વીર વહેલા આવો રે, ગૌતમ કહી બોલાવો રે,
દરિશણ વહેલા દીજિયે હો જી…
પ્રભુ તું નિઃસ્નેહી હું સસનેહી અજાણ રે.||૧||
ગૌતમ ભણે ભો! નાથ તેં, વિશ્વાસ આપી છેતર્યો;
પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો;
હે જિનજી તારા, ગુપ્ત ભેદોથી અજાણ રે.||૨||
શિવનગર હતું શું સાંકડું, કે હતી નહીં મુજ યોગ્યતા;
જો કહ્યું હોત મુજને, તો કોણ કોઈને રોકતા;
હે જિનજી! હું શું, માંગત ભાગ સુજાણ રે.||૩||
મમ પ્રશ્નના ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે;
કોણ કરશે સાર સંઘની ને, શંકા બિચારી ક્યાં જશે?
હે પુણ્ય કથા કહી, પાવન કરો મમ કાન રે.||૪||
જિન ભાણ અસ્ત થતાં, તિમિર મિથ્યાત્વ સઘળે વ્યાપશે;
કુમતિ જાગશે ને, ચોર ચુંગલ વધી જશે;
હે ત્રિગડે બેસી, દેશના ઘો જગભાણ રે.||૫||
મુનિ ચૌદ સહસ છે તાહરે ને, માહરે વીર તું એક છે;
ટળવળતો મૂકી ગયા મને, પ્રભુ ક્યાં તમારી ટેક છે;
પ્રભુ સ્વપ્નાંતરમાં, અંતર ન ધર્યો સુજાણ રે.||૬||
પણ હું આજ્ઞાવાટે ચાલ્યો, ન મળ્યો ઈણ અવસરે;
હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે;
હું વર વીર કહું, વીર ન ધરે કાંઈ કાન રે.||૭||
કોણ વીર ને કોણ ગૌતમ, નહીં કોઈ કોઈનું કદા;
એ રાગ ગ્રંથિ તૂટતાં, વરજ્ઞાન ગૌતમને થતાં;
હે સુરતરુ સુરમણિ, ગૌતમ નામે નિધાન રે.||૮||