સિદ્ધગિરિ મંડણ પાય નમીજે, રિસહેસર જિનરાય;
નાભિભૂપ મરુદેવા નંદન, જગત જંતુ સુખકાર રે…
હો સ્વામી રે… હો જિનજી રે… હો પ્રભુજી રે…!
તુમ દરિસન સુખકાર, ઋષભજિન! તુમ દરિસન સુખકાર રે!
તુમ દરિસનથી સમકિત પ્રગટે, નિજગુણ ઋદ્ધિ ઉદાર રે.||૧||
ભારે કર્મી પણ તેં તાર્યા, ભવજલધિથી ઉગાર્યા;
મુજ સરીખા કિમ નવિ સંભાર્યા, ચિત્તથી કેમ વિસાર્યા રે.||૨||
પાપી અધમ પણ તુમ સુપસાયે, પામ્યા ગુણ સમુદાય;
અમે પણ તરશું શરણ સ્વીકારી, મહેર કરો મહારાય રે.||૩||
તરણ તારણ જગમાંહિ કહાવો, હું છું સેવક તાહરો;
અવર આગળ જઈને કિમ યાચું, મહિમા અધિક તુમારો રે.||૪||
મુજ અવગુણ સામું મત જુઓ, બિરુદ તમારું સંભાળો;
પતિત પાવન તુમે નામ ધરાવો, મોહ વિડંબણા ટાળો રે.||૫||
પૂર્વ નવ્વાણું વાર પધારી, પવિત્ર કર્યું શુભ ધામ;
સાધુ અનંતા કર્મ ખપાવી, પહોંચ્યા અવિચલ ઠામ રે.||૬||