વાસુપૂજ્ય વિલાસી, ચંપાના વાસી,
પૂરો અમારી આશ.. કરું પૂજા હું ખાસી, કેસર ઘાસી,
પુષ્પ સુવાસી, પૂરો અમારી આશ… વાસુપૂજ્ય વિલાસી… (૧)
પૂર્વ ભવે પદ્મકર રાજા, વૈરાગ્ય રંગ અપાર;
રાજ પાટ વૈભવને છોડી, લીધો સંયમ ભાર;
વીશ-સ્થાનક સાધી, જિનપદ બાંધી, સુરગતિ પામી,
પૂરો અમારી આશ… વાસુપૂજ્ય વિલાસી… (૨)
પાંચ કલ્યાણક ચંપાપુરીમાં,
કલ્યાણના કરનાર; મોક્ષમાર્ગ ઉપદેશી પ્રભુજી,
પહોંચ્યા મોક્ષ મોઝાર; એ અંતર્યામી, ત્રિભુવન સ્વામી,
શિવગતિગામી, પૂરો અમારી આશ… વાસુપૂજ્ય વિલાસી… (૩)
ચૈત્યવંદન કરું ચિત્તથી પ્રભુજી,
ગાઉ ગીત રસાળ; એમ પૂજા કરી વિનંતી કરું છું,
આપો મોક્ષ વિશાળ; દિયો કર્મને ફાંસી, કાઢો કુવાસી,
જેમ જાય નાસી, પૂરો અમારી આશ.. વાસુપૂજ્ય વિલાસી… (૪)
આ સંસાર છે ઘોર મહોદધિ, કાઢો અમને બહાર;
સ્વારથના સૌ કોઈ સગા છે, માતા-પિતા પરિવાર;
બાળમિત્ર ઉલ્લાસી, વિજય વિલાસી,
અરજી ખાસી, પૂરો અમારી આશ.. વાસુપૂજ્ય વિલાસી… (૫)