનંતવાર જન્મ
પામી ચૂકયો.
હે અનંત ! હવે હું આ જન્મમરણના
ચક્કરોથી થાકયો છું. હવે તો મારા પગ રહી ગયા છે.
હવે કોઈ ગતિમાં મારે ક્યાંય જન્મ લેવો નથી.
હે અકલંક! આ થાળીમાં રહેલા અક્ષતના
કણ પરથી ફોતરાં ખરી પડયાં છે. આ કણીયા હવે
નિર્મળ અને અજન્મ બની ચૂકયા છે. અક્ષતને વાવ્યા
છતાં ફરી ઉગતા નથી.
હે અવ્યાબાધ ! આ અક્ષતની જેમ મારે પણ
સર્વથાને માટે અજન્મા બનવું છે. અક્ષય બનવું છે.
અનંત બનવું છે. અવ્યાબાઘ સુખ મેળવવું છે.
હે અપુનરાવૃત્તિ ! આપ એવા સ્થળે
બિરાજયા છો જયાંથી ફરી આપને આ સંસારમાં
અવતરવું પડતું નથી. હે નાથ ! આ અક્ષતપૂજાના
પ્રભાવે મારે પણ આપ જયાં બિરાજયા છો ત્યાં આપની અડોઅડ બેસવું છે.
હે અજન્મા ! અક્ષતપૂજાના પ્રભાવે મને
અક્ષયપદની સંપ્રાપ્તિ થાઓ, એવી અભિલાષા
આપના ચરણકમલમાં વિદિત કરું છું.
કેટલાક કથાપ્રસંગો :
A. એક વૃક્ષની છાંયડીમાં આચાર્ય ભગવંત
દેશના આપી રહ્યા હતા. નરનારીઓ એ દેશનાનું
અમૃતપાન કરી રહ્યાં હતાં. બરાબર તે જ સમયે
વૃક્ષની એક ડાળ પર પોપટ અને મેનાનું જોડલું બેઠું
હતું. શાંત ચિત્તે દેશના સાંભળતાં સાંભળતાં તેમને
જાતિસ્મરણ જ્ઞાન થયું.
પોપટ-મેનાએ દરરોજ પ્રભુદર્શને જવાનો
સંકલ્પ કર્યો. વહેલી પ્રભાતે જાગીને પોપટ-મેના
ડાંગરના ખેતરમાં જઈને ચોખાના દાણા ચણી
લાવતાં. બે પગ વચ્ચે અક્ષતના કણ ગ્રહણ કરીને
તેઓ મંદિરમાં આવતાં અને ભંડાર પર એ દાણા
ચડાવીને અક્ષતપૂજા કરતાં. આમ નિરંતર
પરમાત્માની અક્ષતપૂજા કરતાં કરતાં મૃત્યુ પામી, તે
બન્ને રાજા-રાણી બન્યાં. રાજય પામ્યા. વિરાગ
પામ્યાં અને અંતે કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પણ પામ્યાં.
B. તે દિવસે દેરાસર માંગલીક થઈ ગયા
બાદ રાત્રે દેવાત્માઓનું જિનાલયમાં આગમન થયું
હતું. આવેલા દેવોએ રાતભર પરમાત્માની પૂજાભક્તિ
કરી. સવારે જયારે શુભંકર શેઠે જિનાલયના દ્વાર
ઉઘાડયાં ત્યારે પાટલા પર ચોખાના મોટા દૈત ત્રણ
સુંદર ઢગલા કરેલા જોયા. જેની સુગંધથી સમગ્ર
જિનાલય મહેંકી રહ્યું હતું. આવા સુંદર અને
સુગંધીદાર અક્ષતને જોઈને શેઠના મોંમાં પાણી છૂટયું
અને મનોમન સોદો પાકો કરી નાખ્યો કે જેટલા
ચોખા અહિં પડયા છે તેટલા બીજા લાવીને ચડાવી
દઉં અને આ ચોખા ઘરે લઈ જઈને રાંધીને હું
આરોગું. તેણે મનમાં વિચારેલું કાર્ય પાર પાડી દીધું.
રાંધેલા એ ચોખાની ખીર મુનિશ્રીનાં પાત્રે પણ
વહોરાવી દીધી. જે વાપરતાંની સાથે જ મુનિશ્રી
બેભાન થઈ ગયા. દેવદ્રવ્યનાં ભક્ષણના આ પાપે
શ્રાવક અને સાધુ બેયને પાયમાલ કરી નાખ્યા. ગુરુએ
તે શ્રાવકને પૂછયું અને સાચી વિગતની જાણ થઈ.
રેચ આપીને તે મુનિવરનું પેટ શુદ્ધ કરવામાં આવ્યું.
શ્રાવકે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી સ્વદ્રવ્યથી
જિનાલય નિર્માણ કરાવી, પાપશુદ્ધિ કરી.
C. મહારાજા શ્રેણિક ! જે મગધના નરનાથ,
મહાવીરના સેવક અને આવતી ચોવીસીનાં પહેલા
ભગવાન્ ! જેઓ રોજ તાજા ઘડેલા સોનાના અક્ષતો
વડે પ્રભુની ગહુંલી કાઢતા. સોની રોજ નવનવા તાજા
દાણા ઘડતો અને રાજદરબારે પહોંચાડતો. રે!
આપણે સોનાના દાણાનો સ્વસ્તિક ન કરી શકીએ તો
કમસેકમ અખંડ અક્ષતનો સાથીયો તો કરીએ !
D. તે દિવસે સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનો
કાર્યક્રમ હતો. સકલ શ્રી સંઘવતી એક મોટો નંદાવર્ત આલેખવામાં આવ્યો હતો. સિદ્ધશીલા સહિત આ
સ્વસ્તિકની સાઈઝ થતી હતી ૧૨ ફૂટ × ૧૦ ફૂટ.
યુવાનોએ રાતભર ઉજાગરો કરીને રંગબેરંગી આ
સ્વસ્તિકને એવો સુંદર બનાવ્યો હતો કે નરનારીઓ
તેનાં રૂપ દેદાર જોવા તીડનાં ટોળાંની જેમ તૂટી પડયાં
હતાં.
કેટલીક સાવધાની :
A. અક્ષતપૂજાના ચોખા તૂટયા વગરના
અખંડ હોવા જોઈએ. ઘરમાં વાપરવા માટે ચાળીને
સારા ચોખા ઉપરથી કાઢી લીધા બાદ નીચેની
કણકીના ટુકડા દેરાની ડબ્બીમાં ભરી દેવાની યોજના
હૃદયના છીછરા ભાવોને પ્રદર્શિત કરનારી છે.
B. ચોખા રાખવા માટેનું બોક્ષ, બટવો કે
પેટી વગેરેને અવારનવાર સાફ કરી દેવાં જોઈએ
જેથી અંદર ધનેરાં વગેરે જીવો ન પડે.
C. ચોખા રાખવા માટેનાં બોકસ સ્ટીલનાં કે
પ્લાસ્ટીકનાં ન વાપરવાં.
D. ચોખા ભરવાની ડબ્બીનાં આજ સુધીમાં
ઘણાં મૉડલ બદલાઈ ગયા છે. રત્નજડિત સુવર્ણપેટી/ ગોલ્ડનબોક્ષ/સીલ્વરબોક્ષ પછી એકાએક ક્રાંતિ (!)
થઈ અને એલ્યુમિનિયમનું બોક્ષ હાજર થયું. હવે
તેની જગ્યાએ ધીરે ધીરે પ્લાસ્ટીક બોક્ષ ગોઠવાઈ
રહ્યાં છે. કદાચ એકવીસમી સદીમાં કાગળનું બોક્ષ
આવી જાય તો ના નહિ.
1 નૈવેદ્યપૂજા
અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈય અનંત,
દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત ||૭||
હે પરમાત્મન્ ! જન્મ-મરણની જંજાળમાં
જકડાયેલા મને પરભવ જતાં અનંતવાર અણાહારી
રહેવાની ફરજ કર્મસત્તાએ પાડેલી. પરંતુ એ ફરજ
પૂર્ણ થતાં જ સીધી જન્મની સજા શરૂ થતી. હવે
સંસારમાં પરિભ્રમણ કરાવતી આહારસંજ્ઞાને ત્યજવા
માટે અણાહારીપદ મોક્ષ મેળવવા માટે આપના ચરણે
આ નૈવેધ ઘરું છું. જેના પ્રભાવે મારી આહાર સંજ્ઞા
નાશ પામો. અણાહારીપદ સંપ્રાપ્ત થાઓ! એવી
વિનંતિ કરું છું.
નૈવેદ્યપૂજા સમયની ભાવના :
હે અણાહારી ! આપ એવા સ્થળે બિરાજયા છો
જયાં કદાપિ આહારની જરૂર જ પડતી નથી. આપની
સામે આ નૈવેધ તો હું એટલા માટે ઘરું છું કે મારી
આહાર સંજ્ઞા દૂર થાય. હે નિરાહારી! હું આ આહાર
સંજ્ઞાના પાપે ભવોભવ રઝળ્યો છું. મારો એક પણ ભવ
એવો નથી ગયો કે જયાં હું ખાધા વિનાનો રહ્યો હોઉં.
જયાં જયાં ગયો ત્યાં ત્યાં સર્વત્ર આહારના પુદ્ગલોને
ભોગવતો રહ્યો, રાગ, રસ અને ગૃદ્ધિ કરતો રહ્યો. કર્મ
બાંધતો રહ્યો.
હે વિગતાહારી ! મેરૂના ઢગના ઢગ પણ નાના
પડે એટલા ભોજન મેં કર્યા છે, પણ આ જીવડો હજી
ઘરાયો નથી. પ્રભુ શી વાત કરું ? ખાવામાં મેં પાછું
વાળીને જોયું નથી. હું અનેકવાર અત્યાહારી બન્યો છું. ભવ્હાહારી બન્યો છું. અમિતાહારી બન્યો છું. અકરાંતીયા થઈને મેં ખા ખા કર્યું છે. અને એ આહારસંજ્ઞાના પાપે રોગ, શોક, દુઃખ, દારિદ્ર અને ભવસંતાપનો ભાગી બન્યો છું.
હે અવગતાહારી ! આપને એક જ નમૃ
નિવેદન કરું છું કે હે પ્રભુ ! આપ મારી પર એવી કૃપા
કરો કે મારી આહાર સંજ્ઞા સર્વથા નાશ પામે. ભોજનના
કોઈ પદાર્થમાં મને કયારેય રાગ ન થાય અને વહેલી
તકે આપ જે અણાહારી પદે બિરાજયા છો એ
અણાહારી પદ મને સંપ્રાપ્ત થાય.
નૈવેદ્યપૂજાની નોંધ :
* રામચન્દ્રજી જયારે વનવાસમાંથી પાછા
ફર્યા ત્યારે પોતાના મહાજનને અન્નનું કુશળપણું
પૂછયું હતું.
* પરસ્પરની કલેશની નિવૃત્તિ અને પ્રેમની
વૃદ્ધિ પણ રાંધેલું અન્ન જમાડવાથી થાય છે.
રાંધેલા અન્તના પ્રભાવથી દેવતાઓ પણ
પ્રસન્ન થાય છે. માટે તેમને પણ બાકળા અપાય છે.
આગિયા નામના વૈતાળને રોજના સો
મુંડા નૈવેધ આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો
હતો.
* ભૂતપ્રેતાદિ પણ રાંધેલાં ખીર/ખીચડા/વડાં
આદિની યાચના કરે છે.
* દશ દિગ્પાલદેવો પણ રાંધેલા ધાન્યના
બાકળા દેવાથી સંતુષ્ટ થાય છે.
પરમાત્મા જિનેશ્વરદેવની દેશના પૂર્ણ થયા
બાદ પણ રાંધેલાં ધાન્યનાં બાકળા ભલિરૂપે
ઉછાળવામાં આવે છે.
* નિશીથસૂત્રમાં કહ્યું છે કે, ઉપદ્રવને શાંત
કરવા માટે કુર (બલિનૈવેધ) કરાય છે.
નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે, સંપ્રતિરાજા
રથયાત્રા કરતાં પૂર્વે વિવિધ જાતનાં ફળ/સુખડી/
ચોખા/દાલી/કૌરવસ્ત્ર વગેરેનું ભેટણું કરતા હતા.
પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજાએ પ્રતિષ્ઠા
પ્રાભૂતમાંથી ઉદ્ધરેલી પ્રતિષ્ઠા પદ્ધતિ’માં કહ્યું છે કે
આરતી ઉતારી, મંગળદીવો ઉતારવો, પછી ચાર
સ્ત્રીઓએ પોંખણા કરી નૈવેધ કરવો.
* મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે, અરિહંત
ભગવાનની ગંધ (કેસર/ચંદન) માલ્ય (ફૂલમાળા)
દીપ, પ્રમાર્જન, નૈવેધ, વસ્ત્ર, ધૂપ, પ્રમુખ વડે
પ્રતિદિન પૂજા કરવાથી તીર્થની ઉન્નતિ થાય છે.
* નિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે તે પછી
પ્રભાવતી રાણીએ બલિ (નૈવેધ) ધૂપદીપ પ્રમુખ સર્વ
ઘરીને કહ્યું કે, આ પેટીમાં દેવાધિદેવ શ્રી વર્ધમાન
સ્વામીજીની પ્રતિમા હોય તો પ્રગટ થાઓ એટલું
બોલતાંની સાથે પેટી ફાટી અને સર્વ અલંકારોથી
શોભિત એવી ભગવાન મહાવીરસ્વામીજીની પ્રતિમા
પ્રગટ થઈ.
કેટલાક કથાપ્રસંગો :
A. એ બિચારો ખેડૂત હતો. દિવસ/રાત ભારે
જહેમત ઉઠાવતો, પણ ફસલમાં કંઈ બરકત આવતી
નહિ, ભાગ્યથી હારેલો/થાકેલો બીચારો ખેતરમાં
માંચડા પર બેઠો બેઠો સામે દેખાતા જિનાલય સામે
તાકી રહ્યો હતો. એટલામાં આકાશગામીની
વિદ્યાવાળા કોક ચારણ મુનિને મંદિરમાં પ્રવેશ કરતા
તેણે જોયા. ખેડૂત મંદિરનાં દ્વાર પાસે જઈને ઉભો
રહ્યો. પેલા ચારણમુનિ બહાર નીકળ્યા ત્યારે પગ
પકડીને કહેવા લાગ્યો, હે કૃપાળુ ! સાવ નિર્ધન છું.
દુઃખી છું. કંઈક દયા કરો અને મને કંઈક ઈલાજ
બતાડો જેથી હું સુખી થાઉ. મુનિશ્રીએ તેને કહ્યું કે,
પૂર્વભવે દયા/દાન/ભક્તિ કંઈ કર્યું નથી માટે આવી
હાલત થઈ છે. આ ભવે તું કંઈક કરી છૂટ. ખેડૂતે
કહ્યું, ગુરુદેવ! મારી પાસે દયા-દાન કરી શકું એવી
કશી સગવડ નથી. પણ આજથી એટલો નિયમ
ગ્રહણ કરું છું – ઘરેથી મારું જે ભાત (ટીફીન) આવે
છે તેમાંથી થોડું ભોજન (નૈવેધ) રોજ ભગવાનને
ચડાવીશ અને પછી ભોજન કરીશ. મુનિશ્રીએ તેને
પ્રતિજ્ઞા આપી અને તે રોજ પાળવા લાગ્યો.
એકવાર સખત ભૂખ લાગેલી અને ભાત ખૂબ
મોડું આવ્યું. તોય તે નૈવેધ ઘરવા મંદિરે દોડી ગયો.
પણ અફસોસ ! આજે મંદિરનાં ઓટલે એક સિંહ મોં
ફાડીને બેઠો હતો. ખેડૂત જરાક ગભરાયો પણ વળતી
પળે જ તેણે નિર્ધાર કરી લીધો કે જે થવું હોય તે
થાય, પણ નૈવેધ ધર્યા વિના જંપીશ નહિ. હિંમત
કરીને તે મંદિરમાં ચાલ્યો ગયો. નૈવેધ ધરીને જયારે
બહાર આવ્યો ત્યારે સિંહ દેખાયો નહિ. ખેડૂત
ખેતરમાં જઈને જેવો પ્રથમ કોળીયો હાથમાં લે છે ત્યાં
જ ધર્મલાભ કહેતા એક મુનિવર પધારે છે અને
ભાવાવેશમાં આવીને ખેડૂત તમામે તમામ રસોઈ
મુનિશ્રીનાં પાત્રમાં વહોરાવી દે છે. ત્યાં જ એકાએક
દેવ પ્રગટ થઈને જાહેર કરે છે કે, સિંહ અને મુનિના
રૂપ મેં જ કરેલાં. તું પરીક્ષામાં પાસ થયો છે. માગ, માગ,
માગે તે આપું. ખેડૂતે કહ્યું કે, મારી દરિદ્રતા દૂર
થાય તેવું કંઈક કરો. દેવે તેને થોડાક જ દિવસમાં
રાજા બનાવ્યો. પછી પણ તેણે નૈવેધપૂજા યથાવત્
ચાલુ જ રાખી. અંતે શ્રાવકના બાર વ્રત સ્વીકારી
સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય અવતાર પામી મોક્ષે
પધારશે.
B. એ ફેમિલીએ નૈવેધપૂજાનો મહિમા
સદ્દગુરુના પ્રવચનોથી જાણેલો, એક દિવસ ચારે
પ્રકારના આહારથી પરમાત્માની નૈવેધપૂજા કરવાનો
એ ફેમીલીએ નિર્ણય કર્યો. સવાર પડીને
પુત્રો,પુત્રવધુઓ અને સાસુ સહુ વિવિધ વાનગીઓ
તૈયાર કરવામાં લાગી ગયાં. ત્રણ કલાક બાદ સુંદર
ચાર થાળ તૈયાર થયા.
પહેલા થાળમાં દૂધપાક/પુરી/કંસાર/ભજીયાં/
કેસરી-દૂધ/રોટલી/ચોળી/મગ/મસુર/ લીલા-ચણા/
વાલ/ગટ્ટા/પતેવડી/હાંડવો/ઢોકળાં ઈત્યાદિ અશન
મૂકવામાં આવ્યું હતું.
બીજા થાળમાં તજ-લવીંગનું પાણી/લીંબુંનું
શરબત/કાચી કેરીનું શરબત/કેસરનું શરબત/
કાલાખટ્ટાનું શરબત/ગોળ/સાકરનાં પાણી ઈત્યાદિ
પાન મૂકવામાં આવ્યું હતું.
ત્રીજા થાળમાં શ્રીફળ/નારંગી/મોસંબી/
સફરજન/ચીકુ/કેળા/બીજોરાં/પપૈયાં આદિ ફળો અને
ડ્રાયફૂટ આદિ ખાદિમ મૂકવામાં આવ્યું હતું.
ચોથા થાળમાં નાગરવેલનાં પાન/તજ/લવીંગ/
એલચી/સોપારી/કલકત્તા-મસાલા/વરીયાળી/ ધાણાની
દાળ/ઈત્યાદિ સ્વાદિમ મૂકવામાં આવ્યું હતું.
આમ ચારેય થાળ તૈયાર થયા બાદ સુંદર
વસ્ત્રો, અલંકારો, પહેરી, સ્વજન પરિવાર સહુએ વાજતે-ગાજતે બહુમાનપૂર્વક ચારે થાળને હાથમાં
ઉપાડીને પ્રભુની નૈવેધપૂજા કરવા માટે મંગલ પ્રસ્થાન કર્યું.
રે! જમાઈને વિવિધ વાનગી જમાડીને ખુશ
થનારા તો ઘણા હોય છે. પણ પરમાત્માની આવી
નૈવેધપૂજા કરીને રીઝનાર તો કોક વિરલા જ હોય
છે.
C. તે દિવસે નૈવેદ્યપૂજાની ઉછામણીની
રમઝટ બોલી રહી હતી. બેય પાર્ટીબરાબર કસ્મેકસ
સામસામી આવી ગઈ હતી. બેયમાંથી એકે આ લાભ
છોડવા તૈયાર ન હતી કેમ કે તે દિવસે નૈવેધપૂજામાં
ચડાવાના મોદકની હાઈટ અઢી ફૂટની હતી. અને
સાઈઝ હતી ૧||m ફૂટની. જે ભાઈને આદેશ મળ્યો તે
ભાઈ જયારે નૈવેધનો થાળ ઉંચકવા ગયા ત્યારે તેમની
હાલત ગાંડીવ ધનુષ્યને ઉચકવા ગયેલા પેલા
મહાભારતના કર્ણ જેવી થઈ. બીજા ચાર ભાઈઓએ
ટેકો પૂરાવ્યો ત્યારે એ થાળ સ્વસ્તિક પર બિરાજિત
થયો અને પછી આ હેન્ડસમ હાઈટ ધરાવતા મોદકને
જોવા નરનારીઓનાં ટોળાં ઉમટી પડયાં. સહુના
મોંમાં શબ્દો હતા હાઈલ્લા, કેવડો મોટો લાડવો !
કેટલીક સાવધાની :
A. નૈવેદ્યપૂજામાં ઉત્તમ પ્રકારનાં મિષ્ટાન્ન
આદિ દ્રવ્યો પરમાત્માને કરવાં જોઈએ.
B. જેનો ટાઈમ વીતી ગયો હોય તેવી
મીઠાઈ પૂજામાં ન વાપરવી.
C. આજે બજારું પીપરમીટ અને ચૉકલેટ
વગેરે જે ચઢાવવામાં આવે છે તે વ્યાજબી નથી. તેમાં
અભક્ષ્ય પદાર્થો વપરાતા હોય છે. ઘરે આવેલા
જમાઈરાજની થાળીમાં મીઠાઈને બદલે ચૉકલેટ કે
પીપરમીટ પીરસી દેવામાં આવે તો કેવી ફજેતી થાય ?
ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં ચારે પ્રકારના
આહારનો આખો થાળ પરમાત્માને ધરવાનો
જણાવેલ છે.
1. અશનં = રાંધેલા ભાત, કંસાર, દાળશાક વગેરે.
2. પાણં – ગોળ-સાકરનો પાણી વગેરે.
3. ખાદિમં = ફૂટ, ડ્રાયફૂટ વગેરે.
4. સ્વાદિમં = કોરાં નાગરવેલનાં પાન, સોપારી
આદિ.
આ ચારે પ્રકારના આહારથી કરાતી પૂજા
મહાફળને આપનારી છે. તેમાં પણ આગમમાં રાંધેલા
ધાન્યનું પ્રતિપાદન કરેલું હોવાથી વિશેષ ફળને
આપનારી બને છે. ગૃહસ્થને ત્યાં નિરંતર રસોઈ
બનતી હોવાથી આ પૂજા કરવી પણ સહેલી છે.
નિશીય, મહાનિશીથ, આવશ્યકનિયુક્તિ આદિ ગ્રંથોમાં
રાંધેલા અન્નથી નૈવેધપૂજા કરવાની વાત જણાવેલ
છે.
સંપૂર્ણ ભોજનના થાળથી કરાતી પૂજા આજે
લગભગ જોવા મળતી નથી. હા, કયારેક સાધાર્મિક
ભક્તિ (સંઘજમણ) જેવું આયોજન હોય ત્યારે એકાદ
વાટકી દૂધપાક ભંડાર પર મૂકી આવવાની પ્રથા
પ્રચલિત છે. ખરેખર તો સંપૂર્ણ ભોજનનો થાળ
પરમાત્માને ઘરવો જોઈએ.
D. નૈવેધ ચડાવ્યા બાદ તેની ઉપર કીડી ન
ચડે તે માટે ઉંચા ટેબલ પર થાળ રાખી તેમાં નૈવેધ
પધરાવી દેવું.
E. જયારે લગ્નાદિ પ્રસંગોમાં મીઠાઈ બને
ત્યારે, ઉનાળાની સીઝનમાં જયારે આમ (કેરી) વગેરે
નવાં ફળો આવે ત્યારે, શિયાળામાં જયારે ડ્રાયફ્રૂટ
આવે ત્યારે, સૌપ્રથમ જિનેશ્વરદેવને અર્પણ કરવાં જોઈએ.
8 ફળપૂજા :
ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ,
પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. ।।૮।।
હે પરમાત્મન્ ! વૃક્ષનું અંતિમ સંપાદન ફળ
હોય છે. તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ
મારી પૂજાના અંતિમ ફળ રૂપે મોક્ષ પ્રાપ્ત થાઓ
ફળપૂજા સમયની ભાવના :
હે ભીડભંજન ! કહેવાય છે કે ‘ફળથી ફળ
નિરધાર.’ હે મારા વહાલા પ્રભુ! મારા દિલમાં મને
ચોક્કસ વિશ્વાસ પેદા થયો છે કે મારી આ ફળપૂજા
નિષ્ફળ નહિ જાય. હે ભવભંજન ! તારી સમક્ષ કરેલી
આ ફળપૂજા સફળ થઈને જ રહેશે. મને ચોકકસપણે
ફળ આપનારી થશે. હે દુઃખભંજન ! હું તમને ખુલ્લા
દિલે કહી દઉં કે મારે મોક્ષ ફળ સિવાય કશું જોઈતું
નથી. તું જયારે પણ મારી પર મહેર કરે ત્યારે મને
માત્ર મોક્ષ આપજે. ઓ પ્રાણેશ્વર ! મારે એથી જરીકે ઓછું નથી જોઈતું, તેમ મારે એથી વધારે પણ કંઈ નથી
જોઈતું. માત્ર જોઈએ છે મોક્ષફળ.
હે દર્દભંજન ! આ સંસારમાં હું તારા વિના
દુઃખી છું. તારા વિરહની વેદનાઓથી મારી છાતી
ચીરાઈ રહી છે. ઓ પ્રાણેશ! આજની આ ફળપૂજાના
રૂડા પ્રતાપે મને જલ્દીથી મોક્ષફળ મળે, તો હું તારી
પાસે પહોંચી શકું.
હે કર્મભંજન ! ખરેખર સાચા હૃદયથી તને
જણાવું છું કે હું તારા વિના રહી શકતી નથી. જેમ વૃક્ષ
પત્ર પુષ્પ આપ્યા પછી અંતે જેમ ફળ આપે છે તેમ હે પરમાત્મા ! આ સંસારમાં આપે મને પત્ર-પુષ્પ રૂપે
સદ્ગતિ, સુખ-શાંતિ, સાહ્યબી બધું જ આપ્યું છે.
હે મોહભંજન ! હવે શીઘ્રતયા મને મોક્ષરૂપી
ફળ પ્રદાન કરો એ જ મારી એકની એક અંતિમ
મનોકામના છે.
કેટલાક કથાપ્રસંગો :
A. એ પુણ્યાત્મા ચાલીસ વર્ષ બાદ
પ્રભુપૂજામાં જોડાયા. મુનિશ્રીનાં પ્રવચનોની અસર
એમના અંતરમાં રણઝણી રહી હતી. કશું જ આવડતું
ન હતું છતાંયે તે બધું શીખ્યા અને પરમાત્માની
અષ્ટપ્રકારી પૂજાનો નિયમ ગ્રહણ કર્યો. દિનપ્રતિદિન
આનંદ વધતો ગયો અને પૂજનદ્રવ્યો પણ વધતાં
ગયાં. તેઓ સંપૂર્ણ પૂજા સ્વદ્રવ્યથી જ કરવા લાગ્યા.
એમાં પણ રોજે રોજ નૈવેદ્ય, ફળ વગેરે દ્રવ્યો
બદલાવતાં રહેતાં. આજે બરફી ચડાવે તો કાલે પેંડા,
પરમ દિવસે લાડું એમ ફળ પણ રોજ બદલાવતાં.
કોક દી શ્રીફળ તો કોક દી’ મોસંબી એવાં સુંદર ફળો
એ ભાવપૂર્વક પ્રભુને સમર્પિત કરતા કે જન્મ પછી
કયારેય નહિ મળેલી ચિત્તપ્રસન્નતા તેમને આ
ફળપૂજા દ્વારા મળવા લાગી. વાસના તૂટવા લાગી.
ઘન વધવા લાગ્યું. અને મન પ્રસન્ન બનવા લાગ્યું.
ધંધાનો રસ ઓછો થવા લાગ્યો અને પ્રભુભક્તિમાં
દીલ વધુને વધુ ચોંટવા લાગ્યું. ઓ ભાઈ! પ્રભુની
પૂજામાં શું નથી સમાયું તે સવાલ છે ‘એવરીથીંગ ઈઝ
ઈન વન’ પરમાત્મ પૂજા છે.
B. તે દિવસે આદ્રા નક્ષત્ર હતું. કેરી
ચૂસવાનો છેલ્લો દિવસ હતો. એક યુવાન પોતાના
ફેમીલી સાથે પાલીતાણા આવ્યો હતો. એણે આખો
બજાર ઘૂમી, ફરીને હાઈકલાસ કેરી પસંદ કરી.
થેલીમાં કેરી લઈને એ નિવાસસ્થાને આવ્યો. કેરીનો
રસ કાઢવાની તૈયારી થઈ અને એના મનના વિચાર
બદલાયા. રે ! આખી સીઝન ભરપેટ કેરીઓ ઉડાવી
છે તોય જીવ ઘરાયો નથી, તો શું આજની આ કેરીઓ
ચૂસવાથી જીવ ધરાઈ જવાનો છે ? જીવડા ! રહેવા દે
આ અખતરો ! આજે જવા દે આ કેરીના સ્વાદ ! એણે
કેરીનો આ સ્વાદ મુલત્વી રાખ્યો અને પછી એ તમામ
કેરીને વરખ લગાડીને પ્રભુના મંદિરે લઈ ગયો. ૩૩
કેરીઓથી ભરેલો આખો થાળ ફળપૂજામાં
આદીશ્વરદાદાને સમર્પિત કર્યો. પ્રભુપૂજાનો કેવો
ચમત્કાર છે કે તે મહિનાનો બરાબર રૂપિયા ૩૩
હજારનો પાકો નફો ધંધામાં એણે મેળવ્યો. ૩૩
કેરીના ૩૩ હજાર ! હવે પેલી પંકિત યાદ કરી લઈએ
તો સારું.
પંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર ।
કુમારપાલ ભૂપાલ થયા, વર્યો જય જયકાર ॥ કેટલીક સાવધાની :
A. પરમાત્માની કળપૂજામાં સારાં ઉત્તમ
જાતિનાં ફળો વાપરવાં.
B. પૂજામાં જે કહોવાઈ ગયાં હોય, જેને
કાળા ડાઘ પડી ગયા હોય અને જે તુચ્છફળ ગણાતાં
હોય તેવાં ફળો ન વાપરવાં.
C. ફળોમાં શ્રીફળ, બીજોરું વગેરે ફળો ઉત્તમ
જાતિનાં ગણાય છે.
D. અક્ષત/નૈવેધ/ફળ આદિ દ્રવ્યોને પહેલાં
થાળીમાં મૂકવાં. થાળીને બે હાથે પકડવી. નમોડહેત્
બોલી/દુહો બોલી/મંત્ર બોલીને પછી તે દ્રવ્યો પાટલા
પર ચડાવવાં. ડબ્બીમાં હાથ નાખી ચોખા હાથમાં લઈ
સીધો સાથીયો શરૂ કરવાને બદલે ઉપરોકત વિધિ
પ્રમાણે ક્રિયા કરવી.
E. પૂજાનાં દ્રવ્યો નાભિથી નીચે ન રાખવાં
તથા મેલાં વસ્ત્રોમાં બાંધીને કે ઢાંકીને તે દ્રવ્યો ન
લાવવાં.
F. અક્ષત/નૈવેધ/ફળપૂજા પ્રભુની સન્મુખ
કરવી.
G. ઘરેથી લાવેલા અષ્ટદ્રવ્યોથી પૂજા પૂર્ણ
થયા બાદ મનથી વિચારવું કે, હે પ્રભુ! મારાથી શકય
તેટલાં ઉત્તમ દ્રવ્યો આપને ચડાવ્યા પણ આથીયે
ઉત્તમ પ્રકારનાં જે દ્રવ્યો હોય તેને પણ હું મનવડે
આપને ચડાવું છું.
1 ચામરપૂજા
ચામર વીઝે સુર મન રીઝે, વીઝે થઈ ઉજમાળ ।
ચામર પ્રભુ શિર ઢાળતા, કરતાં પુણ્ય ઉદય થાય ।।
પરમાત્માની સન્મુખ ચામર વીંઝતાં વિચારવું
કે,
હે રાજરાજેશ્વર ! આ ચામર આપના ચરણમાં
નમીને જેમ તરત જ પાછો ઉંચે જાય છે. તેમ આપના
ચરણમાં લળી લળીને નમનારો હું પણ અવશ્ય
ઊર્ધ્વગતિને પામીશ. પ્રભુજી ! પેલી સ્તવનપંકિત મને
યાદ આવી જાય છે.
જિનજી ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે
લોલ, માહરા નાથજી રે લોલ,
જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ
લહે રે લોલ, માહારા નાથજી રે લોલ.
2 દર્પણપૂજા
પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ ।
આત્મ દર્પણથી જુવે, દર્શન હોય તત્કાલ ||
પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે,
હે સ્વચ્છદર્શન! હું જયારે અરીસામાં નજર કરું છું
ત્યારે જેવો છું તેવો તત્કાલ દેખાઉં છું. પ્રભુ! આપ
પણ એકદમ નિર્મલ અને સ્વચ્છ અરીસા જેવા છો,
જયારે આપની સામે જોઉં છું ત્યારે હું ભીતરથી જેવો
છું તેવો દેખાઈ આવું છું. હે આદર્શ! તારી સામે જોયા
પછી લાગે છે કે મારો આતમ સર્વત્ર કર્મનાં કર્દમથી
ખરડાયેલો છે. હે વિમલદર્શન! કૃપાનો એવો ધોધ
વરસાવો કે જેના જલપ્રવાહમાં મારો કર્મકર્દમ
ધોવાઈને સાફ થઈ જાય.
પ્રભુ ! આપ જેવા આ દર્પણમાં દેખાઈ રહ્યા
છો તેવા જ મારા દિલદર્પણમાં હરહંમેશાં દેખાતા
રહેજો. પ્રભુ! દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન પણ
હવે હું આપને અર્પણ કરી દઉં છું.
3 વસ્ત્રપૂજા
વસ્ત્રયુગલની પૂજના, સુરિયાભ સુરવરે કીધ ।
ત્રીજી પૂજા કરી અને, રત્નત્રય વર લીધ ।।
પરમાત્માની પુષ્પપૂજા કર્યા બાદ બે સુંદર
વસ્ત્રો પ્રભુના મસ્તકે ચડાવીને વસ્ત્રપૂજા કરવાનો
વિધિ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. સત્તરભેદી
પૂજામાં પણ ત્રીજા નંબરે વસ્ત્રયુગલ પૂજા આવે છે.
વસ્ત્ર ચડાવવાની વિધિ પણ આવે છે. પરંતુ
જિનાલયોમાં તે વિધિ પ્રમાણે વસ્ત્રપૂજા જોવામાં
આવતી નથી.
સારનાથ (બનારસ), ગયા, રાજગૃહી વગેરે
સ્થળોમાં બુદ્ધમંદિરોમાં આજે પણ વસ્ત્રપૂજા પ્રચલિત
છે. અનેક બુદ્ધિષ્ટો સફેદ કોરાં વસ્ત્રો બુદ્ધપ્રતિમા પર
ચડાવે છે.
આપણે ત્યાં વસ્ત્રપૂજા ભૂલાઈ જવાના કારણે
જયારે નવા કપડાંની ખરીદી કરવાનો પ્રસંગ ઉભો
થાય છે ત્યારે દીકરા-દીકરી-વહુરોને યાદ કરીને
તેમનાં કપડાં માટે કાપડ લેતા આવીએ છીએ પણ
જિનેશ્વર પરમાત્મા યાદ આવતા નથી. હવેથી જયારે
પણ કાપડ ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે સૌ પ્રથમ
ઉંચી જાતના મલમલમાંથી પ્રભુ માટે બે અંગલૂંછણાં
બની શકે તેટલું કાપડ તો અવશ્ય ખરીદવું અને
પરમાત્માને તે વસ્ત્રો ચડાવવાં. ત્યારબાદ જ પોતે
નવાં વસ્ત્રો પહેરવાનો પ્રારંભ કરવો.
દરેક જિનપૂજકો આ રીતે જો વસ્ત્રપૂજા કરતા
રહે તો મંદિરમાં અંગલૂંછણાંનો કયારેય તોટો પડે
નહિ. કેટલાક જિનાલયોમાં જે સાવ મસોતા જેવાં
ફાટેલા અંગલૂંછણાં વપરાય છે તે વપરાતાં પણ બંધ
થાય. અંગલૂંછણાં મેલાં, કધોણાં થાય કે ફાટી જાય તો
તરત જ બદલી નાખવાં જોઈએ. ફાટેલું વસ્ત્ર કયારેય
પણ પ્રભુને અંગે લગાડવું નહિ.
એક ગામમાં હું દર્શન કરતો હતો તે ઘડીએ
એક ભાઈ હાથમાં એક ડૂચો લઈને અંગલૂછણાં કરવા
આવ્યા. મેં તે ડૂચાને ખુલ્લો કરાવ્યો તો તેમાં
લગભગ દશથી બાર મોટાં મોટાં કાણાં પડેલ હતાં
અને કિનારો ફાટેલી હતી. ત્રણલોકના ધણીના
દરબારમાં આવો ડૂચો જોઈને મારા હૃદયમાં વેદનાનો
પાર ન રહ્યો. રે! હજારો રૂપિયાના શુટીંગ શર્ટિંગ
પીસ ખરીદનારા શ્રીમંતો પ્રભુભક્તિમાં આવા ડૂચા
વાપરે તે શું શોભાસ્પદ છે ? દરરોજ નહિ તો
કમસેકમ દર બેસતે મહિને કે પર્વ તિથિને દિવસે તો
અવશ્ય બે વસ્ત્રોની (અંગ લૂછણાંની) જોડ પ્રભુને
ચડાવવી.
વસ્ત્રપૂજાની વિધિ :
વસ્ત્રપૂજા કરવા માટે એક થાળીમાં બે વસ્ત્રો
મૂકી હાથમાં લઈ પ્રભુ સન્મુખ ઉભા રહેવું પછી
‘નમોડર્હત્ ભોલી ઉપરનો દુહો તથા મંત્ર બોલી બેય
વસ્ત્રો પરમાત્માના મસ્તક પર મૂકવાં અથવા ખુલ્લા
કરીને બેય ખભા પર ઓઢાડવાં.
(દુહો બોલ્યા બાદ મંત્ર બોલીને વસ્ત્રયુગલ
ચડાવવું.)
4 દ્વારજિનપૂજા
શ્રાદ્ધવિધિ, ધર્મ સંગ્રહ આદિ ગ્રંથોમાં જણાવ્યું
છે કે સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરવી.તે
પછી આસપાસનાં બિંબોની કરવી અને મંદિરમાંથી
બહાર નીકળતાં છેવટે દ્વારજિન તથા સમવસરણ
જિનની પૂજા કરવી.
જીવાજીવાભિગમસૂત્રમાં પણ વિજયદેવે
હારજિન/સમવસરણ જિનની પૂજા કર્યાનું વર્ણન
આવે છે.
દ્વારજિન એટલે મંદિરના દરવાજાના
બારસાખ પર કોતરેલી જિનમૂર્તિ. સમવસરણ જિન
એટલે પ્રદક્ષિણામાં જિનાલયની ત્રણ બાજુનાં
ગોખલામાં સ્થાપિત ત્રણ મંગલમૂર્તિ.
આ રીતનું વિધાન શાસ્ત્રોમાં જોવા મળે છે.
પણ હાલ તેવી પ્રવૃત્તિ ક્યાંય જણાતી નથી.
દ્વારજિનની પૂજા લગભગ કોઈ કરતું નથી અને
સમવસરણ જિનનાં ગોખલા તો કાચ લગાવી ફ્રેમથી
ફીટ કરી દીધા હોય છે. દ્વારજિનાદિની પૂજાની
પ્રવૃત્તિનો પુનઃ પ્રારંભ કરવા વિચારવું જરૂરી ગણાય.
5. આરંતિ-મંગળદીવો :
અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ થયા બાદ આરતિ
અને મંગળદીવો ઉતારવો.
આરતિ મંગળદીવો ઉતારતાં પહેલાં તેની પર
તિલક કરવાં, નાડાછડી બાંધવી, પછી પુષ્પ, લવણ,
પાણી હાથમાં લઈને ત્રણ વાર લૂણ ઉતારવું. ત્યારબાદ
મસ્તકે પાઘડી કે ટોપી પહેરીને ખભે ખેસ ધારણ કરીને
આરતિ ઉતારવી. (બહેનોએ ખભે ચુંદડી નાંખવી,
માથે મોડીયો મૂકવો.)
આરરત ઉતારતાં શંખનાદ, ઘંટનાદ કરવા, બે
બાજુ ચામર વીંઝવા અને મધુર કાવ્ય ગાતાં-ગાતાં
આરતિ ઉતારવી. ત્યારબાદ તે જ રીતે મંગળદીવો
ઉતારવો.
આરતિ/મંગળદીવો ઉતરે ત્યારે બે જણે બે બાજુ
ઘૂપધાણામાં ધૂપ લઈને ઉભા રહેવું. મંગળ દીવામાં
ગોળ, કપૂર વગેરે પૂરવાં
આરતિ-મંગળદીવો સૃષ્ટિક્રમથી કરવો એટલે
પરમાત્માની જમણી બાજુએથી (આપણી ડાબી બાજુથી)
ઉપર ચઢાવવો અને પરમાત્માની ડાબી બાજુએથી નીચે ઉતારવો,
આરતિ બુઝાવી શકાય પણ મંગળદીવો
બુઝાવાય નહિ. જાગતો જ રાખી દેવો. આરતિ
મંગળદીવો ઉતારી લીધા બાદ તેની પર કાણાંવાળું
સરપોસ (ઢાંકણ) મૂકી રાખવું પણ આરતિ ખુલ્લી ન
રાખવી.
આજે ત્રણલોકના નાથની આરતિ ઉતરે ત્યારે
માત્ર પૂજારી કે બે-ચાર શ્રાવકો જ હાજર રહે છે. તે
બરાબર નથી. પરમાત્માની આરતિના સમયે આખો
સંઘ હાજર રહે એવી યોજના કરવી જોઈએ.
આરતિ નાભિથી નીચે અને નાસિકાથી ઉપર ન
લઈ જવી.