Manilakshmi Jain Tirth
Baroda-Bhavnagar Highway,
Near Tarapur Chowkdi, Manej Gaon,
Taluka Petlad, Anand,
Gujarat 388150
Contact number : 076220 02411
Email id : [email protected]
મણીલક્ષ્મી તીર્થ એટલે વડોદરા-ભાવનગર હાઇવે પર આવેલ આશરે ૪૪ એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ…
જેમ તીર્થંકર કે મહાસાધકોની તપોભૂમિને ‘તીર્થ’ કહેવાય, તેમ પૂર્વાચાર્યોએ રચેલ તીર્થમાળાઓ, રાસો, વિવિધ તીર્થકલ્પો વગેરેનો અભ્યાસ કરતાં એવું પણ સ્પષ્ટપણે નિર્ણિત થાય છે કે : “જે જિનાલય વિશિષ્ટ પ્રભાવશાળી, ચમત્કારિક પ્રતિમાથી અધિષ્ઠિત હોય, જેનું નિર્માણ તે કાળના વિધમાન અન્ય જિનાલયોથી અલૌકિક, ભવ્ય અને આશ્ચર્યકારી રીતે થયું હોય, જ્યાંનું વાતાવરણ-સંયોજના તેવા પ્રકારની હોય કે જ્યાં આગમન માત્રથી ભવ્યાત્માઓ ભાવવિભોર થઇ પ્રભુભક્તિમાં તરબોળ થઇ જતા હોય તેવા વિશિષ્ટ કોટીના અભિનવ એવા દર્શનશુદ્ધિ કરનારા જિનાલયને પણ ‘તીર્થ’ તરીકે નવાજી શકાય છે.” શાસ્ત્રકારો પણ આવા સ્થાનોને ‘અતિશયક્ષેત્ર’ તરીકે માન્યતા આપે છે. આ જ શાસ્ત્રીય ધારાધોરણને સામે રાખીને પ્રસ્તુતમાં મણીલક્ષ્મી સંકુલને ‘મણીલક્ષ્મી તીર્થ’ તરીકે નામકરણ કરેલ છે.
મણીલક્ષ્મી તીર્થના સંકુલમાં આ જિનાલય આશરે ૩૧૦૦૦ ચો.ફૂ. વિસ્તારમાં પથરાયેલું છે. પધારેલા પ્રભુભક્તોને પ્રાકૃતિક આનંદમાં રસતરબોળ કરવા જિનાલયની આસપાસ ચારે તરફ આશરે હજારો ચો.ફૂ.ની વિશાળ જગ્યામાં એક રમણીય ઉદ્યાનની સંયોજના કરેલ છે. શિલ્પશાસ્ત્ર અનુસારે આ જિનાલય ‘સભ્રમ પ્રાસાદ’ કહેવાય છે. ‘સભ્રમ’ એટલે ‘ભમતીયુક્ત જિનાલય’ સામાન્યતઃ દરેક દેરાસરોની પ્રદક્ષિણા દેરાસરની બહાર નીકળીને આજુબાજુ ફરવાની હોય છે, જયારે સભ્રમ પ્રાસાદમાં ગર્ભગૃહ (ગભારા) નો આજુબાજુનો વિસ્તાર દેરાસરમાંજ સમાયેલો હોય છે, માટે પ્રદક્ષિણા દેરાસરની અંદરના ભાગમાં જ ફરવાની હોય છે. આ બાંધણી દેરાસરને આપમેળે વિશાળતા અર્પે છે. આ પ્રદક્ષિણાયુક્ત ગર્ભગૃહ (ગભારા) ના આશરે સવા હજાર ચો.ફૂ.ના સમગ્ર વિસ્તારને આવરી લેતી તે દીવાલો ઉપર ઉપર જતી અંતે ઉન્નત શિખરરૂપે પરિવર્તિત થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં ચોવીસે તીર્થંકરોના પોતપોતાના ચોક્કસ પ્રાસાદોનું વર્ણન કરવામાં આવ્યું છે.દરેક પ્રકારનાં પ્રાસાદની બાંધણીનાં વિશેષ નીતી-નિયમો દર્શાવેલા હોય છે. જે તીર્થંકરોનો જે પ્રાસાદ નિયત કરેલો હોય તે પ્રાસાદોનો નિર્માણ કરી તે જ તીર્થંકરને તેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેમનો પ્રભાવ ઉત્તરો ઉત્તર વધતો જ રહે છે તેવી વાસ્તુશાસ્ત્ર બાંહેધરી આપે છે. જેમ કે, ‘કમલભૂષણ’ પ્રકારના પ્રાસાદમાં આદિનાથ પ્રભુને બિરાજમાન કરવા ‘કામદાયક’ નામનાં પ્રાસાદમાં આદિનાથ પ્રભુને ‘પાર્શ્વવલ્લભ’ પ્રાસાદ શોભે છે વગેરે… જયારે ‘સર્વતોભદ્ર’ પ્રાસાદમાં કોઈપણ તીર્થંકર પ્રભુને પ્રતિષ્ઠિત કરી શકાય છે.
વર્તમાનના બધા જ જિનાલયો તે તે તીર્થંકરોના પ્રાસાદોને ધ્યાનમાં લઈને જ નિર્મિત થયા હોય તેવો નિયમ નથી. કારણકે નિયત પ્રાસાદ કરવા જાવ તો તન, મન, ધન બધીજ રીતે વધારે મહેનત કરવી પડે. માટે બહુધા દેરાસરો ‘સર્વતોભદ્ર’ પ્રાસાદ રૂપે જ નિર્માણ થયેલા હોય છે. આપણું જિનાલય ‘માનસંતુષ્ટિ’ પ્રકારનાં પ્રાસાદરૂપ છે. જે માત્ર મુનિસુવ્રતસ્વામી માટે જ વાસ્તુશાસ્ત્રમાં નિયત કરેલ છે અર્થાત આ જિનાલયમાં શિલ્પશાસ્ત્ર બન્નેનો સુમેળ કરવામાં આવ્યો છે.
આ જિનાલય નીચે અને ઉપર એમ બે મજલવાળું છે. સાથે જેટલી વિશાળતા ભોંયતળીયાના મંડપમાં છે તેટલીજ વિશાળતા ઉપર પણ રાખવામાં આવી છે. આ ભવ્ય જિનાલયમાં ગૂઢમંડપમાં અને રંગમંડપ બન્નેનું અલગ અલગ નિર્માણ કરેલ છે. દેરાસરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ નૃત્યમંડપમાં પ્રવેશે છે. જે આશરે ૫૦૦૦ ચો.ફૂ.નો છે. જયારે આગળ જતા તે ૩૫૦૦ ચો.ફૂ. વિશાળ અને ૬૩ ફૂટ ઊંચા ધુમ્મટવાળા ‘ગૂઢમંડપ’ માં પ્રવેશે છે. જ્યાં ઉપરની કોતરણી જોનારને આશ્ચર્યમાં મૂકી દે છે. અને સામેજ ૨૫૦ ચો.ફૂ. ના વિશાળ ગર્ભગૃહમાં રાજરાજેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી બાદશાહી ઠાઠથી શોભી રહ્યા છે. જેની ઉપર એટલા જ વિશાળ ગૂઢમંડપઅને ગર્ભગૃહવાળુ બીજુ જીનમંદિર છે જેમાં સર્વવાંછિતદાયક શ્રી નામીનાથ પ્રભુ ભક્તોને આહ્વાન કરી રહ્યા છે. મુખ્ય જીનાલયની ડાબી અને જમણી બાજુએ બે દેવકુલિકાઓને રચના કરી છે તેવી જ રીતે ઉપર પણ ડાબી અને જમણી બાજુએ દેવકુલિકાઓ છે. આ જીનનાલય ત્રણ શિખરોથી યુક્ત છે. જેમાં મુખ્ય શિખર કુલ ૮૫ કળશોથી વીંટળાએલું છે.
આ જીનનાલયમાં ઝીણી નકશીવાળા, જુદી – જુદી અંગભંગીઓથી શોભતી નૃત્યાંગનાઓવાળા ૨૦૦ થી વધુ થાંભલાઓનું અદ્વિતીય સોંદર્ય ધરાવે છે. આ જીનાલય બહારની તરફ આશરે ૭૨ ઝરુખોથી ભવ્યાત્માને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. આ જીનનાલયનું શિખર ૧૩૪.૧ ફૂટની ઊંચાઈવાળુ છે. અને ધજાદંડ તો તેથી પણ ૩૩.૧૧ ફૂટ ઊંચો આવશે. આ ઉત્તુંગ શિખર આજુબાજુના પાંચ કિ. મી. દુરથી પણ દેખાય છે. આવી તો બીજી અનેક વિશેષતાઓ જીનાલયમાં સમાયેલી છે. અહીં તો માત્ર થોડી ઝાંખી કરવી છે. બાકી તો ‘ જે જુએ તે જ માણે’ તે ઉકિતને સાર્થક કરતો આ જીનાલયનો બેનમૂન નજારો છે. આવી અનેક અદ્વિતીય વિશેષતાથી ભરપૂર આ જિનાલયને ‘તિર્થ’ નું ગૌરવ આપ્યું તે ઉચિત જ છે ને