Categories : Aatami Aalamban Trik, Jain Vidhi Eighth Aalamban Trik 8 આલંબન ત્રિક : આલંબન ત્રિક ↑ મનને સૂત્રાર્થનું વચનને સૂત્રોચ્ચારનું કાયાને જિનબિંબનું આલંબન આલંબન આલંબન આલંબન ચૈત્યવંદન દરમ્યાન મન/વચન/કાયાના તોફાની ઘોડા ઉન્માર્ગે ચાલ્યા ન જાય તે માટે તે ત્રણેય યોગના ઘોડાઓને ત્રણ આલંબનોના આલાનસ્થંભ સાથે બાંધી દેવાના છે. મનના ઘોડાને સૂત્રના અર્થનાં આલંબને બાંધવો. વચનના ઘોડાને સૂત્રના શુદ્ધ ઉચ્ચારના આલંબને બાંધવો. કાયાના ઘોડાને જિનબિમ્બના તથા ચૈત્યવંદનની વિવિધ મુદ્રાઓનાં આલંબને બાંધી દેવો. આમ ત્રણેય યોગને વિવિધ આલંબનો દ્વારા સ્થિર કરીને ભક્તિયોગમાં તદાકાર બનવું. તેનું નામ છે આલંબન ત્રિક. કેટલાક સુપરફાસ્ટ ટ્રેનની જેમ ધડાધડ સૂત્રો બોલી જતા હોય છે. તેમાં અર્થ તો અવધારી શકાતો જ નથી પરંતુ સૂત્રના પદ અને સંપદા વગેરે પણ જળવાતાં નથી. આલંબન એટલે આધાર ! કોઈપણ આરાધના આધાર -આલંબન વિના થઈ શકતી નથી. માનવનું મન જ એવું છે કે એ આધાર વિના એકાકાર કરવું મુશ્કેલ છે. જો આ મળી જશે તો પછી તલ્લીન થઈ જતાં વાર નહિ લાગે. નાનું બાળક જયારે રડે છે ત્યારે તેના હાથમાં એકાદ રમકડું પકડાવી દેવાથી બધું ભુલી જશે. અને રમકડાં સાથે રમવામાં તલ્લીન બની જશે. ઘરઘરમાં આજે ટી.વી. વીડીયોનાં સાધનો ગોઠવાયાં છે. નાના- મોટા સહુ કોઈ સીરીયલો જોવામાં કેવા તદાકાર બની જાય છે. બાજુમાં શું ચાલે છે તેની ખબર શુદ્ધાં નથી પડતી. માટે જ ઈન્ડિયામાં વધારે ચોરીઓ રાત્રે નહિ પણ દિવસે સીરીયલોના ટાઈમે થાય છે. માણસ ટી.વી.ના આલંબનમાં એવો તલ્લીન બની જાય છે કે ચોર કયારે આવ્યો, કયારે ગયો તેની ખબર જ પડતી નથી. જિનાલયમાં પણ નજર સમક્ષ પરમાત્મા અરિહંત દેવાધિદેવના ભવ્યાતિભવ્ય જિનબિંબનું આલંબન છે. એ આલંબનના આધારે ચિત્તને પ્રભુમાં સ્થિર કરવાનું છે. દુનિયાનો આલંબનો લઈને જીવે માત્ર કર્મનું સર્જન કર્યું છે. મન બગાડયું છે. આત્માને ભારે બનાવ્યો છે. દિવસ દરમ્યાન નાનું અમથું નિમિત્ત મળશે તો માણસ ત્યાં સ્થિર થઈ જશે. રસ્તા વચ્ચે જો મદારીનો ખેલ ચાલતો હોય અને નાગ ડોલતો હોય તો માણસ ત્યાં જોવા ઉભો રહી જશે. કોઈ વાનરનો ખેલ ચાલતો હશે કે કોઈ જાદુગરનો જાદુ ચાલતો હશે તો માણસ ત્યાં જામી જશે. ટાઈમ કયાં જતો રહેશે, એની ખબર શુદ્ધાં નહિ પડે. આમ જગતના આલંબનોમાં ચિત્તને ઘણીવાર દૂષિત અને મલીન કર્યું છે. હવે પ્રભુના જિનાલયમાં આવા ચંચળ અને મલીન મનને આરાધનામાં સ્થિર કરવા માટે આલંબનત્રિકનો ઉપયોગ કરવાનો છે.