વીરજી સુણો એક વિનંતી મોરી, વાત વિચારો તુમે ધણી રે;
વીર! મને તારો મહાવીર! મને તારો, ભવજલ પાર ઉતારો.||૧||
પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજુએ ન આવ્યો છેડલો રે;
તુમે તો થયા પ્રભુ સિદ્ધ નિરંજન,
અમે તો અનંતા ભવ ભમ્યાં રે. ।। ૨ ।।
તમે અમે વાર અનંતી વેળા, રમિયા સંસારી પણે રે;
તેહ પ્રીત જો પૂરણ પાળો, તો અમને તુમ સમ કરો રે. ॥३॥
તુમ સમ અમને યોગ્ય ન જાણો, તો કાંઈ થોડું દીજિએ રે;
ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે. ॥४॥
ઈન્દ્રજાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દિયો રે;
અર્જુનમાળી જે ઘોર પાપી, તેહને જિન! તમે ઉદ્ધર્યો રે.॥५॥
ચંદનબાળાએ અડદના બાકુળા, પડિલાભ્યા તમને પ્રભુ રે;
તેહને સાહુણી સાચી રે કીધી, શિવવધૂ સાથે ભેળવી રે. ॥६॥
ચરણે ચંડકોશિયો ડસિયો, કલ્પ આઠમે તે ગયો રે;
ગુણ તો તમારા પ્રભુ મુખથી સુણીને,
આવી તુમ સન્મુખ રહ્યો રે. ॥૭॥
નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણો રે;
ભેદભાવ પ્રભુ! દૂર કરીને, મુજશું રમો એકમેકશું રે.||૮||