તાર મુજ તાર મુજ તાર જિનરાજ તું,
આજ મેં તોહિ દેદાર પાયો;
સકલ સંપત્તિ મળ્યો આજ શુભદિન વળ્યો,
સુરમણિ આજ અણચિંત પાયો.||૧||
તાહરી આણ હું શેષ પરે શિર વહું,
નિરવહું ભવભવે ચિત્ત શુદ્ધે;
ભમતાં ભવકાનને સુરતરુની પરે,
તું પ્રભુ! ઓળખ્યો દેવ બુદ્ધે.||૨||
અથિર સંસારમાં સાર તુજ સેવના,
દેવના દેવ! તુજ સેવ સારે;
શત્રુ ને મિત્ર ભાવે બેહુ ગણે,
ભક્તવત્સલ સદા બિરુદ ધારે.||૩||
તાહરા ચિત્તમાં દાસ બુદ્ધે સદા,
હું વસું એહવી વાત દૂરે;
પણ મુજ ચિત્તમાં તુંહિ જો નિત વસે
તો કિશું કીજિયે મોહ શૂરે.||૪||
તું કૃપાકુંભ ભગવંત! તું,
સકલ ભવિલોકને સિદ્ધિદાતા;
ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું,
તું સખા માત ને તાત ભ્રાતા. ||૫||
આતમરામ અભિરામ અભિધાન તુજ,
સમરતાં દાસના દુરિત જાવે;
તુજ વદન ચંદ્રમા નિશદિન પેખતાં,
નયન ચકોર આનંદ પાવે.||૬||
વિશ્વસેનકુલ કમલ દિનકર જિશ્યો,
મન વસ્યો માત અચિરા મલ્હાયો;
શાન્તિ જિનરાજ! શિરતાજ દાતારમાં,
અભયદાની શિરે જગ સવાયો.||૭||