સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર;
ભવમંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ દાનદેવરાવ…
હવે મુજ પાર ઉતાર…||૧||
ત્રણ રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ;
દાન દિયંતા રે પ્રભુ કોસર કિસી, આપો પદવીરે આપ.||૨||
ચરણ અંગૂઠે રે મેરુ કંપાવિયો, મોડ્યા સુરના રે માન;
અષ્ટ કરમના રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન.||૩||
શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કૂખે રતન;
સિદ્ધારથનો વંશ દીપાવિયો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય. ||૪||