શ્રી શાંતિ જિનેશ્વર દીઠો રે, મારા મનમાં લાગ્યો મીઠો રે;
આજ મુખડું એનું જોતાં રે, મારા નયન થયાં પનોતા રે.||૧||
જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની ભાવઠ ખોશે રે;
એનું રુપ જોઈ જે જાણે રે, તેહને સુરનર સહુ વખાણે રે.||૨||
એ તો સાહિબ છે સયાણો રે, મને લાગે એહશું તાનો રે;
એ તો શિવસુંદરીનો રસીયો રે, મારા નયણા માંહે વસીયો રે. ॥૩॥
મેં તો સગપણ એહશું કીધું રે, હવે સઘળું કારજ સિધ્યું રે;
એ તો જીવન અંતરજામી રે, નિરંજન એ બહુ નામી રે.||૪||
ઘણું શું એહને વખાણું રે, હું તો જીવના જીવન જાણું રે;
ઘણું જે એહને મલશે રે, તે તો માણસમાંથી ટળશે રે.||૫||
મનડાં જેણે એહશું માંડ્યાં રે, તેણે ઋદ્ધિવંત ઘર છાંડયા રે;
જેણે એહ ઉપાસ્યા રે, તેણે શિવસુખ કરતલ વાસ્યા રે.||૬||
આશિક જે એહના થાયે રે, તેણે સંસારમાં ન રહેવાશે રે;
ગુણ એહના જે ઘણા ગાશે રે, તે તો આખર નિર્મળ થાશે રે. ॥૭॥