પદ્મપ્રભ જિન! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત;
કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત.||૧||
પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બિહું ભેદ;
ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ વિછેદ.||૨||
કનકોપલવત્ પયડી પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ;
અન્ય સંયોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય.||૩||
કારણ યોગે હો બાંધે બંધને રે, કારણ મુગતિ મુકાય;
આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય.||૪||