શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉનમ્યો રે,
દીઠા મિથ્યારોરવે રે, ભવિક ચિત્તથી ગમ્યો રે;
શુચિ આચરણા રીતિ તે અભ્ર વધે વડા રે
આતમ પરિણતિ શુદ્ધ તે વિજ ઝબુકડા રે.||૧||
વાજે સુવાયુ તે પાવન ભાવના રે,
ઇંદ્ર ધનુષ ત્રિક યોગ તે ભક્તિ ઈક મના રે;
નિર્મળ પ્રભુ સ્તવ ઘોષ ધ્વનિ ઘનગર્જના રે.
તૃષ્ણા ગ્રીષ્મ કાળ તાપની તર્જના રે.||૨||
શુભ લેશ્યાની આલિ તે બગ પંક્તિ બની રે,
શ્રેણી સરોવર હંસ વસે શુચિ ગુણ મુનિ રે;
ચઉગતિ મારગ બંધ ભવિક નિજ ઘર રહ્યા રે,
ચેતન સમતા સંગ રંગમેં ઉમહ્યાં રે.||૩||
સમ્યદૃષ્ટિ મોર તિહાં હરખે ઘણું રે,
દેખી અદ્ભુત રૂપ પરમ જિનવર તણું રે;
પ્રભુ ગુણનો ઉપદેશ તે જલધારા વહી રે,
ધર્મ રુચિ ચિત્ત ભૂમિ માંહિ નિશ્ચય રહી રે.||૪||
ચાતક શ્રમણ સમૂહ કરે તવ પારણો રે,
અનુભવ આસ્વાદ સકળ દુઃખ વારણો રે;
અશુભાચાર નિવારણ તૃણ અંકુરતા રે,
વિરતી તણો પરિણામ તે બીજની પૂરતાં રે.||૫||
પંચ મહાવ્રત ધાન્ય તણા કરસણ વધ્યા રે,
સાય ભાવ નિજ થાપી સાધનતાએ સાધ્ય રે;
ક્ષાયિક દર્શન જ્ઞાન ચરણ ગુણ ઉપના રે,
આદિક બહુ ગુણ શસ્ય આતમ ઘર નીપના રે.||૬||