વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માંગું રે;
મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે.||૧||
છઉમત્થ વીર્ય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે;
સૂક્ષ્મ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે.||૨||
અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે;
પુદ્ગલગણ તિણે લેશ્યા વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે.||૩||
ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, યોગક્રિયા નવિ પેસે રે;
યોગતણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન ખેસે રે.||૪||
કામવીર્ય વશે જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે;
શૂરપણે આતમ ઉપયોગી, થાયે તેહ અયોગી રે.||૫||
વીરપણું તે આતમઠાણે, જાણ્યું તુમચી વાણે રે;
ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે.||૬||