અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે,
સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો;
સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,
આપો આપોને મહારાજ, અમને મોક્ષ સુખ આપો.||૧||
સહુકોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો રે;
એહવું બિરુદ છે રાજ તુમારું, કેમ રાખો છો દૂરે.||૨||
સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે;
કરુણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો.||૩|
લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસણ દીજે રે;
ધુમાડે નહીં સાહિબ, પેટ પડ્યાં પતીજે.||૪||
શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો રે;
કહે ‘જિનહર્ષ’ મયા કરી મુજને, ભવસાગરથી તારો.||૫||