વીર વડ ધીર મહાવીર મોટો પ્રભુ,
પેખતાં પાપ સંતાપ નાસે;
જેહના નામ ગુણધામ બહુમાનથી,
અવિચલ લીલ હૈયે ઉલ્લાસે.||૧||
કર્મ અરિ જીપતો દીપતો વીર! તું,
ધીર પરિષહ સહે મેરુ તોલે
સુરે બલ પરખીયો રમત કરી નિરખીયો,
હરખીયો નામ મહાવીર બોલે.||૨||
સાપ ચંડકોશીયો જે મહારોષીયો,
પોષીયો તે સુધા નયન પૂરે;
એવડા અવગુણ શા પ્રભુ મે કર્યા;
તાહરા ચરણથી રાખે દૂર.||૩||
શૂલપાણિ સુરને પ્રતિબોધીયો,
ચંદના ચિત્ત ચિંતા નિવારી;
મહેર ધરી ઘેર પહોતા પ્રભુ જેહને
તેહ પામ્યા ભવ દુ:ખ પારી.||૪||
ગૌતમાદિકને જઈ પ્રભુ તારવા,
વારવા યજ્ઞ મિથ્યાત્વ ખોટો;
તેહ અગિયાર પરિવારશું બુઝવી,
રુઝવી રોગ અજ્ઞાન મોટો.||૫||
હવે પ્રભુ! મુજ ભણી તું ત્રિભુવન ધણી,
દાસ અરદાસ સુણી સામું જોવે;
આપ પદ આપતાં આપદા કાપતાં,
તારે અંશ ઓછું ન હોવે.||૬||