ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો,
ગુણનીલો જેણે તુજ નયણે દીઠો;
દુઃખ ટળ્યાં સુખ મળ્યાં સ્વામી! તુજ નિરખતાં,
સુકૃત સંચય હુવો પાપ નીઠો.||૧||
કલ્પશાખી ફળ્યો કામઘટ મુજ મલ્યો,
આંગણે અમીયનો મેહ વુઠો;
મુજ મહરાણ મહિભાણ તુજ દર્શને,
ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો.||૨||
કવણ નર કનકમણિ છંડી તૃણ સંગ્રહે?
કવણ કુંજર તજી કરહ લેવે?
કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે?
તુજ તજી અવર સુર કોણ સેવે?||૩||
એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા,
તુજ વિના દેવ દુજો ન ઇહું;
તુજ વચન-રાગ સુખસાગરે ઝીલતો,
કર્મભર ભ્રમ થકી હું ન.||૪||
કોડી છે દાસ વિભુ! તાહરે ભલભલા,
માહરે દેવ તું એક પ્યારો;
પતિત પાવન સમો જગત ઉદ્ધાર કર,
મહેર કરી મોહે ભવજલધિ તારો.||૫||
અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
સબળ પ્રતિબંધ લાગો;
ચમક પાષણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિરાગો.||૬||
ધન્ય! તે કાય, જેણે પાય, તુજ પ્રણમીયા,
તુજ થુણે જેહ ધન્ય ધન્ય! જિહા;
ધન્ય! તે હૃદય જિણે તુજ સદા સમરીયાં,
ધન્ય! તે રાતને ધન્ય! દિહા.||૭||
ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા,
એક ગુણ દેત મુજ શું વિમાસો?
રયણ એક દેત શી હાણ રયણાયરે,
લોકની આપદા જેણે નાસો.||૮||