ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું,
ભંગ મ પડશો હો પ્રીત;
બીજો મનમંદિર આણું નહીં,
એ અમ કુલવટ રીત. જિને૦ ||૧||
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે,
ધર્મ ન જાણે હો મર્મ; જિને૦
ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી,
કોઈ ન બાંધે હો કર્મ. જિને૦ ||૨||
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે,
દેખે પરમનિધાન;જિને૦
હૃદય નયણ નિહાળે જગધણી,
મહિમા મેરુ સમાન. જિને૦||૩||
દોડત દોડત દોડત દોડીઓ,
જેતી મનની રે દોડ; જિને૦
પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી,
ગુરુ-ગમ લેજો રે જોડ. જિને૦||૪||
એક પખી કેમ પ્રીતિ પરવડે?
ઉભય મિલ્યા હોય સંઘ; જિને૦
હું રાગી હું મોહે ફંદિયો,
તું નિરાગી નિરબંધ. જિને૦||૫||
પરમ નિધાન પ્રગટ મુખ આગળે,
જગત ઉલ્લંઘી હો જાય; જિને૦
જ્યોતિ વિના જુઓ જગદીશની,
અંધોઅંધ પુલાય.જિને૦||૬||
નિર્મલ ગુણમણિ રોહણ ભૂધરા,
મુનિજન માનસ હંસ; જિને૦
ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી,
માતપિતા કુલ વંશ. જિને૦||૭||