ઓઘો છે અણમૂલો… -Ogho Che Anmolo | Jain Diksa Song
ઓઘો છે અણમૂલો એનું ખુબ જતન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…
આ વેશ આપ્યો તમને અમે એવી શ્રધ્ધાથી,
ઉપયોગ સદા કરજો એને પૂરી નિષ્ઠાથી,
આધાર લઇ એનું ધર્મ આરાધન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ વેશ વિરાગીનો એનું માન ઘણું જગમાં,
માં-બાપ નમે તમને પડે રાજા પણ પગમાં,
આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો…
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ ટુકડા કાપડના કદી ઢાલ બની રહેશે,
દાવાનળ લાગે તો દિવાલ બની રહેશે,
એના તાણા-વાણામાં તપનું સિંચન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ,
બની જાયે ના જોજે એ માયાનું ઢાંકણ,
ચોક્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ વેશ ઉગારે છે એને જે અજવાળે છે,
ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે,
ડૂબવું કે તરવું છે મનમાં મંથન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…