નિત્ય સમરું સાહિબ સયણા, નામ સુણતાં શીતલ શ્રવણા,
જિન દરિસણે વિકસે નયણા, ગુણ ગાતાં ઉલ્લસે વયણા રે;
શંખેશ્વર સાહિબ સાચો….. બીજાનો આશરો કાચો રે.||૧||
દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રુચિપણું લીજે;
અરિહા પદ પજ્જવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે.||૨||
સંવેગે તજી ઘરવાસો, પ્રભુ પાર્શ્વના ગણધર થાશો;
તવ મુક્તિપુરીમાં જાશો, ગુણીલોકમાં વયણે ગવાથાશ રે.||૩||
એમ દામોદર જિનવાણી, અષાઢી શ્રાવકે જાણી;
જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે રે.||૪||
ત્રણ કાલ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે;
પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહાં લાવે રે.||૫||
ઘણાં કાલ પૂજી બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને;
નાગલોકના કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્શ્વ પ્રભુજી પધાર્યા રે.||૬||
યદુસૈન્ય રહ્યો રણ ઘેરી, જીત્યા નવિ જાયે વેરી;
જરાસંઘે જરા તવ મેલી, હરિ બલ વિના સઘળે ફેલી રે.||૭||
નેમીશ્વર ચોકી વિશાલી, અટ્ઠમ કરે વનમાલી;
તૂઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે.||૮||
પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુજી;
છંટકાવ ન્હવણ જલ જોતી, જાદવની જરા જાય રોતી રે.||૯||
શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે;
મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે.||૧૦||
રહે જે જિનરાજ હજુરે, સેવક મનવાંછિત પૂરે;
એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈને રાજે રે.||૧૧||
નાનો માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ;
રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે.||૧૨||