શ્રી સંભવજિન સાથે મેં તો, અવિહડ પ્રીતિ બાંધી રે;
છોડાવી છૂટે નહિ એ તો, કોઈ જો આવે પણ આંધી રે;
સાચું માનો સંભવજિનવર, આપનો સેવક જાણી રે. ||૧||
રાત-દિવસ હું તુજને ધ્યાવું, તું તો અળગો બેઠો રે;
સાત રાજનું અંતર છે પણ, ધ્યાને મુજ મન પેઠો રે.||૨||
જેમ રવિ મંડલ રહે ગગનમાં, કમળ રહે જલમાંહી રે;
દૂર થકી પણ વિકસિત થાવે, પ્રીતમ છો દિલ માંહી રે.||૩||
તું પુરુષોત્તમ પરમપુરુષ હૈ, જેતા નેતા દેવા રે;
પરમાનંદ વિલાસી તું હી, આપો શિવસુખ મેવા રે.||૪||
ખોટ નથી ખજાને તારે, રત્નત્રયી મુજ આપો રે;
લળી લળી હું વિનવું પ્રભુજી, કર્મની કાસલ કાપો રે.||૫||