શ્રી સુપાસ જિન વંદીએ, સુખસંપત્તિનો હેતુ લલના;
શાંતસુધારસ જલિનધિ, ભવસાગરમાં સેતુ લલના.||૧||
સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના;
સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના.||૨||
શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન લલના;
જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરુપ અસમાન લલના.||૩||
અલખ નિરંજન વચ્છલુ, સકલજંતુ વિસરામ લલના;
અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના.||૪||
વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ લલના;
નિદ્રા તંદ્રા દુર્દશા, રહિત અબાધિત યોગ લલના.||૫||
પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના;
પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના.||૬||
વિધિ વિરંચિ વિશ્વંભરુ, ઋષિકેશ જગનાથ લલના;
અઘહર અઘમોચન ધણી, મુક્ત પરમપદ સાથ લલના.||૭||