શાંતિ જિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવનરાય રે;
શાંતિ સરુપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે.||૧||
ધન્ય તું આતમ જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે;
ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે.||૨||
ભાવ અવિશુદ્ધ સવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે;
તે તિમ અવિતથ સદ્દહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે.||૩||
આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંવર સાર રે;
સંપ્રદાયી અવંચક સદા, સૂચિ અનુભવ ધાર રે.||૪||
શુદ્ધ અવલંબન આદરે, તજી અવર જંજાળ રે;
તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી સાલ રે.||૫||
ફળ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધિ રે;
સકળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે.||૬||
વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે;
ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈશ્યો આગમ બોધ રે.||૭||
દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે;
જોગ સામથ્ર્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે.||૮||
માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે;
વંદક નિંદક સમ ગણે, ઈસો હોય તું જાણ રે.||૯||
સર્વ જગ જંતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે;
મુગતિ સંસાર બિહુ સમ ગણે, મુણે ભવ જલનિધિ નાવ રે.||૧૦||
આપણો આતમ ભાવ જે, એક ચેતનાધાર રે;
અવર સવિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સાર રે.||૧૧||
પ્રભુ મુખથી ઈમ સાંભળી, કહે આતમરામ રે;
તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્યાં સવિ કામ રે.||૧૨||
અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે;
અમિતફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.||૧૩||
શાંતિ સરુપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રુપ રે;
આગમમાંહિ વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિન ભૂપ રે.||૧૪||