Categories : Biji Pradakshina Trik, Jain Vidhi Second Pradakshina Trik 2 પ્રદક્ષિણા ત્રિક પ્રદક્ષિણાત્રિક ↑ પ્રથમ પ્રદક્ષિણા, દ્વિતીય પ્રદક્ષિણા, તૃતીય પ્રદક્ષિણા શબ્દાર્થ : પ્ર = ઉત્કૃષ્ટ ભાવપૂર્વક દક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી શરૂ કરાય તે. પ્રદક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી અને આપણી ડાબી બાજુએથી શરૂ થાય છે. અને જમણા હાથે પૂરી થાય છે. આ રીતે રાઉન્ડમાં ફરતાં પરમાત્મા આપણી જમણી સાઈડમાં જ રહે છે. લોકવ્યવહારમાં ઉત્તમ પદાર્થોને હંમેશાં જમણે હાથે રાખવાનો તથા જમણે હાથે જ તેની આપ-લે કરવાનો રિવાજ સર્વત્ર પ્રચલિત છે. * બજારમાં રૂપિયાની લેવડ-દેવડ જમણા હાથે જ કરવામાં આવે છે. • દસ્તાવેજી કાગળપત્રોની આપ-લે પણ જમણે હાથે જ કરવામાં આવે છે. • લગ્નની ચોરીમાં હસ્તમેળાપ પણ જમણે હાથે જ કરવામાં આવે છે. પુરુષો જયોતિષીને જમણો હાથ જ બતાવે છે. * કોઈને સલામ ભરવામાં, જમવામાં, આવકાર તેમ જ વિદાય આપવામાં પણ જમણો હાથ જ ઉપયોગમાં લેવાય છે. * દેવાધિદેવને પણ જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે. પ્રદક્ષિણા : માણસ ૨૪ કલાક સંતત દુન્યવી ચીજોને પ્રદક્ષિણા કરતો ફરે છે. એની પ્રદક્ષિણાઓના કેન્દ્રમાં કયારેક સ્ત્રી હોય છે; કયારેક ધન હોય છે, કયારેક શરીર હોય છે, કયારેક ફ્રીઝ, ફીયાટ, ફોન કે ટી.વી. સેટ હોય છે. ઘર અને દુકાન, ફલેટ અને ઑફિસના ચક્કરો, એ સતત કાપતો રહે છે. દિવસ દરમ્યાન જેટલું રખડે, ભટકે, ફરે એ બધી રખડપટ્ટીના મૂળમાં કોઈકને કોઈક પૌદ્ગલિક પદાર્થો હોય છે. આવી આશંસાઓને ઉંચકીને એ આજે નહિ પણ અનાદિ અનંતકાળથી રઝળી રહ્યો છે. પણ હજુ એને સાચું સુખ મળ્યું નથી. હા! જગતના પૌદ્ગલિક પદાર્થો એના હાથમાં આવે છે, પણ કહેવાતા એ સુખના સાધનો હાથમાં આવવા છતાં એને સુખ નથી મળતું. શાંતિ નથી મળતી. કેમકે જગતના કોઈપણ સુખના સાધનમાં હક્કિતમાં સુખ આપવાની તાકાત જ નથી. માટે તો ડૉલર એરીયામાં દશ હજાર સ્કવેર ફીટનો બંગલો, ગાડી, ટી.વી. વીડીયો, ફ્રીઝ, એરકંડીશનર જેવી આધુનિક દુનિયાની બધી જ ચીજવસ્તુઓ સંપ્રાપ્ત થઈ ગયા પછી પણ એ બંગલાવાસીઓ સુખી નથી. સદૈવ સંતપ્ત છે. સુખની લાખો સામગ્રીઓ વચ્ચે પણ એ દુ:ખી દુ:ખી છે. એરકન્ડીશનર હોવા છતાં પણ તેમને ટાઢક નથી. A.C. દ્વારા બેડરૂમની દીવાલો ટાઢી હેમ જેવી થઈ છે પણ માણસની પાંસળીઓ અને ખોપરી સતત ચિંતાઓથી ચને વ્યથાઓથી ભડકે બળી રહી છે અને એને ઠંડી કપમ કરે? ભીતરની આગને ઠારવાનું કામ પરમાત્માની પ્રદક્ષિણા કરે છે. આજ લગી ભૌતિક સામગ્રીઓને કેન્દ્રમાં રાખીને ચક્કરો કાટયા, હવે પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા દેવાનું શરૂ કરો. અત્યંત ભક્તિભર્યા હૃદય, બહુમાન અને આદરભર્યા હૈયે પ્રભુને પ્રદક્ષિણા કરો. પછી જુઓ ભીતરની આગો ઠરે છે કે નહિ ? ભવભ્રમણ અટકે છે કે નહિ ? પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા ફરતાં એક પ્રકારનું મેગ્નેટીક સર્કલ રચાય છે. એક વિધુત વર્તુલ ઉભું થાય છે. એ વર્તુલ ભીતરની કર્મવર્ગણાઓને છિન્નભિન્ન કરી નાખે છે. લખલૂટ કર્મો પ્રભુને પ્રદક્ષિણા કરતાં નિર્જરી જાય છે. પ્રદક્ષિણા એ એક અત્યંત આવશ્યક અને તાંત્રિક વિધિ છે. ઘણા માણસો આવા પ્રદક્ષિણાના મહિમાને સમજયા નથી. માટે માત્ર દર્શન કરીને રવાના થઈ જતાં હોય છે. પ્રદક્ષિણાત્રિકને સમજીને સહુકોઈએ પરમાત્માને બહુમાનપૂર્વક પ્રદક્ષિણા દેવાનું શરૂ કરી દેવું તે હિતાવહ ગણાશે. ત્રણ પ્રદક્ષિણાના ચાર હેતુ: 1. અનાદિ અનંત કાળથી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા આત્માનું ભવભ્રમણ ટાળવા માટે પરમાત્માની ચારેકોર ભ્રમણ-(પ્રદક્ષિણા) કરવામાં આવે છે. 2. જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ રત્નત્રયીને પામવા માટે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. 3. મૂલનાયકની ત્રણે બાજુ દીવાલમાં સ્થાપિત કરવામાં આવેલાં મંગલ જિનબિંબો જોઈને આપણે સમવસરણમાં ફરી રહ્યાાં હોઈએ તેવી ભાવના જાગ્રત કરવા પ્રદક્ષિણા દેવાની છે. 4. “ઈલિકા ભ્રમરી ન્યાયે” પરમાત્માનું ગુંજન કરતાં કરતાં આપણા આત્માને આપણે પરમાત્માસ્વરૂપ બનાવવાનો છે. લગ્નની ચોરીમાં સળગતી આગને ચાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. તે ચાર ગતિનાં પરિભ્રમણને વધારનારી અને હવેથી શરૂ થતી રોજની હૈયાહોળીને સૂચવનારી છે. ત્યારે પરમાત્માને કેન્દ્રમાં રાખીને દેવાતી પ્રદક્ષિણા પરમાત્માસ્વરૂપ પમાડનારી છે અને ભવભ્રમણ ટાળનારી છે. કર્મોની નિર્જરા કરાવનારી છે. ત્રણ પ્રદક્ષિણા કરવાથી સો વર્ષના ઉપવાસનું ફળ મેળવાય છે. કેટલાક કથાપ્રસંગો : A. અજૈન રામાયણમાં એક પ્રસંગ આવે છે. સીતા જયારે વનવાસમાં હતાં ત્યારે તેઓ એક વાર કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠાં હતાં. સાથેની રાક્ષસીઓ તેમના પગ દબાવી રહી હતી. એટલામાં એક ભમરી આવી. એણે મોમાં ઈયળ પકડેલી હતી. વૃક્ષ પરના માટીના ઘરમાં ઈયળને પૂરી દઈને, ભમરી તેની ચારેકોર જોરજોરથી ધું ધું ઘું અવાજ કરતી પ્રદક્ષિણા કરવા લાગી. આ જોઈને સીતા એકાએક રડવા લાગ્યાં. રાક્ષસીઓએ તેમને પૂછયું, ઓ જગદમ્બા ! આપ રડો છો શા માટે ? શું આ ભમરીથી ડરી ગયાં ? કે પછી નયનાભિરામ પેલા રામ યાદ આવી ગયા ? સીતા બોલ્યાં કે, રાક્ષસીઓ ! મેં સાંભળ્યું છે કે ભમરીના ઘરમાં પૂરાયેલી ઈયળ, ભમરીનું સ્મરણ કરતાં કરતાં સ્વયં ભમરી બની જાય છે. તેમ હું દિવસ-રાત સતત રામ, રામ, રામનું જ સ્મરણ કરતાં કરતાં સીતા મટીને જો રામ બની જઈશ તો અમારું શું થશે. એય રામ હું ય રામ, બેય રામ, રે ! રામે રામ ભેગા થઈ જાય તો આ અમારો સંસાર ચાલે કંઈ રીતે ?” પળનોય વિલંબ કર્યા વિના વિચક્ષણ રાક્ષસીઓએ જણાવ્યું કે, ઓ જગદમ્બા! રામ, રામના સંસ્મરણે તમે જો રામ બની જશો તો સીતા, સીતાનું સતત સ્મરણ કરી રહેલા ઓલા રામ પણ સીતા બની જશે. નાહકની ફીકર શા સારુ કરો છો ? જવાબ સાંભળીને રડતાં સીતાજી એકદમ હસી પડયાં. યાદ રહે કે પરમાત્મા, પરમાત્માનું ગુંજન કરવાથી આપણો આત્મા પણ પરમાત્મા બને છે. B. એક આચાર્યદેવને કમ્મરની તથા પગની સખત તકલીફ હોવા છતાં જયારે તેઓ જિનાલયે જતા ત્યારે શિષ્યના હાથનો ટેકો લઈને પણ તેઓ પ્રદક્ષિણા અવશ્ય કરતા. મંદિરમાં ભમતી ન હોય, તો તેઓ સ્નાત્રપૂજાનાં ત્રિગઢા પર બિરાજમાન પરમાત્માને પ્રદક્ષિણા કરતા અને આ ત્રિકનું યથાર્થ પાલન કરતા. કેટલીક સાવધાની : A. નૂતન મંદિરનું જયાં નિર્માણ થતું હોય ત્યાં પ્રદક્ષિણાની જગ્યા ચારેકોરથી બંધ, અંધીયારી નં રાખતાં ખુલ્લી રાખવી. જેથી જીવરક્ષા બરાબર કરી શકાય, તેમ જ અંધકાર અને એકાંતનાં સંભવિત પાપથી બચી જવાય. B. પ્રદક્ષિણા કરતાં દુહા બોલવામાં દોષ નથી. એમ ચૈત્યવંદન મહાભાષ્યમાં જણાવેલ છે.પ્રદક્ષિણા કરતાં દષ્ટિ જમીન પર રાખવી. જેથી કોઈ જીવની હિંસા ન થાય. C. પ્રદક્ષિણા ચારેકોરથી બંધ હોય તો મર્યાદા જળવાય તે માટે બહેનો જો ભમતીમાં દાખલ થયાં હોય તો ભાઈઓએ ઉભા રહેવું. અને ભાઈઓ જો પ્રદક્ષિણા કરતા હોય તો બહેનોએ ઉભાં રહેવું. D. પ્રદક્ષિણા કરતાં એકબીજાનાં શરીરનો સ્પર્શ ન થવા દેવો. E. મોટી પૂજાના સમયે બાળકો ભમતીના ખૂણામાં બેસતાં હોય તો તેમને તે એકાન્તમાં બેસવા દેવાં નહિ. F. કેટલેક સ્થળે પ્રદક્ષિણામાં દીવાબત્તી નહિ રાખવાથી કાયમ માટે અંધારું રહે છે. તે બરાબર નથી. G. પ્રદક્ષિણા ફરતાં પરિવારનાં વડપુરુષે બે હાથ જોડીને આગળ ચાલવું. તેમની પાછળ પોતાનો પરિવાર અને મિત્રવર્ગ હાથમાં ફળ/ફૂલ, નૈવેધ આદિના થાળ લઈને ચાલે. એવું શ્રાદ્ધદિનકૃત્ય અને પ્રવચનસારોદ્ધારમાં જણાવેલ છે.