અષ્ટ ભવાંતર વાલહો રે…
મુગતિ નારીશું આપણે રે, સગપણ કોઈ ન કામ.
ઘર આવો હો વાલમ ઘર આવો, મારી આશાના વિસરામ;
રથ ફેરો હો સાજન રથ ફેરો, સાજન માહરા મનોરથ સાથ.||૧||
નારી પખે શો નેહલો રે, સાચ કહે જગનાથ;
ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ.||૨||
પશુજનની કરુણા કરી રે, આણી હૃદય મોઝાર
માણસની કરુણા નહિ રે, એ કુણ ઘર આચાર.||૩||
પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરીયો યોગ ધતૂર;
ચતુરાઇરો કુણ કહે રે, ગુરુ મિલિઓ જગશૂર.||૪||
માહરું તો એમાં કશું નહિ રે, આપ વિચારો રાજ;
રાજસભામાં બેસતાં રે, કીસકી વધસે લાજ.||૫||
પ્રેમ કરે જગ જન સહુ રે, નિરવાહે તે ઓર;
પ્રીત કરીને છાંડી દેરે, તેહ શું ચાલે ન જોર.||૬||
જે મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ;
નિસપતિ કરીને છાંડતા રે, માણસ હુવે નુકસાન.||૭||
દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ;
સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.||૮||
સખી કહે એ ‘શામળો’ રે, હું કહું લક્ષણ શ્વેત;
ઈણી લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત.||૯||
રાગીશું રાગ સહુ કરે, વૈરાગીથી શો રાગ;
રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ. ॥१०॥
એક ગુહ્ય ઘટતું નહિ રે, સઘલોય જાણે લોગ;
અનેકાંતિક ભોગવોરે, બ્રહ્મચારી ગત શોગ.||૧૧||
જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણે જુવો રાજ;
એક વાર મુજને જુવો રે, તો સીઝે મુજ કાજ. ॥१૨॥
મોહ દશા ધરી ભાવતાં રે, ચિત લહે તત્ત્વ વિચાર;
વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. ॥१३॥
સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ;
આશય સાથે ચાલીયેરે, એહ જ રુડું કામ. ॥१४॥
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમનાથ ભરથાર;
ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર.||૧૫||