પ્રભુ જગજીવન જગબંધુ રે, સાંઈ સયાણો રે…!
તારી મુદ્રાએ મન મોહ્યું રે, જૂઠ ન જાણો…! રે..!||૧||
તું પરમાતમ! તું પુરુષોત્તમ! વાલા મારા તું પરબ્રહ્મ સ્વરુપી રે;
સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન, તું ત્રિહું ભાવ પ્રરુપી રે.||૨||
તાહરી પ્રભુતા ત્રિહું જગ પણ મુજ પ્રભુતા મોટી રે;
તુજ સરીખો માહરે મહારાજા, માહરે કાંઈ નહીં ખોટ રે.||૩||
તું નિરદ્રવ્ય પરમપદ વાસી, વા૦ હું તો દ્રવ્યનો ભોગી રે;
તું નિર્ગુણ હું તો ગુણધારી, કર્મી તું અભોગી રે.||૪||
તું તો અરુપી ને હું રુપી, વા૦ હું રાગી તું નિરાગી રે;
તું નિરવિષ હું તો વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે.||૫||
તાહરે રાજ નથી કોઇ એકે, વા૦ ચૌદરાજ છે માહરે રે;
માહરી લીલા આગળ જોતાં, અધિકું શું છે તાહરે?||૬||
પણ તું મોટો ને હું છોટો, વા૦ ફોગટ ફૂલ્યે શું થાય રે;
ખમજો એ અપરાધ અમારો, ભક્તિ વશે કહેવાય રે.||૭||
વામાનંદન, વા૦ ઉભાં ઓલગ કીજે;
રૂપ વિબુધનો “મોહન” પભણે, ચરણોની સેવા દીજે રે.||૮||