5 અવસ્થા ત્રિક :
અવસ્થા ત્રિક
↑
પિંડસ્થ પદસ્થ રૂપાતીત
↑ ↑ ↑
જન્મઅવસ્થા રાજયઅવસ્થા શ્રમણઅવસ્થા
અવસ્થા :
અવસ્થા એટલે જીવનની ઘટનાઓ.
માણસ પોતાની જીંદગીની
નાની મોટી ઘટનાઓને વર્ષો
સુધી વાગોળ્યા કરે છે.
એપેન્ડીક્ષના નાનકડા ઑપરેશનને
બીજાઓ પાસે વારંવાર
ગા ગા કરશે.
પોતાના લગ્નપ્રસંગને વીડીયો
કેમેરામાં કેચપ કરીને
વર્ષો લગી ટી.વી.
પર ડોળા ફાડીને જોયા કરશે.
નાનકડા સ્વીટુનો દૂધ પીતો
ફોટો પાડીને લેમીનેશન કરાવીને
દીવાલ પર ચીપકાવી રાખશે.
સ્વીટી કે સીલ્કી રડશે તો
તેનો અવાજ ટેપ કરી રાખશે.
કોક સભામાં હારતોરા થયા
હશે તેના ફોટા દિવસમાં
દશવાર જોયા કરશે.
જુવાનીમાં પોતાના વાળ કેવા
સરસ હતા અને પોતાની કાયા
કેવી હેન્ડસમ હતી એની વાતો કરતાં
એંસી વરસે પણ
માણસ થાકતો નથી.
કયારેક પોતાના રૂપની
ડંફાસો મારશે તો
કયારેક પોતાની બહાદુરીની,
શૂરવીરતાની ફિશીયારીઓ માર્યા કરશે.
આમ માણસ પોતાની
જાતને જ જોયા કરે છે.
વિચાર્યા કરે છે.
વર્ણવ્યા કરે છે.
એને કયારેય જગતત્પતિ
યાદ આવતા નથી.
આપણી જાતના ઘણા વિચાર કર્યા.
હવે જગત્પતિની અવસ્થાનો
વિચાર કરવાનો છે.
સ્વઅવસ્થાનો વિચાર કર્મબંધનું
કારણ છે જયારે
પરમાત્માની અવસ્થાનો વિચાર
કર્મવિચ્છેદનું કારણ છે.
સ્વઅવસ્થાનો વિચાર એ આર્તધ્યાન છે.
જયારે પરમાત્માની અવસ્થાનો
વિચાર એ ધર્મધ્યાન છે
બાલ્યાવસ્થાથી માંડીને નિર્વાણ
પર્યંતનું પ્રભુનું જીવન
એક ચમત્કાર છે.
કયાંય જોવા સાંભળવા ન
મળે એવી અચિંત્ય ઘટનાઓ
પરમાત્માના જીવનમાં ઘટી છે.
બાલ્યાવસ્થામાં દેવેન્દ્રો દ્વારા થયેલો
જન્માભિષેક, યુવાવસ્થામાં નરેન્દ્રો દ્વારા
થયેલો રાજયાભિષેક અને આવા
શાહી ઠાઠ વચ્ચે પણ પરમાત્માનો
ઉત્કૃષ્ટ કક્ષાનો ઉદાસીન ભાવ! શ્રમણ
જીવનની સાધના ! કૈવલ્યની પ્રાપ્તિ
અને અંતે પરિનિર્વાણ વગેરે દરેક
ઘટનાઓ વારંવાર વિચારવા યોગ્ય છે.
પ્રભુની કઈ અવસ્થાઓ કેવી રીતે
વિચારવી તે તમને અવસ્થાત્રિક
દ્વારા જાણવા મળશે.
પરમાત્માના જન્મથી માંડીને
નિર્વાણ સુધીની કુલ
પાંચ અવસ્થાઓનો વિચાર
આ ત્રિક દ્વારા કરવાનો છે.
અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ કર્યા
બાદ ભાવપૂજા (ચૈત્યવંદન)
શરૂ કરતાં પહેલાં આ અવસ્થા
ત્રિકનું ભાવન કરવાનું છે.
પરમાત્માની વિભિન્ન-અવસ્થાઓને
યાદ કરવા માટે
પરિકરમાં રહેલાં વિવિધ
ચિહ્નોનું આલંબન લેવામાં આવે છે.
1 પિંડસ્થ અવસ્થાનો ભેદ
(જન્મ, રાજય, શ્રમણ)
A. જન્મઅવસ્થા : દેવાધિદેવની પ્રતિમા
ઉપર રહેલ પરિકરમાં હાથી
પર ભેઠેલા દેવોને તથા
હાથીની સૂંઢમાં રહેલા કળશને
જોઈને પરમાત્માની જન્મઅવસ્થા વિચારવી.
હે પરમાત્મા ! ત્રણ જ્ઞાન સાથે
આપ જયારે માતાના ઉદરમાં પધારો છો
ત્યારે ક્ષણભર વિશ્વના જીવાત્માઓને
સુખનું સંવેદન થાય છે.
માતાને અનુપમ ચૌદ-ચૌદ
મહાસ્વપ્નોનું દર્શન થાય છે.
ઈન્દ્ર મહારાજાનું અચલ સિંહાસન
પણ ચલાયમાન થાય છે.
ઈન્દ્ર મહારાજા રત્નજડિત મોજડીને
ઉતારી દઈ સાત કદમ
આગળવધીને શક્રસ્તવ વડે
આપની સ્તુતિ કરે છે.
તિર્યક્ જજુંભક દેવતાઓ દટાયેલાં
પ્રાચીન નિધાનોને લાવીને
રાજભંડાર છલકાવી દે છે.
ગર્ભમાં રહ્યા રહ્યા પણ
આપ વિશ્વસ્થિતિનું અવલોકન કરતાં
સદા ઉદાસીન ભાવને
ધારણ કરો છો.
હે વિશ્વોપકારક વિભુ !
જયારે આપ જન્મ
પામો છો, ત્યારે મહાસૂર્યની
જેમ સર્વત્ર સુખનો
પ્રકાશ રેલાવો છો.
આપનો જન્મ થયાની જાણ
થતા ૫૬ દિગકુમારિકાઓ જન્મોત્સવ
કરવા માટે દોડી આવે છે.
વાયુ વિકુર્તીને જન્મસ્થળની
આસપાસ એક યોજન પ્રમાણ
ભૂમિ સાફ કરે છે.
સુગંધી જલનો છંટકાવ કરે છે.
ત્રણ કદલીગૃહ (કેળનાં ઘર)
બનાવીને આપને તથા આપની
માતાને સ્નાન કરાવીને
વસ્ત્ર અલંકાર પહેરાવે છે.
અરણીનાં કાષ્ટ ઘસી, અગ્નિ પેટાવી,
ચંદનનો હોમ કરી, રક્ષાપોટલી બાંધે છે.
મંગલ અને કૌતુકાદિ
કરી ભક્તિભીના હૈયે
યથાસ્થાને પાછી ફરે છે.
સૂતિકર્મ પૂર્ણ થયા બાદ
ઈન્દ્ર મહારાજા સમગ્ર
પરિવાર સાથે પધારે છે.
પંચરૂપ કરીને, હે પ્રભુ!
આપને મેરુશિખર પર
લઈ જાય છે.
ગંગોદક, ગંધોદક, ક્ષીરોદક,
તીર્થોદક મંગાવીને ૧ કરોડ ૬૦
લાખ કળશો વડે આપને પૂજે છે.
દેવદુંદુભિના નાદ ગજવે છે,
ગીતગાન અને નૃત્ય કરે છે.
જન્માભિષેક પૂર્ણ કરીને પુનઃ
માતાની પાસે આપને પધરાવે છે.
અને ભક્તિસભર હ્રદયે ઈન્દ્ર
મહારાજા માતાને જણાવે છે કે –
‘પુત્ર તમારો, સ્વામી અમારો,
અમ સેવક આધાર’ “હે જગતજનની !
હે વિશ્વદીપકને ઘરનારી !
હે રત્નકુક્ષી ! આ બાળક
તમારો પુત્ર ભલે હોય
પરંતુ અમારો સ્વામી
પણ આ જ છે.
અને અમારા જેવા રંક સેવકોનો
પરમ આધાર પણ આ જ છે.”
હે વિભુ! ભાલ્યાવસ્થાથી ઈન્દ્રોનાં
આવાં સન્માન અને સત્કાર
મળવા છતાંય આપના અંતરને:
અભિમાનનો લેશ પણ
સ્પર્શ થઈ શકતો નથી.
ધન્ય છે આપના શૈશવને !
ધન્ય છે આપના અનાસક્તભાવને !
ધન્ય છે આપને !
ધન્ય છે આપની જનેતાને !
જન્માદિ પાંચેય અવસ્થાઓને
ભાવવા માટે અરિહંત
વંદનાવલીના ચૂંટેલા શ્લોકો
યથાસ્થાને મૂકયા છે,
જે કંઠસ્થ કરી લેવા.
જન્મઅવસ્થાના શ્લોકો
(મંદિર છો મુક્તિતણા)
જે ચૌદ મહાસ્વપ્નો
થકી નિજમાતને હરખાવતા,
વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને
ગોપવી અવધારતા,
ને જન્મતાં પહેલાં જ
ચોસઠ ઈન્દ્ર જેને વંદતા,
એવા પ્રભુ અરિહંતને
પંચાંગ ભાવે હું નમું. 1.
મહાયોગના સામ્રાજયમાં
જે ગર્ભમાં ઉલ્લાસતા,
ને જન્મતાં ત્રણ લોકમાં
મહાસૂર્ય સમ પરકાશતા,
જે જન્મકલ્યાણક વડે સૌ
જીવને સુખ અર્પતા. 2.
છપ્પન દિકુમરી તણી
સેવા સુભાવે પામતા,
દેવેન્દ્ર કરસંપુટ મહીં
ધારી જગત હરખાવતા,
મેરુશિખર સિંહાસને જે
નાથ જગના શોભતા. 3.
કુસુમાંજલિથી સુર અસુર
જે ભવ્ય જિનને પૂજતા,
ક્ષીરોદધિના ન્હવણજલથી
દેવ જેને સીંચતા,
વળી દેવદુંદુભિ નાદ ગજવી
દેવતાઓ રીઝતા. 4.
મઘમઘ થતા ગોશીર્ષ
ચંદનથી વિલેપન પામતા,
દેવેન્દ્ર દૈવી પુષ્પની
માળા ગળે આરોપતા,
કુંડલ, કડાં, મણિમય
ચમકતાં હાર મુકુટે શોભતા. 5.
ને શ્રેષ્ઠ વેણુ મોરલી
વીણા મૃદંગતણા ધ્વનિ,
વાજિંત્ર તાલે નૃત્ય કરતી
કિન્નરીઓ સ્વર્ગની,
હર્ષેભરી દેવાંગનાઓ નમન
કરતી લળી લળી. 6.
B. રાજયાવસ્થા : પરિકરમાં માળા
પકડીને ઉભેલા દેવાત્માઓને જોઈને,
પરમાત્માની રાજયાવસ્થા વિચારવી.
હે રાજરાજેશ્વર ! આપ રાજયકુલમાં
જ જન્મ પામ્યા હતા.
આજન્મ આપ વિશાળ સત્તા
અને સમૃદ્ધિના સ્વામી હતા.
બાલ્યવયમાં અનેક રાજકુમારો
આપની દોસ્તી કરીને સદા
સેવક બનીને રહેતા હતા.
પાંચ પ્રકારનાં ઈન્દ્રિયસુખો
હાજર હોવા છતાં
એમાં આપ ક્યાંય
લેપાયા ન હતા.
વિરાટ રાજયલક્ષ્મી મળવા છતાંય
ભોગી ન બનતાં આપે
યોગી બનવાનું પસંદ કર્યું હતું.
વિવાહનું મીંઢળ અને
રાજયનું તિલક ઘારણ
કરીને પણ આપે
કર્મનું કાસળ કાઢવાનું
જ કામ કર્યું હતું.
યુવાવસ્થામાં આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવને
ધારણ કરનારા ઓ રાજરાજેશ્વર !
આપના ચરણે કોટિ કોટિ વંદન!
રાજયાવસ્થાના શ્લોકો
મૂર્છા નથી પામ્યા મનુજના
પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ
જેની રાજયનીતિથી પ્રજા સુખચેનમાં,
વળી શુદ્ધ અધ્યવસાયથી જે
લીન છે નિજભાવમાં, 1.
પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે
સહજ વર વિરાગવંત,
ને દેવલોકાંતિક ધણી ભક્તિ
થકી કરતા નમન,
જેને નમી કૃતાર્થ બનતા
ચારગતિના જીવગણ. 2.
આવો પધારો ઈષ્ટવસ્તુ
પામવા નરનારીઓ,
એ ઘોષણાથી અર્પતા
સાંવત્સરિક મહાદાનને, ને
છેદતા દારિદ્રય સૌનું
દાનના મહાકલ્પથી. 3.
C. શ્રમણ અવસ્થા : પરિકરમાં રહેલ
જિનપ્રતિમાજીનું મુંડમસ્તક
(કેશરહિત) જોઈને
પરમાત્માની શ્રમણ અવસ્થા વિચારવી.
હે મુનીશ્વર ! આપના દીક્ષા
અવસરની જાણ થતાં નવલોકાંતિક
દેવો આપની સેવામાં ઉપસ્થિત
થાય છે અને આ પ્રમાણે
વિનંતિ કરે છે,જય જય
નંદા! જય જય ભદ્દા !
જય જય ખતિય વર
વસહા! હે પરમતારક પ્રભુ!
આપ જય પામો, જય પામો!
હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ ઋષભ સમાન પ્રભુ!
આપ જય પામો, જય પામો!
હે ત્રણ લોકના નાથ!
આપ બોધ પામો!
આપ સંયમધર્મને સ્વીકારો !
કર્મ ખપાવી કેવલજ્ઞાનને
પ્રાપ્ત કરો અને
સકલ જગતના જીવોનું
હિત કરનારા ધર્મતીર્થની
સ્થાપના કરો!’
હે પ્રભુ ! વર્ષીદાન દ્વારા જગતનું દ્રવ્ય
દારિદ્રય દૂર કરીને આપ સંયમ
માર્ગે પ્રયાણ કરો છો,
ત્યારે ઈન્દ્રાદિક દેવો
દીક્ષાઅભિષેક મહોત્સવ ઉજવવા
દોડી આવે છે.
વિરાટ પાલખીમાં આપને
બેસાડી પોતાના ખભે
ઉચકીને જ્ઞાતખંડાદિ ઉદ્યાનોમાં
લઈ આવે છે.
હે વિભુ ! આપ ત્યારે
સર્વ અલંકારોનો ત્યાગ
કરી પંચમુષ્ટિ લોચ કરી,
સર્વવિરતિધર્મને સ્વીકારો છો.
તે જ ઘડીએ ‘નમો સિદ્ધાણં’
પદનો ઉચ્ચાર કરતાં જ આપ ચોથું
મનઃપર્યવજ્ઞાન સંપ્રાપ્ત કરો છો.
શ્રમણ જીવન સ્વીકારીને થોર
ઉપસર્ગો પરિસહોને સહન કરીને
અંતે આપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો છો.
1. પરમાત્માની જન્મ અવસ્થા,
મેરુશિખરપર ઈન્દ્રો
દ્વારા અભિષેક
2. પ્રભુની રૂપાતીત અવસ્થા, નિર્વાણ
3. પ્રભુની રાજય અવસ્થા રાજયાભિષેક
4. પ્રભુની શ્રમણ અવસ્થા, દીક્ષા સ્વીકાર
5. પ્રભુની પદસ્થ અવસ્થા, સમવસરણ
શ્રમણ અવસ્થાના શ્લોકો
દીક્ષા તણો અભિષેક
જેનો યોજતા ઈન્દ્રો મળી,
શિબિકા સ્વરૂપ વિમાનમાં
વિરાજતા ભગવંતશ્રી,
અશોક, પુન્નાગ, તિલક,
ચંપા વૃક્ષ, શોભિત વનમહી. 1.
શ્રી વજ્રઘર ઈન્દ્રે રચેલા
ભવ્ય આસન ઉપરે,
બેસી અલંકારો ત્યજે
દીક્ષા સમય ભગવંત જે,
જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ
વિભુ નિજ કરવડે. 2.
લોકાગ્રગત ભગવંત સર્વે
સિદ્ધને વંદન કરે,
સાવધ સઘળા પાપયોગોના
કરે પચ્ચક્ખાણને,
જે જ્ઞાન-દર્શનને મહાચારિત્ર
રત્નત્રયી ગ્રહે. 3.
કુંજર સમા શૂરવીર જે
છે સિંહસમ નિર્ભય વળી,
ગંભીરતા સાગર સમી
જેના હૃદયને છે વરી,
જેના સ્વભાવે સૌમ્યતા
છે પૂર્ણિમાના ચંદ્રની.4.
જે શરદઋતુનાં જળસમા
નિર્મળ મનોભાવો વડે,
ઉપકાર કાજ વિહારકરતા
જે વિભિન્ન સ્થળો વિષે,
જેની સહનશક્તિ સમીપે
પૃથ્વી પણ ઝાંખી પડે. 5.
બહુ પુણ્યનો જયાં ઉદય
છે એવા ભવિકના દારને,
પાવન કરે ભગવંત નિજ
તપ છઠ્ઠું અક્રમ પારણે,
સ્વીકારતા આહાર બેંતાલીસ
દોષ વિહીન જે.6.
2 પદસ્થ અવસ્થા :
પરિકરમાં ઉપરના ભાગમાં
રહેલી કલ્પવૃક્ષની પાંદડીઓ
તેમ જ અષ્ટપ્રાતિહાર્યનાં ચિહ્નો
જોઈને પરમાત્માની પદસ્થ
અવસ્થા વિચારવી.
હે યોગીશ્વર ! આપને કેવલજ્ઞાનની
પ્રાપ્તિ થતાં જ ઈન્દ્રાદિ
દેવો દોડી આવે છે.
રજત, સોના
અને મણિરત્નોથી યુક્ત
એવાં ત્રણ ગઢવાળા
સમવસરણની રચના કરે છે.
વચ્ચે અશોકવૃક્ષને સ્થાપે છે.
ચારેકોર ત્રણ-ત્રણ છત્ર લટકાવે છે.
દેવદુંદુભિના નાદ ગજાવે છે.
પુષ્પવૃષ્ટિ કરે છે.
ચારે દિશામાં સિંહાસન સ્થાપિત કરે છે.
ઈન્દ્રધ્વજ અનેધર્મચક્રની સ્થાપના કરે છે.
નવ સુવર્ણકમળ પર પગ
સ્થાપિત કરતા આપ સમવસરણમાં
પધારીને માલકોશ આદિ રાગમાં દેશના
દેવાનો પ્રારંભ કરો છો.
દેવતાઓ તે સમયે વાંસળીઓ
વડે પાર્શ્વ સંગીત વગાડે છે.
આપની દેશનાનું અમૃતપાન
કરતાં હજારો નરનારીઓના
હૃદયમળ ધોવાઈ જાય છે.
બીજબુદ્ધિના ઘણી ગણાતા
ગણધર ભગવંતના આત્માઓ
દેશનાથી પ્રતિબોધ પામી
પ્રવ્રજયા સ્વીકારે છે.
ત્રિપદીને પ્રાપ્ત કરી
દ્વાદશાંગીની રચના કરે છે.
ગણધરોના મસ્તકે વાસનિક્ષેપ
કરીને આપ ચતુર્વિઘસંધની
સ્થાપના કરો છો.
અનંત ઉપકારોની હેલી વરસાવનારા હે
વિભુ! આપનાં પાદકમળમાં અમારી
કોટિ કોટિ વંદના!
પદસ્થ અવસ્થાના શ્લોકો
જે પૂર્ણ કેવળજ્ઞાન
લોકાલોકને અજવાળતું.
જેના મહાસામર્થ્ય કેરો
પાર કો નવ પામતું,
એ પ્રાપ્ત જેણે ચારઘાતી
કર્મને છેદી કર્યું. 1.
જે રજતસોનાને અનુપમ
રત્નના ત્રણ ગઢ મહી,
સુવર્ણના નવપદ્મમાં પદકમલને
સ્થાપન કરી, ચારે દિશા મુખ
ચાર ચાર સિંહાસને જે શોભતા. 2.
મહાસૂર્ય સમ તેજસ્વી શોભે
ધર્મચક્ર સમીપમાં, ભૂમંડલે પ્રભુપીઠથી
આભા પ્રસારી દિગંતમાં,
ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો
અર્ધ્ય જિનને અર્પતા. 3.
જયાં દેવદુંદુભિ ઘોષ
ગજવે ઘોષણા ત્રણલોકમાં,
ત્રિભુવન તણા સ્વામીતણી
સૌએ સુણો શુભદેશના,
પ્રતિબોધ કરતા દેવ
માનવને વળી તિર્યંચને.4.
જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ
ને બલભદ્ર સહુ,
જેનાં ચરણને ચક્રવર્તી
પૂજતા ભાવે બહુ,
જેણે અનુત્તર વિમાનવાસી
દેવના સંશય હણ્યા. 5.
રૂપાતીત અવસ્થા :
પરિકરમાં કાઉસ્સગ્ગમુદ્રામાં ઉભેલી
બે જિનપ્રતિમાઓને જોઈ
પરમાત્માની સિદ્ધ અવસ્થા વિચારવી.
હે પરમાત્મન્ ! જગત્
પર ઉપકાર કરતાં કરતાં
જયારે આપનું આયુષ્યકર્મ
ક્ષીણ થવા આવે છે
ત્યારે આપ શૈલેશીકરણ કરી,
સર્વ કર્મોને ખપાવી,
શાશ્વત સુખ અર્પતી,
સિદ્ધિગતિને પ્રાપ્ત કરો છો,
સાદિ અનંતકાળ પર્યંત
અક્ષય સુખોમાં મહાલતા,
સ્વભાવમાં રમણ કરતા
આપ આખાય વિશ્વને
નિહાળો છો. નમસ્કાર હો
આપના એ નિષ્કલંક સિદ્ધસ્વરૂપને !
રૂપાતીત અવસ્થાના શ્લોકો
હર્ષે ભરેલા દેવનિર્મિત
અંતિમે સમવસરણે,
જે શોભતા અરિહંત
પરમાત્મા જગતઘર આંગણે,
જે નામના સંસ્મરણથી
વીખરાય વાદળ દુઃખનાં. 1.
જે કર્મનો સંયોગ
વળગેલો અનાદિ કાળથી,
તેથી થયા જે મુક્ત
પૂરણ સર્વથા સદ્ભાવથી,
રમમાણ જે નિજરૂપમાં
સર્વજગતનું હિત કરે. 2.
જે નાથ ઔદારિક વળી
તૈજસ તથા કાર્મણ તનુ,
એ સર્વને છોડી અહિ
પામ્યા પરમપદ શાશ્વતું,
જે રાગદ્વેષ જળેભર્યા
સંસારસાગરને તર્યા. ૩.
શૈલેશીકરણે ભાગ ત્રીજે
શરીરનાં ઓછાં કરી,
પ્રદેશ જીવના ઘન કરી
વળી પૂર્વધ્યાન પ્રયોગથી,
ધનુષ્યમાંથી છૂટેલ બાણ તણી
પરે શિવગતિ લહી. 4.
નિર્વિઘ્ન સ્થિરને અચલ અક્ષય
સિદ્ધિગતિ એ નામનું,
છે સ્થાન અવ્યાબાધ જયાંથી
નહિ પુન: ફરવાપણું
એ સ્થાનને પામ્યા અનંતા
ને વળી જે પામશે. 5.
(હવે બાકી રહેતી પાંચેય
ત્રિકો ચૈત્યવંદન સાથે જ સંલગ્ન છે.
ભાવપૂજા સ્વરૂપ ચૈત્યવંદનાને
સુસફળ બનાવવા કાજે ચાલો
એ બાકી રહેલી પાંચેય
ત્રિકોને ક્રમશઃ વિચારીએ.)