Jambudweep Thee Nandishwar Dweep

Jambudweep Thee Nandishwar Dweep

Jambudweep

 

જંબૂદ્વીપથી નંદીશ્વરદ્વીપ :

બાવન શાશ્વત ચૈત્ય : નંદીશ્વર સમુદ્ર

 મનુષ્યલોકના મધ્યમાં થાળીના આકારે

સ્થિર રહેલ ૧ લાખ યોજન પ્રમાણ 

જંબૂ નામનો દ્વીપ છે. જેના મધ્યભાગમાં લાખ 

યોજન પ્રમાણ ઊંચો મેરૂપર્વત છે.

તેને પ્રદક્ષિણા આપતું જ્યોતિષ ચક્ર છે. 

આ દ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય છે. ત્યારપછી બે લાખ યોજનના વિસ્તારવાળો ચૂડી આકારે વલયાકાર લવણસમુદ્ર છે.

 જેનું પાણી ખારા સ્વાદવાળું છે. જેમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય છે.

 ત્યાર પછી ૪ લાખ યોજનના વિસ્તારવાળો બીજો દ્વીપ ઘાતકી

 ખંડ નામનો છે. જેમાં પૂર્વ- પશ્ચિમ મળીને ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય છે. 

ત્યાર પછી આઠ લાખ યોજનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. 

જેનું પાણી ચાલુ પાણીના સ્વાદવાળું છે.

જેમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય છે. 

 

ત્યારપછી ત્રીજો દ્વીપ પુષ્કરવર ૧૬ લાખ યોજનના વિસ્તારવાળો છે. જેના મધ્યભાગમાં માનુષોત્તર પર્વત આવેલો છે. તેથી આ દ્વીપ બે ભાગવાળો બને છે. જંબૂદ્વીપ, ઘાતકી ખંડ તથા અર્ધપુષ્કરવર દ્વીપ

 સુધી ૪૫ લાખ યોજનમાં મનુષ્યોના જન્મ મરણ અને મોક્ષગમન થાય

 છે. અઢીઢીપ બહાર મનુષ્યના જન્મ, મરણ આદિ થતા નથી. 

અર્ધપુષ્કરવરમાં ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય જંબૂદ્વીપના મેરુને પ્રદક્ષિણા

 આપે છે. આમ અઢીઢીપમાં ચર ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય છે.

 ત્યાર પછીના દ્વીપસમુદ્રમાં સ્થિર જ્યોતિષચક્ર છે. ત્યાર પછી ૩૨ લાખ યોજનનો પુષ્કરવર સમુદ્ર છે જેના પાણીનો સ્વાદ ચાલુ પાણી જેવો છે. પછી ૬૪ લાખ યોજન પ્રમાણ વારૂણિવર દ્વીપ છે. પછી ૧૨૮ યોજનપ્રમાણ વારુણિવર સમુદ્ર છે. તેના પાણીનો સ્વાદ દારૂ જેવો છે. ત્યારબાદ ૨૫૬ લાખ યોજન પ્રમાણ પાંચમો ક્ષીરવરદ્વીપ છે. પછી ૫૧૨ લાખ યોજન પ્રમાણ ક્ષીરવર સમુદ્ર છે. જેનું પાણી દૂધના સ્વાદ જેવું છે. પછી ધૃતવર દ્વીપ ૧૦૨૪ લાખ યોજન પ્રમાણ છે. તેના પછી ૨૦૪૮ લાખ યોજન પ્રમાણ ધૃતવર સમુદ્ર છે. જેનું પાણી ઘી જેવું સ્વાદિષ્ટ છે. ત્યારબાદ સાતમો ઈક્ષુવર દ્વીપ ૪૦૯૬ લાખ યોજન પ્રમાણ છે.

 તે પછી ૮૧૯૨ લાખ યોજન પ્રમાણ ઈક્ષુવરસમુદ્ર છે. 

જેનું પાણી ઈક્ષુરસ જેવું સ્વાદિષ્ટ છે. ત્યાર પછી આઠમો દ્વીપ ૧૬૩૮૪ લાખ યોજન પ્રમાણ નંદીશ્વર નામનો છે. તેમાં સ્થાને સ્થાને પદ્મવર વેદિકાઓ, વનખંડો, વાવડીઓ, સર્વરત્ન ઉત્પાત પર્વતો, આસનો વગેરે આવેલા છે. આ દ્વીપની ચારે દિશામાં મધ્યભાગમાં એક એક અંજનગિરિ પર્વત આવેલા છે. જે ૮૪ હજાર યોજન ઊંચા છે. જે નિર્મળ અંજન રત્ન=શ્યામ રત્નમય છે. દરેક ઉપર પદ્મવર વેદિકા, વનખંડ હોવાથી રમણીય છે. વિશેષમાં ઉપરના મધ્યભાગમા શાશ્વતા જિનનું સિદ્ધાયતન=જિનભવન છે.

 

દરેક અંજનગિરિ પર્વતની ચારે દિશામાં આગળ એક લાખ યોજન દૂર જતા એક લાખ યોજનના વિસ્તારવાળી ગોળાકાર સુંદર વાવડી છે.

 તે દરેકના મધ્યભાગમાં ઊંધા પ્યાલાના આકારવાળા સફેદ વર્ણના સ્ફટિકમય દધિમુખ પર્વત આવેલા છે. તે દરેક ઉપર શાશ્વતજિનનું

 ચૈત્ય આવેલું છે, આમ ચાર અંજનગિરિના ચારે દિશાના ૧૬ દધિમુખ પર્વત થાય છે. દરેક દધિમુખ પર્વતની બન્ને બાજુ વાવડીના બહારના ભાગમાં વિદિશામાં બે બે રતિકર પર્વત છે. અર્થાત્ ૧૬ દધિમુખના 

ખુણામાં બે બે રતિકર ગણતા ૩૨ રતિકર પર્વતો છે. તે દરેક ઉપર

 શાશ્વતા જિનનું ભવન છે, જેમાં ૠષભાનન, ચંદ્રાનન, વર્ધમાન, 

વારિષેણ નામના શાશ્વત જિનબિંબ છે. એમ ચારે દિશાના ગણતા 

ચાર અંજનગિરિ, સોળ દધિમુખ, બત્રીસ રતિકર પર્વત મળી બાવન પર્વતો અને તે ઉપરના બાવન ચૈત્યો (જિનમંદિર) છે. શ્રી જિનેશ્વર ભગવંતોના કલ્યાણક પ્રસંગે તથા શાશ્વતી-અશાશ્વતી અઠ્ઠાઈઓમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકના દેવો અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. બાવન ચૈત્યોના આદર્શ આલંબન રૂપે જૈનોમાં બાવન બાવન દહેરીવાળા દહેરાસરો બનાવાય છે. જિનાલય નામના રતિકર પર્વતથી ૧ લાખ 

યોજન દૂર અગ્નિ તથા નૈઋત્ય ખૂણામાં શક્રેન્દ્રની આઠ અગ્ર મહિષીઓની ચાર ચાર રાજધાનીઓ છે. પ્રત્યેક એક લાખ યોજનના વિસ્તારવાળી છે. પ્રત્યેકમાં એક એક જિનમંદિર છે. ત્યાર પછી નંદીશ્વર નામનો સમુદ્ર ૩૨૭૬૮ લાખ યોજનનો છે. જેનું પાણી ઈક્ષુરસના સ્વાદવાળુ છે. ત્યારબાદ દ્વિગુણ-દ્વિગુણ માપવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે.

 ક્રમશઃ છેલ્લો અસંખ્ય યોજન પ્રમાણનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. 

નંદીશ્વર સમુદ્રથી ભૂત સમુદ્ર પર્યંત સમુદ્રોનું જલ શેરડીના રસ જેવું અને ત્યાર પછી આવતા છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી ચાલુ પાણીના સ્વાદ જેવું છે. ત્યાર પછી ચારે તરફ ફરતો લોકનો છેડો આવેલ છે.

Related Articles